દાગી નેતાઓના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવા સુપ્રીમ દખલ ન દે: કેન્દ્ર સરકાર
અપરાધીઓને ચૂંટણી લડવા પર રોક લગાવવાને મામલે ચૂંટણીપંચ, કેન્દ્ર સરકાર વચ્ચે સુપ્રીમ કોર્ટમાં કાનુની લડાઈ
લોકતંત્રને સાફ સુથરુ રાખવા માટે અપરાધીઓ ચુંટણી ન લડી શકે તેવી ચુંટણીપંચની જોગવાઈ મામલે સુપ્રીમ કોર્ટમાં કાનુની લડાઈ શરૂ થતા કેન્દ્ર સરકારે અને ચુંટણીપંચે પોતપોતાના વ્યુહ સુપ્રીમ કોર્ટ સમક્ષ રાખ્યા હતા જોકે જયાં સુધી કોઈપણ અપરાધી ગુનેગાર સાબિત ન થાય ત્યાં સુધી તે ગુનેગાર નથી. જેથી તેણે ચુંટણી લડતા રોકી ન શકાય તેવું કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી આ મામલો સંસદનો હોવાનું સરકારવતી જણાવાયું હતું.
દેશમાં વિધાનસભા, લોકસભા સહિતની ચુંટણીઓમાં દાગી ઉમેદવારો કે જેમના પર અપરાધીક મામલાઓ નોંધાયા હોય તેઓને ચુંટણી લડવા પર પ્રતિબંધ મુકવાની સાથે-સાથે ટીકીટ નહીં આપવા ચાલતા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી રીટ પીટીશન બાદ આ બાબતે સુપ્રીમ કોર્ટે ચુંટણીપંચ અને સરકારનો જવાબ માંગતા કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ આ બાબતની ચિંતા કરી રહી છે તે બિરદાવવા લાયક છે પરંતુ જયાં સુધી કાયદાની બાબત છે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ દખલગીરી ન કરે કેમ કે કાયદો ઘડવો એ કોર્ટની હદમાં નથી આવતું તેવું એર્ટની જનરલ કે.વેણુગોપાલે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ચુંટણીપંચ દ્વારા કાયદાકીય જોગવાઈઓ ધ્યાને લઈ આ અગાઉ ચુંટણી લડતા ઉમેદવારો માટે રજુ થતા સોગંદનામામાં કેવા-કેવા અપરાધી મામલા નોંધાયેલા છે તે લોકો સરળતાથી જાણી શકે તે માટે વિગતો ફરજીયાત બનાવી છે ત્યારે સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજી મુજબ રાજકીય પક્ષો આવા દાગી ઉમેદવારોને ટીકીટ ન આપે તે મામલે કાનુની વિવાદ ઉભો થતા ચુંટણીપંચ અને કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટમાં પોતાનો વ્યુહ રાખવાની ફરજ પડી છે.
જોકે બંધારણની જોગવાઈ મુજબ કોઈપણ ઉમેદવાર કે વ્યકિત જયાં સુધી ગુનેગાર સાબિત ન થાય ત્યાં સુધી તેને અપરાધી ગણી શકાતો નથી જેથી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કાનુની વિવાદમાં કેન્દ્ર સરકાર દ્વારા પોતાનો પક્ષ રાખી બંધારણીય મુજબ ચુંટણી લડી રહેલા ઉમેદવારોના અપરાધીક બાબતો અંગે દખલગીરી ન કરવા પક્ષ રખાયો હતો.
કોર્ટ સમક્ષ એવી પણ માંગ ઉઠી હતી કે જો વ્યકિત દોષિત ઠરે તો તેણે ચુંટણી લડવા પર પ્રતિબંધ મુકવામાં આવે અને ચુંટાઈ ગયા બાદ દોષિત ઠરે તો આવા કેસમાં સાંસદ કે ધારાસભ્યપદે તેની ઉમેદવારી રદ કરી દેવામાં આવે. આ મામલે અગાઉ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આવા દોષિત ઠરેલા ઉમેદવારોને કોઈ પક્ષ ટીકીટ ન આપે તેવો આદેશ સુપ્રીમ કોર્ટ આપે તેમ અમે પંચને કહી શકીએ છીએ.
જોકે હવે કેન્દ્રની મોદી સરકારે અપરાધીક નેતાઓની ચુંટણી લડવાની બાબતોને સંસદીય બાબતો ગણાવી સુપ્રીમ કોર્ટને દરમિયાનગીરી ન કરવા જણાવતા આવનાર દિવસોમાં આ મામલે વધુ વિવાદ વકરે તેવી શકયતા જણાઈ રહી છે.
અનુગામી ચીફ જસ્ટીસ નક્કી કરવાની જવાબદારી સીજેઆઇ મિશ્રા ઉપર છોડતી સરકાર
સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટીસની નિમણુક મામલે કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે ચીફ જસ્ટીસ દિપક મિશ્રાને પત્ર પાઠવી પરંપરાગત રીતે પોતાના અનુગામી નકકી કરવા જવાબદારી સુપ્રત કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દિપક મિશ્રા એક માસ બાદ નિવૃત થઈ રહ્યા હોય આ મામલે તેઓએ કેન્દ્ર સરકારને નવા ચીફ જસ્ટીસની નિમણુક કરવા પત્ર પાઠવ્યો હતો જેના જવાબમાં કાયદામંત્રી રવિશંકર પ્રસાદે ચીફ જસ્ટીસ દિપક મિશ્રાને પત્ર પાઠવી જણાવ્યું હતું કે, પરંપરાગત રીતે તેઓના અનુગામી નકકી કરવાની જવાબદારી તેઓની જ છે. જેથી તેઓ કાયદાકીય રીતે પ્રક્રિયા પૂર્ણ કરી તેઓના અનુગામી નકકી કરી શકે છે.