ગુજરાતના વિદ્યાર્થીઓને હવે 3-D પ્રિન્ટીંગ ટેકનોલોજીનો અભ્યાસ કરવાનો ઘર આંગણે જ લાભ મળશે. મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્યના શિક્ષણ વિભાગ અને કેલિર્ફોનિયા(USA)ની યુ.એસ. ઇન્સ્ટીટયૂટ ઓફ 3-ડી ટેકનોલોજી વચ્ચે MOU કરવામાં આવ્યા હતા.રાજ્યના યુવાઓ વૈશ્વિકસ્તરે વિવિધ સેક્ટર્સમાં ખૂબ ઉપયોગી એવી આ 3-ડી પ્રિન્ટીંગ ટેકનોલોજીથી અવગત થાય અને પોતાની કોલેજ-શાળાની પ્રયોગ શાળામાં તેનો ઉપયોગ કરી શકે તે હેતુસર રાજ્ય સરકારે આ MOU કર્યા છે. શિક્ષણ વિભાગે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી અન્વયે રાજ્યમાં 7 સ્થળોએ આ 3-ડી ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવાની પહેલ કરી છે.
કઈ કઈ કોલેજમાં 3-ડી ટેકનોલોજીનો અભ્યાસ ઉપલબ્ધ થશે
આ સિવાય વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કોલેજ(ચાંદખેડા,અમદાવાદ) ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ (ગાંધીનગર, ભરૂચ, રાજકોટ), આઇ-હબ, એમ.એસ. પોલિટેકનિક બરોડા તથા કલોલની સરકારી ટેકનિકલ હાઇસ્કૂલમાં તથા ગુજરાતની અન્ય ટેકનિકલ સંસ્થાઓમાં આ ટેકનોલોજી વિદ્યાર્થીઓને પોતાના વિચારોને પ્રોડક્ટમાં રૂપાંતરિત કરવામાં મદદરૂપ થશે.
શું છે 3-ડી પ્રિન્ટીંગ ટેકનોલોજી
આ 3-ડી પ્રિન્ટીંગ ટેકનોલોજી અથવા એડિટિવ મેન્યુફેકચરિંગ એવી પ્રક્રિયા છે જેના દ્વારા કોમ્પ્યુટર સિસ્ટમની મદદથી ડિજિટલ મોડેલમાંથી કોઇપણ શેપની ત્રિ પરિમાણીય-વસ્તુ બનાવી શકાય છે. વિવિધ શેપના મટિરિયલને કમ્પ્યુટરના નિયંત્રણમાં લેયર બાય લેયર ડીપોઝીશન દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. જે વિવિધ ઉદ્યોગોમાં ૩-ડી પ્રિન્ટીંગનો ઉપયોગ થાય છે તેમાં એરોસ્પેસ, મિકેનિકલ અને ઓટોમોટિવ, વાણિજ્યિક ઉત્પાદનો, સિવિલ, આર્કિટેકચર અને ઇન્ટિરિયર ડિઝાઇન, ગ્રાહક ઉત્પાદનો, ઇલેકટ્રોનિકસ, સંરક્ષણ, ડેન્ટલ, તબીબી, ડાઇ અને મોલ્ડ ઉત્પાદન, ફૂડ ઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, શિક્ષણ વગેરેનો સમાવેશ થાય છે.
૩-ડી પ્રિન્ટીંગ ટેકનોલોજી–સેન્ટર ઓફ એકસેલન્સની સ્થાપના
ગુજરાતમાં ૩-ડી પ્રિન્ટીંગ ટેકનોલોજી–સેન્ટર ઓફ એકસેલન્સ (CoE)ની સ્થાપનાથી વિદ્યાર્થીઓને શિક્ષણ અને તાલીમ પ્રાપ્ત થશે, વિવિધ ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર માટે કુશળ વર્ક ફોર્સ ઉપલબ્ધ બનશે, સ્થાનિક અને વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ થવા માટે નવીન ઉત્પાદનો વિકસાવવા માટે એક પ્લેટફોર્મ મળશે.
થ્રી-ડી પ્રિન્ટીંગ ટેકનોલોજીના એડવાન્સ સર્ટિફિકેશન કોર્સ-3 કરનારા વિદ્યાર્થીઓને ૩-ડી પ્રિન્ટીંગ ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ટર્નશિપ્સ તથા સ્થાનિક તેમજ વિદેશી જોબ પ્લેસમેન્ટ મળી રહેશે.