શહેરોનાં જાણીતા ડોકટરો, વકીલો, વેપારીઓ અને જ્ઞાતિઓનાં અગ્રણીઓ સાથે અન ઉપચારિક વાર્તાલાપની સંભાવના: અગાઉ થયેલા પ્રયોગનું પૂનરાવર્તન કરવાની ધારણા: લોકસંપર્કમાં નિષ્ફળ ગયેલા અને વ્યવહારો સંબંધમાં નરી હલકટાઈ આચરેલા હાલના કોર્પોરેટરોને ઉઘાડા પાડવાનો યુવા જૂથનો ઈરાદો ! સૂચિત નાગરિક સમિતિએ તો વ્યવસ્થિત ચૂંટણી- ઢંઢેરો બહાર પાડીને કાર્યક્રમો અંગેના વચનો આપવાની અને તેનાં પાલનની બાંહેધરી આપવાની નવી ભાત પાડવાનો કરાશે નિશ્ર્ચય…
આપણો દેશ એકબાજૂથી જુદી જુદી સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલો છે. ત્યારે મને કોરોનાગ્રસ્ત જુદા જુદા પ્રદેશો, શહેરો અને ગ્રામ પ્રદેશો જુદી જુદી હાડમારીઓમાં બરી રીતે ગ્રસ્ત છે તે વખતે ગુજરાતમાં મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીઓ તોળાઈ રહી છે.
રાજકોટ ગુજરાતની ચૂંટણીઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અને રાજકોટનું રાજકારણ ઘણે ભાગે નવાજૂનીઓથી મૂકત નથી હોતું આ અગાઉ રાજકોટમાં મ્યુ. ચૂંટણી વખતે રાજકીય પક્ષોનાં ઉમેદવારોની સામે રીતસર પ્રજાની પસંદગી પામેલા નગરજનોની નાગરિક સમિતિ રચાઈ હતી અને તેના ઉમેદવારોએ નવી ભાત પાડી હતી. આ નાગરિક સમિતિના અગ્રણી મ્યુ. પ્રમુખ બન્યા હતા જે ડોકટર હતા.
રાજકોટ. મ્યુ. કોર્પોરેશનનાં ચૂંટાયેલા અને શાસનકર્તા બનેલા સભ્યોની સારીપેઠે કસોટી થવાની સંભાવના નકારાતી નથી. કોરોનાગ્રસ્ત તમામ સ્થળોએ લોકો એકયા બીજા પ્રકારની હાડમારીઓનો ભોગ બની રહ્યા છે. ઓછામાં પૂ કોર્પોરેટર મહાનુભાવો તેમનો લોકોની ફરિયાદો સંભળવાનો અને રીતસર એનાઉકેલ સુધી એમની મુશ્કેલીઓ નિવારવાનો કાંતો સમય ફાળવી શકયા નથી અને કાંતો ચોખ્ખે ચોખ્ખી નાગડદાયી અને હલકટાઈ દાખવીને તેમના નપાવટ-સ્વાર્થમાં અંધ બનીને તેમનો પ્રજા પ્રત્યેનો ધર્મ ચૂકયા છે. એક, બે, અને ત્રણ ત્રણ કોર્પોરેટરોને તેમના મતદારે ફરિયાદ કરે, અને અનાચારના પૂનરાવર્તન સુધી ફરિયાદ કરે તો પણ એમની મુશ્કેલીઓ પ્રતિ આંખ આડા કાન થયા કરે એને ભણેલાગણેલા તેમજ સમાજના મોભાદાર આસામીઓ કયાંથી સારી કામગીરી અને સારો વહીવટ કહે, એવો પ્રશ્ર્ન ઉઠે છે. અને સજજન અને ભદ્ર નગરજનોની નાગરિક સમિતિ રચીને રાજકોટ જેવા શહેરને શોભે એવો વહીવટ આપે, તેમજ ઉડીને આંખે વળગે એવું નગર આયોજન કરે એ પ્રયોગ કરવો જ પડે, એમ કહ્યા છૂટકો નથી.
‘નાગરિક સમિતિ’, એટલે કે ત્રીજા પક્ષમાં શહેરનાં આગેવાન વકીલો, ડોકટરો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, અને આદર્શ નરનારીઓ જોડાય એ રાજકોટ શહેરનાં પાણી, આવાસ, વહીવટ અને નગર આયોજન માટે આવશ્યક હોવાનો મત છેલ્લા કેટલાક વખતથી પ્રવર્તે છે. વળી આ ચૂંટણીને ધારાસભાની ચૂંટણીઓ સાથે પણ સંબંધ રહે છે.એટલે એની અનિવાર્યતા વધે છે.
રાજકોટમાં મ્યુ. કોર્પોરેટરો ઉપરાંત મેયરશ્રી, ડે. મેયર શ્રી, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન, મ્યુ. કમિશ્નર તથા અન્ય હોદેદરારો પણ તેમના ભાગે આવતી ફરજો બજાવે છે. તો પણ સૌથી વધુ ફરજો તો જે તે વોર્ડના ચૂંટાયેલા કોર્પોરેટરોની છે અને તેમની નિષ્ફળતા તથા નિષ્ક્રિયતા લોકોનાં અસંતોષ તેમજ આક્રોશનું કારણ બને છે.
ઘણે ભાગે પ્રજાભિમુખ ન હોય એવા કોર્પોરેટરોને પ્રજા નકારે છે એ નિર્વિવાદ છે. અહી બીજી એક મહત્વની વાત એ પણ લેખાય કે રાજયસભાના અને લોકસભાના સભ્યો એ તેમજ ધારાસભ્યોએ પણ પ્રજામિભુખ વ્યવહાર કરવો ઘટે અને તેમનો જે થોડોઝાઝો ધર્મ બજાવવાનો આવે તે જવાબદારી પૂર્વક બજાવવો ઘટે.
રાજકોટ જેવા શહેરને લાંછન ન લાગે એ રીતે આ બધા તેમનો ધર્મ બજાવે, એમ કોણ નહિ ઈચ્છે? જવાબદાર ‘નાગરિક સમિતિ’નો પ્રયોગ પણ કરવામાં આવે તો એ છેવટે ‘વોચડોગ’ તરીકે ઉપયોગી થઈ શકે, એ નિર્વિવાદ છે !