ચૂંટણીપંચે જાહેર કરેલી પેટા ચૂંટણીને હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં પડકારતા કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્યની જીત: સુપ્રીમ કોર્ટે વિધાનસભા સ્પીકર અને ચૂંટણીપંચને ફટકારી નોટિસ
ખનીજ ચોરી મામલે કોર્ટ દ્વારા દોષીત ઠરેલા કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડને વિધાનસભા સ્પીકરે સસ્પેન્ડ કર્યા હતા. જેથી ચૂંટણીપંચે તલાલા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર પણ કરી દીધી હતી. જેની સામે ભગા બારડે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા પરંતુ હાઈકોર્ટે કોઈ રાહત આપી ન હતી. અંતે ભગા બારડે પેટા ચૂંટણીને સુપ્રીમમાં પડકારતા સુપ્રીમે પેટા ચૂંટણી રદ્દ કરી છે. સાથે વિધાનસભા સ્પીકર અને ચૂંટણીપંચને નોટિસ પણ ફટકારી છે.
તલાલા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડને ૧૯૯૫ના ખનીજ ચોરીના કેસમાં સુત્રાપાડા કોર્ટે ૨ વર્ષ અને ૯ મહિનાની સજા ફટકારી હતી. તેમની સામે ૨૫ વર્ષ પૂર્વે ગૌચર જમીન અંગેનો ૨.૮૩ કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો છે. ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરીના કેસમાં કસુરવાર ઠેરવાયેલા ધારાસભ્ય ભગા બારડને કોર્ટે સજાની સાથે રૂ.૨૫૦૦નો દંડ પણ ફટકારાયો હતો. કોર્ટે આપેલી સજાના પગલે વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ તાત્કાલીક એકશન લઈને તલાલા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભગા બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધા હતા. ધારાસભ્ય સસ્પેન્ડ થતા ચૂંટણીપંચ દ્વારા તલાલા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ જાહેર કરી દેવામાં આવી હતી. જેમાં મતદાન આગામી ૨૩મી એપ્રીલે થવાનું હતું. આગામી ગુ‚વારે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો.
આ મામલે સસ્પેન્ડ ધારાસભ્ય ભગા બારડે હાઈકોર્ટમાં અરજી કરી જણાવ્યું હતું કે, તેમને નીચલી કોર્ટે આપેલી સજા ઉપર ઉપલી કોર્ટે સ્ટે આપ્યો હોવા છતાં તેમને સસ્પેન્ડ કરીને બેઠકની પેટા ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. સામાપક્ષે હાઈકોર્ટમાં સરકારે પોતાના તરફથી રજૂઆત કરતા કહ્યું હતું કે, નિયમ અનુસાર ભગા બારડ ધારાસભ્ય પદે ચાલુ રહી શકતા નથી જેથી ખાલી પડેલી જગ્યા ભરવા પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ચૂંટણીપંચે પણ કોર્ટમાં જણાવ્યું હતું કે, તેને કોઈ રાજકીય કિન્નાખોરી રાખ્યા વીના બીન પક્ષપાતી રીતે પેટા ચૂંટણી જાહેર કરી છે. ત્યારે હાઈકોર્ટમાં સસ્પેન્ડ ધારાસભ્ય ભગા બારડના વકીલે વચ્ચગાળાની રાહત માંગી હતી.
પરંતુ હાઈકોર્ટે તેના માટે ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ ભગા બારડે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવતા તેને મોટી રાહત થવા પામી છે. સુપ્રીમ કોર્ટે તલાલા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પર સ્ટે મુકી દઈને વિધાનસભા સ્પીકર તેમજ ચૂંટણીપંચને નોટિસ ફટકારી છે.નોંધનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડને વિધાનસભા સ્પીકરે સસ્પેન્ડ કરી દેવાની ઘટનાના ઘેરા પડઘા પડયા હતા. આહિર સમાજે ભગા બારડની પડખે ઉભા રહીને વિશાળ સંમેલન પણ યોજયુ હતું.