તમે જયાં જન્મ્યા તે કુંટુંબ, તે તમારી આજુબાજુના લોકો જેની સાથે વર્તન વ્યવહારમાં જોડાયા છે, પ્રત્યાયનમાં છો એ સઘળો તમારો પરિવાર: પરિવાર સમાજની ધરી ગણાય છે.
પરિવાર એટલે જયા હું શ્ર્વાસ લઉં છું, ત્યાં અસ્તિત્વના પ્રત્યેક કણ અને જીવનની હાજરી હોય તે મારો પરિવાર: બાળકના જન્મથી જ તેનું કુટુંબ શરૂ થાય: લોહીના સંબંધોથી જોડાયેલા લોકોનો સમુહ
પ્રાચિન કાળથી અત્યાર સુધીની સમાજ વ્યવસ્થામા ઘણો બદલાવ આવ્યો છે, સંયુકત પરિવાર અને વિભકત પરિવાર તેના બે મુખ્ય પ્રકાર છે. સમાજ વ્યવસ્થાની મજબૂત કડી એટલે પરિવાર કહેવાય જે જન્મથી મૃત્યુ સુધીનું અતૂટ બંધન પણ છે. દરેકને પોતાનો પરિવાર હોય અને તે તેની પરંપરા નિભાવતો હોય છે. સાવ સાદી ભાષામાં આપણે વિચારીએ તો આપણે જયાં જન્મ્યા હોય તે આપણું કુટુંબ ગણાય છે. બીજી રીતે આપણા આસપાસ રહેતા લોકો જેની સાથે આપણે વર્તન, વ્યવહારથી જોડાય તેને પણ પરિવાર ગણી શકાય. એક શેરીમાં રહેતા કે ફલેટમાં સાથે રહેતા હોય તેનો પણ પરિવાર બને છે. આપણાં રોજીંદા જીવનમાં જેની સાથે પ્રત્યાયન કરો તે બધા પરિવાર ગણી શકાય. પરિવાર સમાજની ધરી ગણી શકાય.
જયાં શ્ર્વાસ લઇએ, તે અસ્તિત્વના પ્રત્યેક કણ અને જીવની હાજરી આપણો પરિવાર ગણાય છે. પ્રથમ મા-બાપ, ભાઇ-બહેન, કાકા-કાકી, દાદા-દાદી, નાના-નાની, મામા-મામી, માસી-માસા, ફઇ-ફૂઆ વિગેરે આપણો પરિવાર છે, અને આ પરિવારમાં એક મોભી જે સમગ્ર પરિવારને અંકુશમાં રાખીને એક બીજાને મદદ માર્ગદર્શન અને સુખ દુ:ખમાં રાહબર બને છે. પહેલાના જમાનામાં વડીલ કે મોભીનો એક વટ હતો, જે આજે સાવ વિસરાય ગયું છે, પહેલા તો વડિલ સામે બોલી શકાતું નહી, આજે તો નાના પણમાં વડીલોની સામે બોલતા નજરે પડે છે. સમાજ વ્યવસ્થામાં મજબૂત લગ્ન પ્રથાને કારણે જે પરિવાર ઉત્પન થતો હોય છે. આજે પરિવાર ભાવનાની કમી જોવા મળતા ભાઇ-બહેનો કે મા-બાપ સામે પણ દિકરીઓ કોર્ટે ચડે છે. મા-બાપને સંતાનો સાચવતા ન હોવાથી વૃઘ્ધાશ્રમનો ઉદય થયો છે.
