બિહારના શેલ્ટર હોમની દુષ્કર્મ પીડિતાઓના ઈન્ટરવ્યુ ટીવી ચેનલોમાં પ્રસિઘ્ધ થતા સુપ્રીમ કોર્ટ લાલઘુમ
તાજેતરમાં બિહારના શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહેલી સગીરાઓ પર સામુહિક દુષ્કર્મ થવાની ચોંકાવનારી ઘટનામાં કેટલીક ટીવી ચેનલોમાં આ દુષ્કર્મ પીડીતાઓના ઈન્ટરવ્યુ પ્રસિઘ્ધ કરવામાં આવતા સુપ્રીમ કોર્ટ ખફા થઈ છે અને સુઓ મોટો એકશનરૂપે દુષ્કર્મ પીડીતાઓના ફોટા કે વિડીયો પ્રસિઘ્ધ ન કરવા કડક આદેશ જારી કરી મોર્ફ કરેલી તસવીરો કે વિડીયો પણ પ્રસિઘ્ધ ન કરવા ભારપૂર્વક આદેશ કરાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ બિહારમાં મુજફફરપુરના શેલ્ટર હોમમાં આશ્રય રહેતી ૩૦ જેટલી સગીરાઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યા બાદ આ ચોંકાવનારી ઘટનામાં મિડીયામાં મામલો ચર્ચાસ્પદ બન્યો હતો અને કેટલીક ચેનલોમાં દુષ્કર્મ પીડીત સગીરાઓની મોર્ફ કરેલી ઈમેજ સાથેના વિડીયો ઈન્ટરવ્યુ પ્રસિઘ્ધ કરવામાં આવતા હંગામો મચી ગયો હતો. આ મામલે પટનાના એકટીવીસ્ટ રણવિજયકુમારે કોર્ટનો આશરો લેતા કોર્ટે આ બાબતોને ગંભીર ગણી છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા મિડીયાને સંયમ જાળવવા ટકોર કરતા બેંગ્લોરની ઘટના ઉપરાંત થાઈલેન્ડમાં ગુફામાં ફસાયેલા સગીરો મામલે મિડીયાએ દાખવેલા સંયમનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, જયાં સુધી કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈની ઓળખ જારી ન કરવી જોઈએ. હાલમાં મિડીયામાં જે રીતે પોતાને આગળ બતાવવા મન પડે તેવા અહેવાલોની સાથે મોર્ફ કરેલી ઈમેજો બતાવવામાં આવે છે જે ધ્રુણાસ્પદ હોવાનું પણ ગણાવ્યું હતું.
વધુમાં અભિવ્યકિતની સ્વતંત્રતાના નામે બાળકોને કે સગીરોને ખુલ્લા ન કરવા પણ ટકોર કરી. કોર્ટમાં વધારાના સોલીશીટર જનરલ તુષાર મહેતા અને એડવોકેટ અર્પણા ભટ્ટે નાના ભોગ બનેલા લોકોનું રક્ષણ કરવા માટે પગલા લેવા વિનંતી કરતા સુપ્રીમ કોર્ટે આ મામલે કડક વલણ અપનાવી મોર્ફ કરેલા ઈમેજ કે વિડીયોને કોઈપણ કાળે મિડીયામાં પ્રસિઘ્ધી ન આપવા આદેશ કર્યો હતો.