રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શિવરાત્રીની ઉજવણી થઇ રહી છે. ઠેર ઠેર શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની પ્રાત: કાલની આરતીનો લ્હાવો લેવા માટે વહેલી સવારે 4 વાગ્યાથી ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. સોમનાથ મહાદેવને આજે વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રીની પારંપરીક ઉજવણીને લઇ મહાપર્વે શિવભક્તો માટે સવારનાં 4 વાગ્યાથી લઇ સતત 42 કલાક સોમનાથ મંદિર ખુલ્લુ મુકવાનું આયોજન કરાયું છે. વહેલી સવારથી જ મંદિરમાં જય સોમનાથનો નાદ ગુંજી ઉઠ્યો હતો. મહાદેવજીને સમગ્ર વર્ષમાં કરેલી શિવપૂજાઓ જેટલુ પુણ્ય હોય તે માત્ર શિવરાત્રિએ શિવપૂજા અને દર્શન કરવાથી મળતું હોવાને કારણે ભાવિકો તત્કાલ શિવપૂજન, ધ્વજાપૂજન કરી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઇ છે.
મહોત્સવનો પ્રારંભ પારંપરીક ધ્વજાપૂજનથી થયો હતો. બાદમાં મહામૃંત્યુજય યજ્ઞ, દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શન-પ્રદક્ષિણા, સેલ્ફી પોઇન્ટ, સવારે 11 થી 12 દરમિયાન પરિસરમાં બ્રાહણો દ્વારા વેદગાન, પાલખીયાત્રા સહિતનાં કાર્યક્રમો યોજાનાર છે.