સરકારી શાળાના શિક્ષકોનું ‘શેરી શિક્ષણ’ અભિયાન રંગ લાવ્યું: વાલીઓ પણ ખુશ
બાળકો શિક્ષણથી અળગાં ન થાય તે આ અનોખી પહેલનો ધ્યેય: કોરોનામાં કઈ રીતે જાગૃત રહેવું તેનું પણ ભુલકાઓને શિક્ષણ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ સંચાલિત શાળાઓમાં શિક્ષકોનું દ્વારા બાળકોના સર્વાગી વિકાસને ધ્યાનમાં રાખીને સમિતિના ચેરમેન અતુલા પંડિત, વાઇસ ચેરમેન સંગિતાબેન છાયા તેમજ શાસનાધિકારી કિરીટસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ “શેરી શિક્ષણ અભિયાન” ઘણા સમયથી શરૂ કરવામાં આવેલ હતું.
જે અંતર્ગત હાલ સમિતિની શાળાઓનાં, સમાજનાં વાસ્તવિક શિલ્પકાર એવા 6ર4 શિક્ષકો દ્વારા 13634 બાળકોને શિક્ષણ અપાઈ રહ્યુ છે. જેમાં કોવિડની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરીને વિધાર્થીઓના ઘરે જઇને શેરીમાં રહેતા વિધાર્થીઓને સામાજિક અંતર રાખીને શિક્ષણ અપાય છે. કોરોનાને પગલે 16 માસથી પ્રાથમિક શાળાઓ વિધાર્થીઓ માટે બંધ રાખવામાં આવી છે. ત્યારે આ અભિયાન એક શેરી કે મહોલ્લામાં શિક્ષકે જઇને તેમાં રહેતા પ્રાથમિક શિક્ષણ મેળવતા બાળકોને એક જગ્યાએ બેસાડીને શિક્ષણ આપવામાં આવે છે.
શેરી શિક્ષણમાં વિધાર્થીઓને વાંચન, ગણન અને લેખન પર પણ વિશેષ ભાર મૂકવામાં આવે છે. ઉપરાંત શિક્ષકો કોરોના વાયરસ સામે કેવી રીતે સાવચેત રહેવું, તેની પણ જાગૃતિ ફેલાવી રહ્યા છે. આ અનોખી પહેલ દ્વારા કોઇ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય તે માટે તેમની શેરીમાં જ બાળકોની. અભ્યાસની જરૂરીયાત પૂરી કરવા નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યાં છે.
શેરી શિક્ષણ આપતા પહેલાં તમામ બાળકોને માસ્ક પહેરાવીને સામાજિક અંતર સાથે બેસાડીને સરકારી ગાઈડલાઈનનું પાલન કરી શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષકો દ્વારા હજુ વધુમાં વધુ બાળકો ભાગ લે તે માટે પ્રયત્નો સતત કરવામાં આવી રહ્યાં છે. કોરોનાનાં કપરા કાળમાં બાળકો અને શાળા વચ્ચે શિક્ષણકાર્યનું તાદાત્મ્ય જળવાઈ રહે તે હેતુથી શરૂ કરેલ શેરી શિક્ષણને વાલીઓએ પણ ખૂબ બિરદાવ્યું છે.