- એશિયાટિક લાયનના વસવાટ વાળા વિસ્તારોમાં આડેધડ બાંધકામ અને ગેરકાયદે ખનનના કારણે ગુજરાતની ઓળખ સમા ‘સિંહ’ના જીવ જોખમમાં મૂકાયા
એશિયાટીક સિંહો જ્યાં વસવાટ કરી રહ્યા છે તેવા વિસ્તારોમાં આડેધડ બાંધકામ અને ગેરકાયદે ખનનની મંજૂરી આપવામાં આવતી હોવાના કારણે ગુજરાતમાં દર વર્ષ 110 સિંહોના મોત નિપજી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 555 સિંહોના મોત નિપજ્યા છે. ગુજરાતની આગવી ઓળખ સમા વિશ્ર્વ પ્રસિધ્ધ એશિયાટીક સિંહોના જીવ સાથે રાજ્ય સરકારે રમત રમવાનું બંધ કરવું જોઇએ તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અને કન્વિનર ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું.
રેસ્ટોરાં, રિસોર્ટ, હોમસ્ટે, ફાર્મહાઉસ બનવવાની લાયમાં એશિયાટિક સિંહોના નિવાસસ્થાન નજીક બાંધકામ પ્રોજેક્ટ્સને મંજૂરી આપતા ઠરાવની આકરી ટીકા સાથે ચિંતા વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ક્ધવીનર અને પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ગીરનું જંગલ એશિયાઈ સિંહનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. એશિયાટીક સિંહોની છેલ્લી હયાત જંગલી વસ્તી માટે ગીર વિશ્વમાં એકમાત્ર લેન્ડસ્કેપ છે. એક તરફ સિંહોના સંવર્ધન માટે કરોડો રૂપિયાના નાણાં ફાળવણીની સરકાર જાહેરાતો કરે છે અને બીજી બાજુ ગુજરાતના એશિયાટિક સિંહોના નિવાસસ્થાન નજીક બાંધકામ માટેના વર્ષ 2015 માર્ગદર્શિકામાં સરકાર દ્વારા સુધારો કરી મળતિયાઓને રેસ્ટોરાં, રિસોર્ટ, હોમસ્ટે, ફાર્મહાઉસ અને અન્ય વ્યાપારી સંસ્થાઓ, ગેરકાયદેસર ખાણ ખનન માટે જમીન પધરાવી દેવા જેવી નુકસાનકારક કામગીરી કરે છે.
સોલાર પ્રોજેક્ટ, પવન ચક્કી, મોબાઈલ ટાવર, સફારી પાર્ક સહિતના વિવિધ નિર્ણયથી તો મોટી નુકસાની થઇ જ રહી છે. બેફામ ખાણખનન, ગેરકાયદેસર બંધાકામ તો થતું જ હતું પરતું હવે પોતાના મળતિયાઓના ધંધા સેટ કરવા આખા જંગલ વિસ્તાર અને ગુજરાત રાજ્યની ઓળખ એવા એશિયાટિક સિંહોને ભાજપ સરકાર નુકસાન મોટાપાયે કરી રહી છે. ગુજરાતની રાજ્યની ઓળખ સમા એશિયાટીક સિંહોના જીવ સાથે ભાજપ સરકાર રમત કરવાનું બંધ કરે. અણઘડ સુધારાથી વન્યજીવો અને સંરક્ષિત જંગલ વિસ્તારના નુકસાન થશે તો કોણ જવાબદાર?નવું બાંધકામ વન્યજીવન કોરિડોરને અવરોધિત કરશે. જે માનવ-પ્રાણી તકરારમાં વધારો કરશે અને સિંહોના નિવાસસ્થાનોને ખંડિત કરશે, સિંહોની લડાઈ, સિહોના અન્ય પાલતું જીવો પર હુમલા સહિતની ઘટનાઓમાં વધારો થશે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 555 એશિયાટીક સિંહોના મૃત્યુ થયા, ગુજરાતમા દર વર્ષે સરેરાશ 110થી વધુ એશિયાટીક સિંહોના મૃત્યુ થાય છે. વર્ષ 2019માં 113, વર્ષ 2020માં 124, વર્ષ 2021માં 105, વર્ષ 2022મા 110 અને વર્ષ 2023માં 103 સિંહોના મોત થયા હતા. ગયા મહિને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય નજીક નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન જૂથ દ્વારા પ્રસ્તાવિત 25 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ વન વિભાગની મંજૂરી મેળવવામાં નિષ્ફળતા બાદ અટકાવી દેવામાં આવ્યો હતો. ભાજપ સરકાર વિકાસના નામે નીતનવા ગતકડાઓ કરવાને બદલે એશિયાટીક સિંહોના અને ગીરના સંરક્ષિત વિસ્તાર સુરક્ષિત રાખવામાં ધ્યાન આપવું જોઇએ.