બાળક જન્મે એટલે તેનું કુટુંબ શરૂ થાય છે. વિતેલા વર્ષોમાં કે આજના યુગમાં પણ પરિવારમાં છોકરા-છોકરીના ભેદભાવ કે જેન્ડર બાયસ જોવા મળે છે. દિકરો વંશ વેલો આગળ વધારતો હોવાથી તેના લાલન પાલન કે ઉછેરમાં દિકરી કરતાં વિશેષ ઘ્યાન અપાય છે. અગાઉ વડિલોની આમાન્યા હોવાથી તેનું વેણ કોઇ પાછુ ઠેલતા નહી, સાચી પરિવાર ભાવના કે ભાઇચારામાં પરિવાર સોળે કલાએ ખીલી ઉઠતો હતો. સમાજ વ્યવસ્થાની સૌથી શ્રેષ્ઠ બાબત સંંયુકત પરિવાર હતું, જેમાં સબળા ભેગો નબળો તરી જતો હતો. બધા જ આર્થિક ઉપાર્જનમાં જોડાતા પરિવાર સુખ-શાંતિ અને આનંદથી જીવન જીવતાં હતા. સુખ-દુ:ખના પ્રસંગે સૌ સાથે મળીને કાર્ય કરતા હતા.
આજના યુગમાં આપણે પરિવારનું મહત્વ અને સ્વરુપ બદલાયું છે, કુટુંબ એક સામાજીક સંસ્થા છે, જે પ્રેમ, હુંફ, લાગણી, કરૂણા, સમજદારી, સહન શિલતા જેવા વિવિધ ગુણોથી ખીલી ઉઠતું હતું. એકબીજા પ્રત્યે પ્રેમ, ગૌરવ, માન, સમર્પણ અને શિસ્ત જેવી રસમ સુખી પરિવારની નિશાની હતી. કોઇપણ બાળક પરિવારમાંથી શીખે છે, તેથી સારુ કે ખરાબ બને તેનો શ્રેય કુટુંબને જતો હોય છે. કુટુંબ એકબીજાને બાંધી રાખે છે, એકબીજાને સાથ અને સહકાર આપે છે. પરિવારમાં સૌથી મોટો સલાહકાર આપણા પિતા છે. અને માતાના આંચલથી મોટી કોઇ દુનિયા નથી. બાળકોના સંર્વાગી વિકાસ અને તેના ચારિત્ર્ય નિર્માણમાં પરિવારનો ફાળો વિશેષ ગણાય છે.
ગમે તે મજબૂત દેશના નિર્માણ કાર્યમાં પરિવાર એક મૂળભૂત સંસ્થા તરીકે કાર્ય કરે છે. મનુષ્ય એક સામાજીક પ્રાણી છે, જે પરિવારની નાની-મોટી સમસ્યા સામે લડવા માટે પરિવાર સાથે જોડાયેલો હોય તો મુશ્કેલી પડતી નથી. કોઇપણ વ્યકિત પરિવારની બહાર અસ્તિત્વમાં ન હોવાથી અને આવા પરિવારો જ રાષ્ટ્ર નિર્માણ કરતાં હોવાથી તેનું મહત્વ વિશેષ છે. પહેલા આ ભાવના બહુ સારી હતી, પણ આજે વિદેશી કલ્ચરનું અનુકરણ અને શહેરો તરફની દોટે માનવીને પરિવારથી વિખુટો પાડી દીધો છે. આજે પરિવારમાં અણબનાવ, કડવાશ, દુશ્મનાવટ, દ્રેષ, જગડાઓ જોવા મળે છે. વિશ્ર્વમાં 1994 આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ ઉજવાય છે.
દુનિયાનો સૌથી મોટો આનંદ પરિવાર સાથે રહેવામાં અને કુટુંબમાં પ્રેમ વહેચવામાં છે. પરિવારએ ઉપર વાળા તરફથી મળેલ અમૂલ્ય ભેટ છે, જે તમને કયારેય નિરાશ થવા ન દે, તમે પોતે કુટુંબ પસંદ કરી શકતા નથી, કારણ કે ભગવાન પોતે તમારા માટે પસંદ કરે છે. સૌથી સારી બાબતમાં અત્યાર આખી દુનિયા સ્વાર્થી છે, ત્યારે તમારો એક માત્ર પરિવાર તમારી સાથે નિસ્વાર્થ પણે જોડાયેલો છે. દરેક માનવીનું જીવન તેના પરિવારને સમર્પિત હોવું જોઇએ, કોઇપણ વ્યકિત પરિવારમાં જ જન્મ લે છે, અને તે જ તેની ઓળખ બને છે. પરિવારથી મોટી કોઇ સંપતિ દુનિયમાં નથી. સંયુકત પરિવારમાં વૃઘ્ધોને ટેકો આપવામાં આવતો હતો.
