4 ઇંચના નાના કાચબા ‘બોગ ટર્ટલ’થી લઇને 700 કિલોનો મહાકાય કાચબો જોવા મળે છે: તે નાક વડે નહી પણ મોં પહોળું કરીને ગળા વડે ગંધને પારખે છે: પૂર્વ અમેરિકાની નદીમાં શરીરે કદાવર અને તીક્ષ્ણ દાંત ધરાવતા વિકરાળ જડબા વાળા કાચબા જોવા મળે છે જેનું જડબુ મગર મચ્છ જેટલી તાકાત ધરાવે છે
20 કરોડ વર્ષ પહેલા પેદા થયેલા આ પ્રાણીની પીઠ ખૂબ જ મજબૂત હોવાથી તલવાર યુધ્ધ વખતે તેનો ઢાલ તરીકે ઉપયોગ થતો હતો: જમીન ઉપર રહેનારને ટોર ટોઇસ અને નદી, કુવા કે સમુદ્રમાં રહેનારને ટર્ટલ કહેવાય છે
કાચબો એક ઉભયજીવી પ્રાણી છે. તે પાણી અને જમીન બન્ને ઉપર રહેતું જીવ છે. તે ખારા અને મીઠા પાણીમાં રહી શકે છે. સામાન્ય રીતે કાચબાનું આયુષ્ય 200 વર્ષ હોય છે. જીવસૃષ્ટિમાં સૌથી લાંબુ આયુષ્ય કાચબો ભોગવે છે. જો કે વિશ્ર્વમાં ઘણા કાચબાઓએ જીવન ત્રણ સદી પુરી કરેલ જોવા મળે છે. જુનાગઢના સક્કર બાગમાં જ 300 વર્ષ જૂનો કાચબો છે. વિશ્ર્વમાં તેની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. તેની પીઠ ખૂબ જ મજબૂત હોવાથી તલવાર યુધ્ધ વખતે તેનો ઢાલ તરીકે ઉપયોગ થતો હતો.અમેરિકન કાચબા બચાવ સંસ્થા દ્વારા 23 મે ના રોજ વિશ્ર્વ કાચબા દિવસ તરીકે છેલ્લા 20 વર્ષથી ઉજવણી થાય છે. આ ઉજવણી પાછળ લોકોનું ધ્યાન દોરવા, તેના રક્ષણ અને વિકાસમાં પૃથ્વીવાસી મદદ કરે તેવો હેતું છે. કેટલાક કાચબા તો તેમનું જીવન દરિયામાં જ વિતાવે છે. ફક્ત ઇંડા મુકવા માટે જ જમીન પર આવે છે. પ્રાણી શાસ્ત્રીઓ જમીન વસનાર કાચબાને ટોર ટોઇસ અને નદી, કુવા કે સમુદ્રમાં રહેનારને ટર્ટલ કહે છે. બન્ને જાતો એકબીજાથી રંગ, રૂપ, કદ વિગેરેથી અલગ પડે છે.
પાણીના કાચબાના પગ થોડા ચપટા હોવાથી તેને પાણીમાં હલેસા તરીકે કામ આવે છે. પાણીના કાચબા 1 થી 2 ફૂટનાં હોય છે. કાચબાના વિવિધ પ્રકારોમાં જમીન ઉપર રહેનારા, મીઠા પાણી, ખારા પાણીના કાચબા આપણા દેશના તારક કાચબા, દરિયાઇ કાચબો, લીલો કાચબો અને બે ઘર બેક કાચબા જેવી પ્રજાતિમાં જોવા મળે છે. આજે તો સાવ નાનકડા કાચબા માછલીઘરમાં પણ જોવા મળે છે. તેમનો પ્રાકૃતિક ખોરાક છોડ, માછલી અને શેલફિશ છે. કાચબા માટે વનસ્પતિનો ખોરાક અતી મહત્વનો છે. પ્રકૃતિના આ જીવો આફ્રિકા, મેક્સિકો અને અમેરિકામાં વધુ જોવા મળે છે. તેની 4 પેટા પ્રજાતિમાં સોનાર અને પીળી બંધ કાચબા જાણીતા છે. શિયાળાના 4 મહિના તે તેની શરીર પ્રવૃતિ ધીમી કરી નાંખે છે. જન્મ બાદ પહેલા બે વર્ષ સઘન વૃધ્ધીનો સમય ગાળો છે. તે ખૂબ જ શાંત પ્રાણી છે, અવાજો કરતું નથી. જંગલ કે ઘાસવાળા વિસ્તારોમાં ધૂળિયા કાચબા હોય છે. એક માન્યતા મુજબ તેને ઘરમાં રાખીએ તો આપણું નશીબ સુધરે તેવી અંધશ્રધ્ધા છે. ખરેખર તો આપણે કાચબાનું નશીબ બગાડીએ છીએ.
