શાળા નં ૬૪-બી શ્રી રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન :કુલ ૭૬ બાળકોનું નામાંકન કરાયુ
અત્રે શ્રી સાધુવાસવાણી રોડ સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં – ૬૪ બી શ્રી રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળામાં મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવકાર્યક્રમ માં કુલ ૭૬ બાળકોનું નામાંકન કરાયું હતું. જેમાં ધો ૧ માં ૫૦ બાળકો અને આંગણવાડી કેન્દ્રમાં ૨૬ બાળકોનું નામાંકન કરાયું હતું.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી મહિલામોરચાના પ્રભારી અને મહિલા અગ્રણી શ્રીમતિ અંજલીબેન રૂપાણીએ જણાવ્યું હતું કે, બાળકો તેમના શિક્ષકોને ભગવાન માનતા હોય છે. અને ભગવાન થઈને રહો તે માટે બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો મજબુત પાયો બનાવવો જોઈએ.
શિક્ષકોનું ઘડતરનું મોટુ કામ છે. બાળકોની રસ રુચી અને તેની સુષુપ્ત શક્તિઓને ધ્યાનમાં લઈ તેને ઉજાગર કરીને શૈક્ષણિક કારકિર્દી ઘડવામાં શિક્ષકો મહત્તમ યોગદાન આપે તે જરૂરી છે.
શહેર ભાજપ પ્રમુખ અને વોર્ડ નં ૯ ના કોર્પોરેટરશ્રી કમલેશભાઈ મીરાણીએ જણાવ્યું હતું કે, આ શાળા અમારા વિસ્તારનું ઘરેણું છે. અને ઉચ્ચ શિક્ષણ મેળવનાર તથા તાલીમ પામેલ શિક્ષકો દ્વારા ઘણું સારૂં શિક્ષણકાર્ય બાળકોને આપવામાં આવે છે.
તેમણે આપણા લોક લાડીલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને તેમના ધર્મપત્નિ શ્રીમતી અંજલીબેન રૂપાણી દ્વારા વર્ષોથી કચરો વીણતા અને ગરીબ પરીવારોના બાળકોના ઉતકર્ષ માટે ચલાવાતી પુજિત રૂપાણી ટ્રસ્ટનો પ્રેરક ઉલ્લેખ કરીને તેની શૈક્ષણિક યોજનાઓનો લાભ વિદ્યાર્થીઓને લેવા અનુરોધ કર્યો હતો.
પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ ભાનુબુન બાબરીયાએ આ તકે નવા દાખલ થયેલ બાળકોને જીવનમાં આગળ વધવા શુભકામના પાઠવીને તેની શક્તિઓને વિકસાવવા શિક્ષકોને અપીલ કરી હતી.
આ પ્રસંગે મહેમાનોએ બાળકોને શાળામાં આવકાર્યા હતા અને મહેમાનોના હસ્તે નામાંકન કરાયેલા બાળકોને શિક્ષણની કીટ્સ વિતરણ કરેલ તથા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું.
આ પ્રસંગે બાળકો દ્વારા મનુષ્ય તું બડા મહાન હૈ સમુહ ગીત, રાષ્ટ્રભક્તિનું ગીત અભીનય સાથે બેટી બચાવો અંગે વક્તવ્ય, યોગ નિદર્શન વિગેરે રજુ કરવામાં આવ્યા હતા.
મહેમાનોનું ફ્રુટની બાસ્કેટ તથા પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્કુલના પટાંગણમાં શ્રીમતી અંજલીબેન રૂપાણીના વરદ હસ્તે વૃક્ષારો૫ણ કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં શાળાના આચાર્યા શ્રી હેમલતાબેન પંડ્યાએ સૌનું શાબ્દીક સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે મહાનગરપાલિકાની ફાયર કમિટિના ચેરમેન શ્રીમતી રૂપાબેન શિલુ, લીગલ કમીટીના ચેરમેનશ્રી શિલ્પાબેન જાવીયા, અગ્રણી સર્વેશ્રીઓમાં વિક્રમભાઈ પુજારા, આશિષભાઈ ભટ્ટ, જયસુખભાઈ કાથરોટીયા, કુલદિપસિંહ, દિપકભાઈ મહેતા, રમેશભાઈ જાની, જગદીશભાઈ પટેલ, દિપકભાઈ પટેલ, રક્ષાબેન, સંજયભાઈ ભાલોડીયા, અને અન્ય આગેવાનો, વાલીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહે્યા હતા.