પરિવારમાં વડિલોના જ્ઞાન અને અનુભવ બાળથી યુવાનો લાભ લેતા હોય છે, વૃઘ્ધો કે વડિલોના વર્ચસ્વ ને કારણે જ પરિવારમાં શિસ્ત અને આદરનું વાતાવરણ બને છે, પહેલા પરિવારમાં દાદ-દાદી કે નાના-નાનીના ખોળામાં વિકસતું હતું જે આજે મોબાઇલ છીનવી લીધુંછે. અપરિપકવતા, વ્યકિતગત ઇચ્છાઓ, પરસ્પર વિવાદ, સમજદારી અને સહન શિલતાની કમીને કારણે સંયુકત પરિવારો છિન્ન-ભિન્ન થઇ ગયા છે. ગ્રામ્ય કક્ષાએ રોજગારના અભાવે ઘણા પરિવારો વિખુટા પડવા લાગ્યા છે. વિદેશી કલ્ચરના અનુકરણે અત્યારની પેઢી છે. વડિલો અને માતા-પિતા પ્રત્યે આદર ભાવ ઓછા થવા લાગ્યા છે, વૃઘ્ધાવસ્થામાં તો દિકરાઓને મા-બાપનો ભાર લાગવા માંડે છે.
પ્રસન્ન પરિવાર જ આનંદીત પરિવાર બની શકે છે, આપણે પર્યાવરણ શબ્દ બોલીએ છીએ તેનો મતલબ ‘પરિ’ એટલે આજુબાજુનું વાતાવરણ ગણાય છે. બાળક મોટો થાયને ઘરમાંથી બહાર નીકળે ત્યારે શેરી મિત્રો પણ તેનો પરિવાર ગણાય છે. આજે બધા પરિવારની ચિંતા છોડી પોતાની ચિંતા કરવા લાગ્યા છે. આપણે જયાં રહીએ તે જગ્યાને તમામ વસ્તી આપણો પરિવાર ગણાય છે. શ્રીમદ્દ ભગવત ગીતામાં પણ કહ્યું છે કે, પરિવાર પ્રત્યે તમારી લાગણી અને કરૂણાએ તમારો પહેલો ધર્મ છે.
સાધનો કરતા સમર્પણ જ પરિવારને અડધું ઢાંકી શકે છે
આજનો યુવા વર્ગ પરિવારની પરંપરા અને તેના મહત્વને ભૂલતો જાય છે, સંયુકત પરિવારનો સાચો આનંદ તેને ખબર જ નથી. પરિવારમાં ભલે કોઇ બંધારણ ન હોય, પણ તેની વ્યવસ્થા તો શ્રેષ્ઠ જ હોય છે. પરિવારમાં કયારેય સુચના ન હોય પણ એકબીજાની સમજણ જરુર હોવાથી પરિવારની શાખ બાર ગાઉ સુધી લોકો જાણતા હતા. કોઇપણ જાતના કાયદા વગર પરિવાર અનુશાસનમાં રહેતો હતો. પરિવારમાં કોઇ સભ્યોની ‘રાવ’ આવે તો વડિલો મેથીપાક પણ દેતા હતા. શ્રેષ્ઠ પરિવારમાં ભય, આગ્રહ ન હોય પણ બધાનો એકબીજા પ્રત્યે આદર બહુ જ હોય છે. પરિવાર ભાવનામાં સંબંધો એટલા મજબૂત હોય કે તેને સંપર્ક ની જરૂરીયાત જ ન પડે, દરેક પરિવારમાં અપર્ણ ના હોય, પણ સમર્પણ હોય છે.
“દરેક વ્યકિતનો શ્રેષ્ઠ ઉછેર,તેના શ્રેષ્ઠ પરિવારમાં જ થાય છે”