ધાર્મિક માન્યતા મુજબ કાચબો ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ મનાય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કાચબો રાખવો શુભ ગણાય છે. સમુદ્ર મંથન સમયે ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કરીને મંટ્રાચલ પર્વતને પોતાના વશમાં કર્યો હતો. જેથી એવુ કહેવાય કે કાચબો જ્યા હોય ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય પણ આ એક અંધશ્રધ્ધા છે. ચિની જ્યોતિષમાં તેને બહું જ મહત્વ અપાયું છે, ફેંગશુઇમાં તેના વિવિધ લાભો બનાવાયા છે. તેથી ઘણા લોકો ઘરમાં ક્રિસ્ટલ કાચબો રાખે છે.પૃથ્વી પર સૌથી વધુ આયુષ્ય ભોગવતા અજાયબ જીવ કાચબો છે. તે 20 કરોડ પહેલા પેદા થયેલ પ્રાણી છે. તે ગભરૂ અને ડરપોક હોવાથી તેના પર સંકટ આવે એટલે તરત જ પોતાની ડોક અંદર લઇ લે છે. જળચર અને સ્થળચર કાચબા બન્ને વનસ્પતિ આહારી છે.
ઉપર સખ્ત કવચ પણ અંદરનું શરીર મૃદુ હોય છે. અમેરિકાના દક્ષિણ-પૂર્વ વિસ્તારની નદીઓમાં એલીગેટર સ્નેપીંગ ટર્ટલની એક વિચિત્ર જાત જોવા મળે છે. તે શરીરે કદાવર અને તીક્ષ્ણ દાંત ધરાવતા વિકરાળ જડબાવાળા હોય છે. તેનું જડબુ મગરમચ્છ જેટલી તાકાત ધરાવતું હોવાથી તેને એલીગેટર કહેવાય છે.પૃથ્વી પર 4 ઇંચના બોગ ટર્ટલથી લઇને 700 કિલો વજન ધરાવતા લેઘરી ટર્ટલ જોવા મળે છે. તેનું શરીર એક જ પેર્ટનનાં 60 હાડકાનું બનેલું હોય છે. જોખમ સમયે પગ અને મોઢું કવચમાં અંદર સંકોરી લે છે. પાણીના કાચબા કિનારાના ખડકની બખોલમાં રહે છે. તે નાક વડે નહીં પણ મોં પહોળું કરી ગળા વડે ગંધને પારખે છે.
સંકટ અનુભવે ત્યારે પોતાની ડોક પીઠ અંદર છુપાવી લે
કાચબો એક શાંત જીવ છે, તે ગભરૂ અને ડરપોક હોય છે. લોકો હેરાન કરે તો પણ પ્રતિક્રિયા આપતો નથી ઉલ્ટાનું તેની ડોક પીઠ અંદર છુપાવી લે છે. જળચર અને સ્થળચર એમ બન્નેમાં જીવન જીવતો કાચબો સામાન્ય રીતે વનસ્પતિ આહારી હોય છે. તેની શિકાર કરવાની ગજબરીત છે જેમાં તેની લાલ રંગની ભૂંગળી જેવી જીભ મોં ખૂલ્લુ રાખીને બહાર કાઢી રાખે છે. કોઇ માછલી જીભને જંતુ તરીકે સમજીને પકડવા આવે કે તરત જ તેનો શિકાર કરી લે છે. કાચબો પોતાની જીભ દ્વારા લલચાવીને શિકાર કરે તેવો ચબરાક છે. સામાન્ય રીતે 80 થી 100 કિલોના જોવા મળે છે, પણ ઘણા પ્રાણી ઘરમાં એથી મોટા વજનના વધુ ઉંમરવાળા કાચબા જોવા મળે છે. રણનો કાચબો પ્રચંડ ગરમી સહન કરી શકે છે. તે જમીનમાં 6 ફૂટ ઊંડો ખાડો કરીને તેમાં ચાર થી પાંચ મહિના સુષુપ્ત અવસ્થામાં પડ્યો રહે છે. તેનામાં પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા હોય છે. બ્રિટનના સેન્ટ હેલેના ટાપુ પરનો ‘જોનાથન’ નામક કાચબો 188 વર્ષનો થયો છે જે ગિનિસ બુકમાં દુનિયામાં સૌથી લાંબુ જીવનાર તરીકે રેકોર્ડ ધરાવે છે.