બંન્ને વચ્ચે પત્ર મૈત્રી અનેક વર્ષો સુધી ચાલી : ૧૯૦૬માં પ્રાણશંકરભાઇની રાજયના શિક્ષણ વડા તરીકે નિયુક્તિ થઇ
કેટલીક વિશિષ્ટ ઘટનાઓ ઈતિહાસના પાના ઉપર દર્જ હોવા છતાં સામાન્ય જનતાથી સાવ અજાણી હોય છે. આવી જ એક ઘટના છે મહાત્મા ગાંધીજી તથા તત્કાલીન ગોંડલ રાજ્યના દીવાન પ્રાણશંકર ભવાનીશંકર જોશીની મૈત્રી ની પ્રાણ શંકરભાઈના પ્રપૌત્ર જયંતભાઈ જોષી અને યોગેન્દ્રભાઈ જોષી જણાવે છે કે મૂળ ગોંડલ તાબાના મોટી ખીલોરી ગામના બ્રાહ્મણ જયકૃષ્ણ જોશી પરંપરાગત સંસ્કારો પ્રમાણે બ્રાહ્મણપદું કરતાં અને ગામઠી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરીને જીવન નિર્વાહ ચલાવતા. તેમના પુત્ર ભવાનીશંકર ભાઈને બ્રાહ્મણપદું કરીને જીવનનિર્વાહ ચલાવવા પ્રત્યે અણગમો હતો. મહેનતથી પૈસા કમાઈને પરિવારના સંતાનોને શિક્ષણ અપાવી સ્વમાનભેર ખુમારીથી જીવન જીવે અને સમાજમાં વિશિષ્ટ સ્થાન મેળવે તેવા સ્વપ્ન જોતા હતા. પોતાના સંતાનોને કોઈના ઓશિયાળા ન રહેવું પડે તે માટે તેમણે પિતાનું ઘર અને મોટી ખીલોરી ગામ છોડ્યાં. તેઓ ગોંડલ આવીને વસ્યા. ગોંડલના પોસ્ટ ખાતાની નોકરી સ્વીકારી અને બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કર્યું. પોતાના પ્રથમ પુત્ર પ્રાણશંકરભાઈને છ વર્ષની ઉંમરે ’સિરાજ મહેતાની નિશાળ’ માં બેસાડ્યા. તે પછીનો અભ્યાસ તેમણે તાલુકા સ્કૂલમાં કર્યો.
પિતા ભવાનીશંકર સંતાનોના અભ્યાસ માટે રાજકોટ આવીને વસ્યા અને વિશી(લોજ) ચાલુ કરી અને યુવા પ્રાણશંકરભાઈને આલ્ફ્રેડ સ્કૂલમાં મૂક્યા. અહીં મોહનદાસ કરમચંદ ગાંધી (ગાંધીજી) પણ અભ્યાસ કરતા હતા. અહીંથી જ તેઓ બન્નેની મૈત્રીના બીજ રોપાયાં. હાઈસ્કૂલના અભ્યાસ પછી કોલેજના અભ્યાસ માટે તે બંને મિત્રોએ ભાવનગરમાં નવી સ્થપાયેલી શામળદાસ કોલેજમાં પ્રવેશ મેળવ્યો.
અહીં એ વાત નોંધવી ઘટે કે ગાંધીજીએ આઝાદીની ચળવળ દરમિયાન અને તે પછી પણ પ્રાણશંકરભાઈ સાથે પત્ર સંપર્ક ચાલુ રાખ્યો હતો. તેઓ બંને વચ્ચે પત્ર મૈત્રી અનેક વર્ષો સુધી ચાલુ રહી હતી. ગાંધીજીના પુત્ર હરિલાલને વેકેશન દરમિયાન પ્રાણશંકરભાઈના પરિવાર સાથે ગોંડલ રહેવા મોકલશે તેવો ગાંધીજીએ પોતાના હસ્તે પત્ર લખ્યો હતો. ગાંધીજીએ પ્રાણશંકરભાઈ ઉપર લખેલાં કેટલાય પત્રો કાકા કાલેલકર અને મિત્રો પ્રાણશંકરભાઈ પાસેથી લઈ ગયા હતા ,એવો ઉલ્લેખ ખુદ પ્રાણશંકરભાઈએ કર્યો છે . આવો અમુલ્ય ’પારિવારિક પત્ર વારસો ’ આ પરિવાર પાસેથી ચાલ્યો ગયો.!
