કેન્દ્ર સરકાર રફાલ ખરીદીની માહિતી ૨૯ ઓકટોબર સુધીમાં સીલબંધ કવરમાં આપશે, ૩૧ ઓકટોબરે સુનાવણી
રફાલ વિમાન ખરીદીનો નિર્ણય હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. આ મામલે કોર્ટમાં બે અરજી દાખલ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ ૩૬ રફાલ વિમાન અંગેની સમગ્ર પ્રોસેસની માહિતી એક સીલબંધ કવરમાં આપી છે. ભાજપ અને કોંગ્રેસના આ મુદ્દે ગજગ્રાહ બાદ કોર્ટે ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલી ડીલ અંગે માહિતી માગી છે.
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની આગેવાનીમાં ગઠીત બેંચે જણાવ્યું હતું કે, અમે રફાલ વિમાનની કિમત તેમજ અન્ય કોઈ માહિતી નથી માગી રહ્યાં કે ન તો તેને લઈને કોઈ ફોર્મલ નોટિસ પણ જારી નથી કરી બેંચે સાથે કેન્દ્ર સરકારને એમ પણ પુછયું હતું કે, રફાલ વિમાનની ખરીદીની કિંમત અને અન્ય કોઈ માહિતી ન મેળવીએ અને માત્ર આ કરાર માટે જે નિર્ણય લેવામાં આવે છે તેની પ્રક્રિયા શું છે તેની માહિતી માગી છે. આ અંગેની સમગ્ર માહિતી ૨૯ ઓકટોબર સુધીમાં કોર્ટમાં મોકલવાની રહે છે. જયારે આ અંગેની સુનાવણી ૩૧ ઓકટોબરે થશે.
આ અંગે ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ અને જસ્ટીસ સંજય કે કોલ અને કે.એમ.જોસેફની ખંડપીઠ આ બંને અરજીઓની સુનાવણી કરશે. ખંડપીઠે કહ્યું હતું કે, રફાલ સોદામાં કિંમતોની અને અન્ય વિગતો નથી માગી રહ્યાં માત્ર નિર્ણયની પ્રક્રિયાની માહિતી જ માંગવામાં આવી છે. પીઆઈએલમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, તાત્કાલિક ધોરણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અનિલ અંબાણી વિરુધ્ધ એફઆઈઆર દાખલ કરીને આ સમગ્ર મામલે તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવે અને જયાં સુધી તપાસ ચાલે ત્યાં સુધી કરાર પર સ્ટે મુકવામાં આવે. આ ડીલમાં ભ્રષ્ટાચાર થયો છે અને ચોક્કસ વ્યક્તિઓને ફાયદો પહોંચાડવામાં આવ્યો છે. તેવું આ બે પીઆઈએલમાં વકીલો દ્વારા જણાવવામાં આવ્યું છે.
જો કે કેન્દ્ર સરકારના વકીલે આ નોટીસ પ્રત્યે જણાવ્યું છે કે, અમે રીટ પીટીશનમાં ઉઠાવાયેલા સવાલોને ધ્યાનમાં લઈ રહ્યા નથી. સરકાર વતી હાજર રહેલા એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે જણાવ્યું કે આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે. અરજકર્તાઓ દ્વારા રાજકીય બદઈરાદાથી આ મામલો અદાલત સમક્ષ ઉઠાવ્યો છે. જો સુપ્રીમ કોર્ટે સરકારને નોટિસ આપશે તો તે નોટિસ સીધી વડાપ્રધાનને જશે જે હસ્તક્ષેપ ગણાશે.
મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ નિર્મલા સિતારમન વચ્ચે વાક યુદ્ધો થઈ રહ્યાં છે જેને પગલે હવે સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઈ છે.