સમસ્યા હલ કરવાની ખાતરી આપતા બસ જવા દીધી
મૂળી તાલુકાનાં શેખપર ગામે સરકારી બસો ઉભી ન રખાતી હોવાની અને ટાઇમસર બસ ન આવતી હોવાની માંગ સાથે સો થી વધુ વિદ્યાર્થિનીઓ દ્વારા ત્રણ દિવસ પહેલા લેખિતમાં રજૂઆત કરાઇ હતી. તેમ છતા કોઇ કાર્યવાહી ન કરાતા બુધવાર વિદ્યાર્થિનીઓ રોડ પર ઉતરી બસ રોકી રાખવામાં આવતા તંત્રમાં ભાગદોડ મચી ગઇ હતી.
મૂળી તાલુકાનાં અનેક ગામોમાંથી ઉચ્ચશિક્ષણ માટે સુરેન્દ્રનગર સુધી વિદ્યાર્થીઓ અપડાઉન કરી રહ્યા છે. ત્યારે અમુક ગામોમાં તો બસ આવતી જ ન હોવાથી વિદ્યાર્થીઓ જીવના જોખમે ખાનગી વાહનોમાં અપડાઉન કરે છે.
શેખપર ગામે મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ અભ્યાસ માટે સુરેન્દ્રનગર જાય છે. કેટલાક સમયથી અંહીથી પસાર થતી બસો ઉભી ન રહેતી હોવાથી અને અમુક બસો મોડી આવતા વિદ્યાર્થીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. રજૂઆત કરી થાકેલી વિદ્યાર્થિનીઓ અને ગ્રામજનોએ રોડ પર ઉતરી આવીબસ રોકો આંદોલન શરૂ કર્યુ હતુ અને બસની લાંબી લાઈનો લાગી જતા પોલીસ મથકનાં પીએસઆઇ ડી.બી.ઝાલા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ ટ્રાફિકને યોગ્ય કર્યો હતો. ત્યાંથી પસાર થતા સાંસદ દેવજીભાઇ ફતેપરાએ સમગ્ર સમસ્યાને સમજી ડેપો મનેજર પરમારભાઇને સ્થળ પર આવી પ્રશ્નનો યોગ્ય નિકાલ લાવવા જણાવાયુ અને યોગ્ય કાર્યવાહીની બાંહેધરી દેવાતા અંતે આંદોલન સમેટાયુ હતું