તમામ હોર્ડિગ્સ બોર્ડના સ્ટ્રક્ચર સર્ટીફીકેટ રજૂ કરવા તાકિદ: જોખમી વૃક્ષોની ડાળીઓ પણ વાંઢી નંખાશે
બિપોરજોય વાવાઝોડાની અસર રાજકોટમાં વર્તાઇ તેવી કોઇ જ શક્યતા હાલ દેખાતી નથી. છતાં કોર્પોરેશનનું તંત્ર રાજ્ય સરકારના આદેશ બાદ એલર્ટ મોડમાં આવી ગયું છે. ફાયર બ્રિગેડ શાખાના તમામ કર્મચારીઓની રજાઓ રદ્ કરી દેવામાં આવી છે. શહેરના તમામ હોર્ડિંગ્સ બોર્ડની મજબૂતાઇ ચેક કરવા માટે આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. તમામને સ્ટ્રક્ચર સર્ટિફીકેટ રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે. માન્ય એન્જીનીંયર પાસેનો સ્ટ્રક્ચર રિપોર્ટ રજૂ ન કરે તો હોર્ડિંગ્સ બોર્ડ ઉતારી લેવા માટે પણ સૂચના આપી દેવાઇ છે. વૃક્ષોની જોખમી ડાળીઓ હટાવવા માટે પણ આદેશ જારી કરાયા છે.
વાવાઝોડાની સંભવિત અસરોને ખાળવા માટે કોર્પોરેશનનું તંત્ર સજ્જ થઇ ગયું છે. રાજ્ય સરકારના આદેશના પગલે તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. ફાયર બ્રિગેડ શાખાના તમામ કર્મચારીઓની રજા તાત્કાલીક અસરથી રદ્ કરી દેવામાં આવી છે અને તમામને સ્ટેન્ડ ટુ રહેવા તાકીદ કરાઇ છે. સાત લાઇફ બોટ પણ તૈયાર રાખવામાં આવી છે. એબ્યુલન્સ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. શહેરમાં 400થી વધુ હોર્ડિંગ્સ બોર્ડના સ્ટ્રક્ચર ચેક કરવા સૂચના આપી દેવામાં આવી છે. માન્ય સ્ટ્રક્ચર ઇજનેર સ્ટ્રક્ચર સર્ટીફીકેટ રજૂ કરવા જણાવાયું છે. જો આ સર્ટીફીકેટ રજૂ ન કરે તો તાત્કાલીક અસરથી હોર્ડિંગ્સ બોર્ડ ઉતારી લેવાનું પણ આદેશ કરાયો છે. બીજી તરફ ચોમાસા પૂર્વે કરવામાં આવેલા સર્વેમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વૃક્ષોની જોખમી ડાળીઓ મળી આવી છે. જે કાપી નાંખવા ગાર્ડન શાખાને જાણ કરાઇ છે.
વાવાઝોડા સામે પૂર્વ તૈયારી અને સુરક્ષા
વાવાઝોડા પહેલા અને પછી કેવી તકેદારી રાખવી?
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર સંભવિત ઇશાફષિજ્ઞુ બિપરજોય’વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લેતા લોકોનાં જાનમાલની સલામતી અને સુરક્ષા માટે વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન, અને વાવાઝોડા બાદ તકેદારી અને જાગૃત્તિ કેળવવાથી સુરક્ષિત રહી શકાય છે તેમજ નુકસાન થતું અટકાવી શકાય તે માટે કેટલીક તૈયારીઓ કરવી આવશ્યક છે.
વાવાઝોડા પહેલાની તૈયારી – રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો. સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો. રેડીયો સેટને ચાલું હાલતમાં રાખો. સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો.ઢોર-ઢાંખરને સલામત સ્થળે રાખો. માછીમારોએ દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી. અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું. આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાનમાં રાખો. સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો. અગત્ય ટેલીફોન નંબર હાથવગા રાખો.
વાવાઝોડા દરમિયાન રાખવાની તકેદારી –
પાણીના સ્ત્રોતથી દુર રહેવું, જર્જરીત કે વૃક્ષ કે નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી. રેડિયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો. બહાર નીકળવાનું સાહસ કરવું નહીં. રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી. વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા.દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઊભા રહેશો નહીં. વીજળીના થાંભલાથી દૂર રહેવું. માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી. અગરિયાઓએ અગરો છોડી સલામત સ્થળે આશરો લેવો. ખોટી અથવા અધૂરી જાણકારી વાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરો.
વાવાઝોડા બાદ કરવાની કાર્યવાહી –
બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ મ્યુનિસિપાલિટી કંટ્રોલરૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી. અસરગ્રસ્તોની મદદ કરવી, બચાવ કરવો, સલામત સ્થળે લઈ જવા. જરૂર પડે તબીબી સારવાર તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થા કરવી. ભારત સરકારશ્રીનાં હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓ અને અનુસરવું તથા સતત સંપર્કમાં રહેવું. અસરગ્રસ્તોને જરૂરી મદદ ઉપલબ્ધ કરાવવી.