નવાં માળખા માટે રજુઆત કરતાં અમિત ચાવડા: રાજયસભાની ચૂંટણી માટે અલ્પેશ ઠાકોર સહિત તેના બે સાથીઓને અપાઈ વ્હીપ

લોકસભા ચુંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો અને તેમાં પણ જયારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની ૨૬ બેઠક ભાજપે અંકે કરી હતી. આ પરિસ્થિતિનું નિર્માણ થતાની સાથે જ કોંગ્રેસ પક્ષમાં અનેકવિધ પ્રકારે ફાટફુટ પડવા માંડથી હતી ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પોતે રાજીનામું આપશે તેવી પણ વાત સામે આવી રહી છે.

હાલ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ અને દિગ્ગજ નેતાઓ રાહુલ ગાંધીને મનાવવા મથામણ કરી રહ્યા છે કે, તેઓ કોંગ્રેસ અધ્યક્ષનાં પદ પર યથાવત રહે પરંતુ હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી તેનાં વિચારો પર અડગ હોય તેવું પણ સામે આવી રહ્યું છે.

આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં અધ્યક્ષ અમિત ચાવડાએ સેન્ટ્રલ હાઈકમાન્ડને લેખિત અરજી કરતા જણાવ્યું છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીનાં માળખાને વિખેરી નાખવામાં આવે અને નવી કમિટીની રચના કરવામાં આવે આ તકે પાર્ટીનાં ધારાસભ્યોને વ્હીપ આપી જણાવવામાં આવ્યું છે કે, રાજયસભાની ચુંટણીમાં કોંગ્રેસ ઉમેદવારો રાજયસભાનાં કોંગી ઉમેદવારને જ મત આપે. આ તકે પ્રદેશ કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોર અને તેમનાં સાથીદારોને પણ વ્હીપ આપવામાં આવ્યું હતું. રાજયસભાની બાય ઈલેકશન ૫ જુલાઈનાં રોજ યોજાશે ત્યારે કોંગ્રેસ કેવી રીતે તેમનું સ્થાન અને બહુમતી હાંસલ કરવા સફળ થશે કે કેમ તે તો આવનારો સમય જ જણાવશે.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જીપીસીસીની ઓફિસ બેરીયરની મીટીંગમાં તમામ કોંગી કાર્યકરોની હાજરીમાં લોકસભા ઈલેકશનમાં થયેલી હારની જવાબદારી સ્વિકારી હતી અને તેઓએ જણાવ્યું હતું કે, આ અંગે સેન્ટ્રલ હાઈકમાન્ડને લેખિત અરજી કરી જીપીસીસીનાં માળખાને વિખેરવાનું પણ જણાવવામાં આવ્યું છે અને નવા ઓફિસ બેરીયર ટીમનાં ગઠનની રચના કરવાનો પણ પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ તકે જિલ્લા અને તાલુકાની કોંગ્રેસ કમિટી યથાવત રીતે તેમનું કાર્ય કરી શકશે ત્યારે જે પણ નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે તે શીરોમાન્ય રહેશે. વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, લોકસભા ચુંટણીમાં ઘણા ખરા કોંગી કાર્યકરોએ પક્ષ વિરુઘ્ધ કામગીરી કરી હતી ત્યારે આ તમામ કાર્યકરો સામે પણ પક્ષ લાલ આંખ કરશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. રાજયસભાની ચુંટણીમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોર તથા તેનાં બે સાથી ભરત ઠાકોર અને ધવલ ઠાકોરને પણ વ્હીપ આપી કોંગ્રેસ ઉમેદવારને મત આપવા જણાવ્યું હતું.

આ તકે વિરોધ પક્ષનાં નેતા તરીકે પોતાનો પદભાર સંભાળનાર પરેશ ધાનાણીએ પણ જણાવતા કહ્યું હતું કે, કોંગ્રેસી ધારાસભ્યોને રાજયસભાની ચુંટણી માટે વ્હીપ આપવામાં આવ્યું છે. જેમાં અલ્પેશ ઠાકોરનો પણ સમાવેશ કરાયો છે. આ તકે જે કોઈ ધારાસભ્ય પક્ષનાં ઉમેદવાર વિરુઘ્ધ મતદાન કરશે તો તેનું ધારાસભ્યપદ રદ કરવામાં આવશે.

લોકસભાની ચુંટણીમાં મળેલા પરાજય બાદ કોંગ્રેસ વિચારી રહ્યું છે કે, તેમની હારનું કારણ શું હોય શકે ? ત્યારે પ્રારંભિક ધોરણે એ વાત પણ સામે આવે છે કે, કોંગ્રેસી કાર્યકરોએ પક્ષ વિરુઘ્ધ જઈ મતદાન કર્યું હોય જેથી આવનારા દિવસાથેમાં આ પ્રકારની કોઈ ઘટના ન ઘટે તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીને વિખેરવા માટેની રજુઆત કરવામાં આવી છે ત્યારે જોવાનું એ રહ્યું કે, આ રજુઆતને સેન્ટ્રલ હાઈકમાન્ડ કેવી રીતે લ્યે છે અને આના પ્રત્યાઘાતો કેવા આવે છે પરંતુ એ વાતનો નકકી છે કે, જીપીસીસીને જો વિખેરવામાં આવશે તો નવી બોડથીનું ગઠન થશે અને કદાચ તે આવનારા સમયમાં કોંગ્રેસને ફાયદો પણ કરાવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.