જામનગરના મુંગણીમાં રહેતા એક પ્રૌઢે બીપી તથા ગેંગરીનની બીમારીથી કંટાળી ગઈકાલે ગળાફાંસો ખાઈ મોતને ગળે લગાડી લીધું છે.
જામનગર તાલુકાના મુંગણીમાં રહેતા ભરતસિંહ સુરાજી જાડેજા નામના અઠ્ઠાવન વર્ષના ગરાસિયા પ્રૌઢને લાંબા સમયથી બ્લડપ્રેશરની બીમારી વળગી હતી તે દરમ્યાન શરીરના કોઈ ભાગમાં ઈજા થતા ગેંગરીન પણ થવા લાગ્યું હતું.
એકસાથે બે બીમારીની સારવાર મેળવી રહેલા ભરતસિંહ કંટાળી ગયા હતા. તેઓએ ગઈકાલે બપોરે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે ઓરડામાં રહેલા પંખાના હુંકમાં દોરી વડે ગાળિયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો જેની તેમના મોટાભાઈ ભૂપતસિંહ સુરાજીને જાણ થતા તેઓએ ભરતસિંહને નીચે ઉતારી સારવાર માટે ખસેડયા હતા, પરંતુ તેઓનો જીવ બચાવી શકાયો નથી. આ બનાવથી પોલીસને વાકેફ કરાતા સિક્કા પોલીસ સ્ટેશનના જમાદાર એસ.આર. જાડેજા દોડી ગયા હતા. તેઓએ ભૂપતસિંહ સુરાજીનું નિવેદન નોંધી મૃતદેહને પી.એમ. માટે ખસેડયો છે.