વોટસએપની પ્રાઈવેસી પોલીસીને પડકારતી અરજી પર સુપ્રીમની સુનવણી કહ્યું કંપની પોલીસી બદલીને ભારતીય કાયદાનું ઉલ્લંઘન કરી શકે નહીં
ઓનલાઈન મેસેજિંગ સર્વિસ ‘વોટસએપ’ની પ્રાઈવેસી પોલીસી વિરુઘ્ધ નોંધાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનવણી કરતા કહ્યું કે, વોટસએપ ૧૬ કરોડ ભારતીયોને સખાવતના નામે બંધક ન બનાવી શકે. ન્યાયાધીશ દિપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયમૂર્તિની ખંડપીઠે વોટસએપની વર્ષ ૨૦૧૬ની લાઈસન્સ પોલીસીના સ્વ‚પ પર અનેકો પ્રશ્ર્નો ઉભા કર્યા છે. તેમજ કહ્યું હતું કે, અમે નાગરિકોના હિતની સુરક્ષા કરી શકીએ છીએ. અમારી પાસે દેશમાં ડેટા પ્રોટેશનની ઓથોરિટી છે.
ખંડપીઠમાં અધ્યક્ષ સ્થાને દિપક મિશ્રા અને અન્ય ન્યાયધીશ એ.કે.સિફી, અમિત્વા રોય, એ.એમ.ખાન્વીલ્કર તેમજ મોહન એમ. સાન્તાનગોદરનો સમાવેશ છે. ખંડપીઠે વોટસએપને કહ્યું કે, તે પોતાની પોલીસીની ભાષા બદલીને ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન કરી શકે નહીં. અમે દેશના તમામ નાગરિકોને મફત સંવાદ કરવાના અધિકારોને સંરક્ષણ પ્રદાન કરીશું. જો કે, ભારતમાં ડેટા પ્રોટેકશન અને પ્રાઈવેસી પોલીસીને લઈને કોઈ ખાસ કાનુન નથી.
ખંડપીઠે વોટસએપને ટકોર કરતા વધુમાં જણાવ્યું હતું કે, નાગરીકોના અધિકારોની રક્ષા કરવી અમારી સંવૈદ્યાત્મક જવાબદારી છે. સ્વભાવિક છે કે કોઈ પણ વ્યકિત તેના તમામ ડેટા શેર કરવા ઈચ્છતો નથી. વોટસએપ અને ફેસબુકના વ્યાવસાયિક હિત છે. અહીં નાગરિકોના હિત જોડાયેલા છે.
ન્યાયાધીશોની ખંડપીઠે આ પ્રકારની ટીપ્પણી વોટસએપની પ્રાઈવેસી પોલીસીને પડકારતી કર્મણ્યાસિંહ અને શ્રોયા સેઠીની અરજી પર સુનવણી દરમિયાન કરી હતી. અરજી દાખલ કરનારના વકીલ માધવી દીવાને કહ્યું કે, વર્ષ ૨૦૧૬ની પ્રાઈવેસી પોલીસી બાદ વોટસએપે ખાનગી ડેટા શેર કર્યા અને મેટાડેટા એકઠા કર્યા જેનો વ્યાવસાયિક ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ માટે ફેસબુકે ૧૯ અબજ ડોલરમાં વોટસએપને ખરીધ્યું હતું. આ પ્રકારે ખાનગી ડેટા શેર કરવા અયોગ્ય છે. સુપ્રીમે વોટસએપ સામે પ્રશ્ર્ન ઉભો કર્યો છે કે ફેસબુકના ખરીદ્યા બાદ પણ શા માટે તેણે નોન શેરિંગ ડેટા પોલીસી બદલાવી છે ?