ઘણા સમય સુધી દેશમાં પબ જી ગેમ રમવા પર પ્રતિબંધ લાદી દીધા બાદ ફરી એકવાર ગેમનો ક્રેઝ ચરમસીમાએ પહોંચ્યો છે. ભૂતકાળમાં પણ પબ જી ગેમે અનેક પરિવારના માળા પીખી નાખ્યાં હતાં. ત્યારે શાપરમાં ફરી એકવાર એવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વાલીએ ગેમ રમવા મામલે ઠપકો દેતા માઠુ લાગી આવતા પુત્રએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
PubG એ વધુ એક પરિવારનો માળો પિખી નાખ્યો
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપરમાં શીતળા માતાજીના મંદિર પાસે રહેતા અને ITIમાં અભ્યાસ કરતા ભાવેશ અમિતભાઈ સોલંકી નામના 23 વર્ષીય યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે જાણ થતાં શાપર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક ભાવેશભાઈ સોલંકી ધોરણ 12 પાસ કરી આઇ.ટી.આઇ.નો અભ્યાસ કરતો હતો. તેને પબ-જી ગેમની લત લાગતા વધુ પડતો સમય તે ગેમમાં રમવામાં પસાર કરતો હતો. જેથી તેના પિતા અમિતભાઈ અને માતાએ ઠપકો આપ્યો હતો. જે બાબતે યુવાનને લાગી આવતા ગઇ કાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
મૃતક ભાવેશ સોલંકીએ આપઘાત કરી કહેતા પરિવારમાં આક્રંદ છવાયો છે. ભાવેશ બે ભાઈ એક બહેનમાં વચેટ હોવાનું જાણવા મળ્યું છે. પબ જી ગેમના કારણે ભૂતકાળમાં પણ અનેક સગીર અને યુવાનોએ પોતાના જીવન ટૂંકાવી લીધા છે. ત્યારે ફરી એકવાર શાપરમાં પબ જી ગેમના હિસાબે વધુ એક પરિવારનો માળો પીંખાઇ ગયો છે.
ચેતવણી સમાન કિસ્સો: લોઠડામાં રમત રમત એવું તે શું થયું કે માસૂમનું થયું મોત
રાજકોટ શહેરના ભાગોળે આવેલા લોઠડા ગામે વાલીઓને સાવચેત કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રમતી વેળાએ એક માસુમ બાળકના ગળામાં ચૂંદડી ફસાઈ જતાં તેનું મોત નિપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ રાજકોટની ભાગોળે આવેલા લોઠડા ગામમાં રહેતા વલ્લભભાઈ બાવળિયાના 10 વર્ષના માસુમ પુત્ર આયુષનું આકસ્મિક મોત થયું હતું. આ અંગે જાણ થતાં આજીડેમ પોલીસ મથક નો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને બાળકના મૃતદેહ અને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ આયુષ ગઈકાલે સાંજના પોતાના ઘર પાસે રમતો હતો ત્યારે કોઈ કારણોસર તેના ગળામાં ચુંદડી ફસાઈ જતા તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબી તેને મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.