સર્વોચ્ચ અદાલતમાં હજુ પણ 80 હજાર કેસોનો ભરાવો
અખિલ ભારતીય ન્યાયિક ડેટા પારદર્શિતા પોર્ટલ – નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ (એનજેડીજી)ની સ્થાપના થયાના આઠ વર્ષ પછી સુપ્રીમ કોર્ટે ગુરુવારે પ્લેટફોર્મ પર આંકડાઓ જાહેર કર્યા છે. જે આંકડા અનુસાર વર્ષ 2023માં કુલ નવા 75,554 કેસો દાખલ થયાં છે જેની સામે સર્વોચ્ચ અદાલતે 72,328 કેસોનો નિકાલ કરી 95.7%નો ડિસપોઝલ રેટ હાંસલ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડના નેતૃત્વ હેઠળ 2023માં અકલ્પ્ય 95.7% નિકાલ દર હાંસલ કર્યો કારણ કે બેન્ચોએ આ સમયગાળા દરમિયાન ટોચની અદાલતમાં દાખલ થયેલા 75,554 કેસોની તુલનામાં આજ સુધીમાં 72,328 કેસનો નિકાલ કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક્શ(ટ્વિટર) પર લખતા કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટ અને ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડજી દ્વારા પ્રશંસનીય પગલું લેવામાં આવ્યું છે. ટેક્નોલોજીનો આવો ઉપયોગ આપણા દેશમાં ન્યાય વિતરણ પ્રણાલીમાં વધુ પારદર્શિતા લાવશે. 2015 માં સ્થપાયેલ એનજેડીજી દરેક રાજ્યમાં તાલુકા કક્ષાએથી માંડી ઉચ્ચ અદાલતોમાં પડતર કેસોની વિગતો પ્રદાન કરે છે.
જો કે, સુપ્રીમમાં 2023 માં દાવાદારો માટે એકંદરે સફળતાનો દર સિવિલ અને ફોજદારી બંને કેસોમાં નબળો રહ્યો હતો. સિવિલ કેસમાં 61% બરતરફ કરવામાં આવ્યા હતા, 22% નિકાલ કરવામાં આવ્યા હતા અને અરજીઓને ફક્ત 17% કેસોમાં જ મંજૂરી આપવામાં આવી હતી. ફોજદારી કેસોમાં સુપ્રીમે 64.4% કેસોને બરતરફ કર્યા છે અને બાકીના નિકાલ કરતી વખતે 13.2%ને મંજૂરી આપી છે.
સુપ્રીમ કોર્ટમાં સિવિલ અને ફોજદારી અરજીઓની સંચિત સફળતાની ટકાવારી નબળી 15.6% રહી હોવા છતાં સુપ્રીમમાં ફાઇલિંગમાં વધારો થવાનું વલણ ઊંચું રહ્યું છે જે લોકોનો ન્યાયતંત્રમાં વિશ્વાસ દર્શાવે છે. આજની તારીખે સુપ્રીમમ 80,344 કેસ પેન્ડિંગ છે, જેમાંથી લગભગ 16,000 કેસ દાખલ કરવામાં આવ્યા છે પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા કેસ તરીકે નોંધવાના બાકી છે.