ચાર વર્ષ લીવ ઈન રીલેશનશીપમાં રહ્યા બાદ લગ્ન ન થતા યુવતીએ પ્રેમી પર લગાવ્યો હતો દુષ્કર્મનો આરોપ

હાઈકોર્ટે દોષી ઠેરવેલા એક રેપના આરોપીને સુપ્રીમ કોર્ટે દોષમુકત ઠેરવ્યો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ એ જણાવી આ આરોપીને દોષમુકત કર્યો છે કે, કોઈ યુગલ ચાર વર્ષ લીવ ઈન રીલેશનશીપમાં રહે અને ત્યારબાદ કોઈ કારણોસર લગ્ન ન થવા એ કોઈ બળાત્કાર નથી. યુવાને દગો નથી આપ્યો પણ ધર્મના લીધે લગ્ન નથી કર્યા તે તેનો આંતરિક મામલો છે અને સબૂતોના આધારે મહિલાના બળાત્કારના આરોપ સત્ય પુરવાર નથી કરતા.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ આર.એફ.નરીમન, નવીન સિંહા અને ઈન્દિરા બેનર્જીની બેંચે ૨૦ વર્ષ જૂના આ રેપના કેસમાં આ પ્રકારે ચુકાદો આપ્યો છે. અરજીકર્તા મહિલાએ ૨૦ વર્ષ પહેલા તેના પ્રેમી પર દગાખોરી અને બળાત્કારનો આરોપ લગાવી કેસ દાખલ કર્યો હતો જેને ટ્રાયલ કોર્ટ અને ઝારખંડ હાઈકોર્ટે સ્વીકાર કરી વ્યકિતને દોષી જાહેર કર્યો હતો. હાઈકોર્ટના આ નિર્ણયને પ્રમીએ સુપ્રીમમાં પડકારી ન્યાય માંગ્યો હતો. જે અનુસંધાને સુપ્રીમે ઝારખંડ હાઈકોર્ટના નિર્ણયને બરખાસ્ત કરી દીધો છે અને પ્રેમીને દોષમુકત ઠેરવ્યો છે.

ન્યાયધીશોની ખંડપીઠે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, અમને સૌપ્રથમ મહિલાની ઉંમરને લઈને શંકા ઉભી થઈ હતી. મહિલાએ કહ્યું હતું કે, ઘટના સમયે એટલે કે ૧૯૯૫માં તેની ઉંમર ૧૩ વર્ષની હતી. જયારે તેણે ૧૯૯૯માં એફઆઈઆર નોંધાવી ત્યારે તેણીની ઉંમર મેડિકલ તપાસમાં ૨૫ વર્ષ હોવાનું ખુલ્યું હતું એટલે કે મહિલાએ ખોટુ બોલી તેની ઉંમર જાણી જોઈ ૮ વર્ષ નાની બતાવી હતી.

મહિલાએ એફઆઈઆરમાં જણાવ્યું હતું કે, પ્રેમીએ તેની સાથે લગ્ન કરવા વચન આપ્યું હતું. આથી તેઓ પતિ-પત્નિની જેમ જ રહેતા હતા પરંતુ ચાર વર્ષ બાદ ૧૯૯૯માં તેના પ્રેમીએ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા જેને લઈ તેણે દગાખોરી અને બળાત્કારનો કેસ કર્યો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સાક્ષીઓ અને સબૂતોની પડતાલ કરતા જાણવા મળ્યું કે, યુવક-યુવતી અલગ-અલગ ધર્મના હોવાથી તેમના લગ્નમાં અડચણ હતી. યુવક હિંદુ જયારે યુવતી ઈશાઈ ધર્મની હતી. યુવતી પોતાની મરજીથી ચાર વર્ષ લીવ-ઈન-રીલેશનશીપમાં રહી લગ્ન ન થવાના કારણે બળાત્કારનો આરોપ લગાવે તે અયોગ્ય છે. તેણે પ્રેમમાં શારીરિક સંબંધ પોતાની મરજીથી જ બનાવ્યા હોય તો એ કેવી રીતે બળાત્કાર ગણી શકાય તેમ કહી કોર્ટે વ્યકિતને દોષમુકત જાહેર કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.