ત્રિદિવસીય વર્કશોપનું આયોજન: દિવ્યાંગ વિદ્યાર્થીનીઓને શાળા-કોલેજ, નોકરીનાં સ્થળે કે સમાજમાં કઈ રીતે વર્તવું તેનું માર્ગદર્શન અપાયું
શહેરની જાણીતી સંસ્થા વિરાણી બહેરા મુંગા શાળામાં અભ્યાસ કરતા ૧૩થી વધુ ઉંમરની વિદ્યાર્થીનીઓને વર્તમાન સમયમાં પ્રવર્તતા સામાજીક પડકારને પહોંચી વળવા તથા આસુરી વૃતિનો સામનો કરવાની શકિત મળે તે માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જૈન સંઘટનાનાં સ્માર્ટ ગર્લ્સ પ્રોજેકટ અંતર્ગત યોજાયેલ આ ત્રિદિવસીય વર્કશોપમાં દિવ્યાંગ વિદ્યાર્થીનીઓને શાળા કોલેજ નોકરી કે સમાજમાં કેવી રીતે વર્તવું તેનું માર્ગદર્શન નિષ્ણાંતો દ્વારા આપવામાં આવ્યું હતું. આ સ્માર્ટ ગર્લ્સ વર્કશોપનું સમાપન સમારંભ મેયર બીનાબેન આચાર્યની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં શાળાનાં ટ્રસ્ટી દર્શીતાબેન શાહ, પ્રોજેકટ ઈન્ચાર્જ દર્શનાબેન રાજુભાઈ કોઠારી તથા શાળાનાં આચાર્ય કશ્યપભાઈ પંચોલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીની અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં દિવ્યાંગ વિદ્યાર્થીનીઓએ વર્કશોપ દરમ્યાન મેળવેલી તાલીમનું પ્રદર્શન પણ કર્યું હતું.
મેયર બીનાબેન આચાર્યએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે બહેરા મુંગા શાળામાં સ્માર્ટ ગર્લનો ચાલી રહેલા પ્રોજેકટ ખાસ રાષ્ટ્રીય જૈન ગ્રુપ દ્વારા રાજકોટનાં દર્શિતાબેન દ્વારા ઝુંબેશમાં જોડાયેલા છે. સરકાર દ્વારા ચાલતી શાળાએ અને ખાસ આજે બહેરા મુંગાની શાળામાં કાર્યક્રમ થયો તે દિકરીઓમાં જાગૃતતા લાવવા માતાઓ અને દિકરીઓ વચ્ચેની સમજ થવી એ જરૂરી છે. તે સમજ આપે છે અને દિકરીઓએ પગભર, નિડર કેમ થવું અને આગળ કેમ વધવું તે આ સ્માર્ટગર્લ પ્રોજેકટ દ્વારા શીખવવામાં આવે છે.
દર્શનાબેન રાજુભાઈ કોઠારીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્માર્ટ ગર્લ પ્રોગ્રામ એ દિકરીઓને સશકત બનાવવા માટેની એક પ્રોગ્રામ છે જે અમે છેલ્લા ૪ વર્ષથી નોર્મલ દિકરીઓ માટે કરી રહ્યા છીએ પણ મુકબધીર (મુંગી) દિકરીઓ માટે આ સર્વપ્રથમવાર આ પ્રોગ્રામ થયો છે. આખા ભારતમાં કદાચ આ પહેલી વખત પ્રોગ્રામ હશે. ૧૩ થી ૨૩ વર્ષની દિકરીઓ માટે આપણે જાણીએ છીએ કે સમાજમાં ખુબ જ બધા દુષણો ફેલાઈ રહ્યા છે તો દિકરી એમાંથી બહાર કેમ આવે તેનો સામનો કેમ કરે તેની અમે પ્રેકટીકલ ટ્રેનિંગ આ પ્રોગ્રામ દરમિયાન આપીએ છીએ. દિકરીઓને કેવી રીતે આગળ વધવું જોઈએ. આત્મરક્ષા કેમ કરવી. ત્રણ દિવસની આ કાર્યક્રમ થાય છે. જેમાં એક દિવસ દિકરીઓના વાલીઓ સાથે પણ ચર્ચા કરીએ છીએ. જેથી કરીને જનરેશન ગેબ ઘટાડી શકાય અને એની સમસ્યાઓનું સમાધાન પોતાના મિત્રો કે બહારની વ્યકિતઓ પાસેથી નહીં પરંતુ પોતાના વાલીઓ પાસેથી મેળવી લેવા તેવો પ્રયાસ કરીએ છીએ. સામાન્ય દિકરીઓ અને આ દિકરીઓ (બહેરા મુંગા) ફરક એટલો જ છે કે આ દિકરીઓ બોલીને સમજાવી શકતી નથી. બાકી તો સ્વાસ્થ્ય રીતે બધુ સમજી વિચારી શકે છે. એમના શિક્ષકોને પણ સમજાવવામાં આવ્યા છે કે તેઓ પણ એમને સહાનુભૂતી નથી આપવાની પરંતુ પોતે સ્વાતંત્ર્ય રીતે જીવી શકે તેમ છે.
દર્શિતાબેને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતીય જૈન સંગઠન અને વિરાણી બહેરા મુંગા શાળા દ્વારા આજે રાજકોટ ખાતે સ્માર્ટ ગર્લ્સ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. સ્માર્ટ ગર્લ્સ પ્રોજેકટ ભારતીય જૈન સંગઠનદ્વારા સમગ્ર ભારતમાં ચલાવવામાં આવે છે. આ પ્રોજેકટ ૧૩ થી ૨૩ વર્ષની દિકરીઓ માટે ખુબ ઉપયોગી છે. સમગ્ર ભારતમાં પ્રથમ વખત બહેરા મુંગા શાળાની દિકરીઓને સ્માર્ટ ગર્લ બનવું, સમાજનાં દુષણો સામે લડવું અને સમાજમાં સન્માનભર કેવી રીતે જીવવું એ માટેની શિક્ષણ અને તાલીમ આપવામાં આવી. ૭૦ થી વધુ દિકરીઓએ ખુબ ઉત્સાહભેર ભાગ લીધો અને એમના વાલીઓ પણ આ સેમીનારમાં જોડાયા અને તેઓએ આ કાર્યક્રમથી ખુબ ખુશ થયા છે અને જૈન સંગઠનનો પણ ખુબ આભાર માન્યો હતો.