11 જૂલાઇ થી 20 જૂલાઇ સુધી ખેડૂતોએ ગ્રામ્યકક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પર નોંધણી કરાવવાની રહેશે

ગુજરાત સરકાર દ્વારા વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આગામી તા.21 જૂલાઇથી ખરીદીનો પ્રારંભ કરાવવામાં આવશે. કૃષિ મંત્રી  રાઘવજી પટેલ પ્રતિ ક્વિન્ટલ રૂ.7275ના ટેકાના ભાવે મગની ખરીદી કરાશે. આગામી તા.11 જૂલાઇ થી 20 જૂલાઇ સુધી ખેડૂતોએ ગ્રામ્યકક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પર નોંધણી કરાવવાની રહેશે. ખેડૂતોએ નોંધણી માટે કોઇ ચાર્જ ચૂકવવાનો રહેશે નહી. ખેડૂતે નોંધણી માટે મોબાઇલ નંબર ફરજિયાત આપવાનો રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ2021-22માં મગ પાક માટે ટેકાનો ભાવ રૂ.7,275 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. આ ભાવે ગુજરાતમાં ખેડૂતો પાસેથી આગામી તા.21 જૂલાઇ-2022થી ટેકાના ભાવે મગની ખરીદી શરૂ કરવામાં આવશે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.કૃષિ મંત્રીએ વધુ વિગતો આપતાં જણાવ્યું કે, ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી નાફેડ થકી રાજ્ય સરકાર નિયુક્ત રાજ્ય નોડલ એજન્સી ઇન્ડીએગ્રો કોન્સોર્ટીયમ પ્રોડ્યુસર કંપની લિમીટેડ મારફત કરવામાં આવનાર છે. ઉનાળુ મગ પાકની ટેકાના ભાવે ખરીદી માટે આગામી 11 થી 20 જૂલાઇ-2022 દરમ્યાન ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. ત્યારબાદ તા.21 જૂલાઇ 2022થી કેન્દ્ર સરકાર દ્વારા મળેલી મંજૂરીને આધિન ગુજરાતમાં વિવિધ કેન્દ્રો ઉપરથી મગની ખરીદી શરૂ કરવામાં આવશે.કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, હાલ વિવિધ એ.પી.એમ.સી. ખાતે મગ પાકનો સરેરાશ બજાર ભાવ નિયત થયેલ ટેકાનો ભાવ રૂ.7275 પ્રતિ ક્વિન્ટલ કરતા ઓછો હોઇ રાજ્યના ખેડૂતોને આર્થિક નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો ખેડૂતોના હિતમાં નિર્ણય કરાયો છે. મંત્રીએ નોંધણી અંગેની વિગતો આપતાં કહ્યું હતું કે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણી ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પરથી વિએલઈ મારફતે કરવામાં આવશે. નોધણી માટે ખેડૂતોએ કોઇ ચાર્જ-રકમ ચુકવવાની રહેશે નહીં. નોંધણી માટે ખેડૂતે જરૂરી દસ્તાવેજો જેવાકે આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂના-7 ની નકલ, ઉનાળુ 2021-22માં મગના વાવેતર અંગે ગામ નમૂના-12માં પાકની નોંધ અથવા પાકની વાવણી અંગેનો તલાટીનો દાખલો, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેકની નકલ ખેડૂતે આ સાથે આપવાની રહેશે. આ ઉપરાંત નોંધણી ઓટીપી આધારીત હોવાથી નોંધણી માટે મોબાઇલ ફોન નંબર ફરજીયાત આપવાનો રહેશે. કોઇ પણ સંજોગોમાં ઓફ લાઇન નોધણી કરવામાં આવશે નહી તેમ કૃષિ મંત્રીએ ઉમેર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.