ગાંધીજી સાથેની મૈત્રી ના સ્મરણો પ્રાણશંકરભાઈએ પોતાના શબ્દોમાં કહેલા-લખેલાં તે મૂળ સ્વરૂપે અહીં ઉદધૃત છે. “૧૮૮૪માં અંગ્રેજી ધોરણ ત્રીજું પૂરું કરી રાજકોટ બેલ ગાડીમાં ગયો અને ત્યાંની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અંગ્રેજી ચોથા ધોરણમાં દાખલ થયો. પ્રિય ભાઈ મોહનદાસ મારી પાછળ એક ધોરણ હતા. તે વખતે ફૂટબોલ રમવાનું હાઈસ્કુલના વિદ્યાર્થીઓમાં ઘણો શોખ હતો. ભાઈ મોહનદાસને રમતનો બહુ શોખ નહોતો. ” ઇ.૧૮૮૮ની પહેલી ટર્મમાં અમે બંને રાજકોટથી પગરસ્તે સાંઢીયા (ઊંટ) ગાડીમાં ભાવનગર સામળદાસ કોલેજમાં જવા સાંજે નીકળી બીજે દિવસ પ્રભાતમાં જેતપુર ધર્મશાળામાં પહોંચ્યા. રેલવે સ્ટેશન લગભગ અડધો માઈલ દૂર હતું અને ભાવનગર જવાની ગાડી લગભગ આવી પહોંચવાની હતી, તેથી અમે બેઉ ધર્મશાળામાંથી દોડ્યા. મારી પાસે કપડાં- ચોપડીનું કંતાન પાકીટ હતું, તે મારાથી ઊપડી શકે તેમ ન હોવાથી ભાઈ મોહનદાસે પોતે ઉપાડ્યું. તેના પગમાં સપાટ પહેર્યા હતાં છતાં દોડતાં હાંફતા ગાડી જેવી પોરબંદરથી આવી કે અમે પહોંચી ગયા.
મારા પર ભાઈનો ઘણો સ્નેહ હતો અને તે આખી જિંદગી ટકાવી રહ્યા હતા. ભાવનગરમાં વાડવા પરામાં રામમંદિરમાં ભાઈ મોહનદાસ રસોઈયા સાથે રહેતા હતા. કોલેજમાં મેથેમેટિક્સના પ્રો. ફરદુનજી મેરવાનજી દસ્તુર અમને ગણિત શીખવતા. વિદ્યાર્થીઓ પ્રત્યે અતિશય પ્રેમ રાખતા. આલજિબ્રાના દાખલા પાટિયા ઉપર વિદ્યાર્થીઓ પાસે ગણાવતા. દરરોજ તેઓ ભાઈ મોહનદાસને પાટીયા પાસે આવવા કહેતા અને તે તેમ કરવાની ના પાડતા. તે કહેતાં : “સાહેબ, આલજિબ્રા આવડતી નથી અને હું દાખલા ગણવા નો પ્રયત્ન કરીશ નહીં ; કારણ કે તેમ કરવું નકામું છે.
દસ્તુરજી કહે કે, “તમને ઠીક પડે તેમ દાખલો શરૂ કરો. જવાબમાં, “ના સાહેબ, તેમ કરવા હું રાજી નથી. તે પછી કોઈ દિવસ ભાઈ ગણિત તરફ લક્ષ આપ્યું નહોતું. “ટર્મ પૂરી થવાને થોડા દિવસની વાર હતી ત્યાં વડવામાં કોલેરાનો ઉપદ્રવ થયો. કોલેજ તરફથી, ઘેર જવું હોય તેને રજા આપવામાં આવી , પરંતુ ભાઈ મોહનદાસે હઠ લીધી કે હું તો ટર્મના છેલ્લા દિવસ સુધી હાજરી આપી છેવટે ભાવનગર છોડીશ. તે નિશ્ચયને વળગી રહ્યા. ” ઈ.૧૮૮૮ ની બીજી ટર્મથી ભાઈ કોલેજમાં પાછા આવ્યા નહોતા, પરંતુ ઇંગ્લંડ બેરિસ્ટર થવા ગયા હતા. બેરિસ્ટર થઈ મુંબાઈ આવેલા ત્યારે ગીરગામમાં શેઠ કેશવજી તુલસીદાસની વાડીમાં તેઓને જમણ આપવામાં આવ્યું હતું. રેશમી પીતાંબર પહેરી ભાઈ મોહનદાસ જમતાં પહેલાં સૌ સાથે વાતો કરતા હતા. મેં પૂછ્યું, ‘વિલાયતમાં તમારા ઉપર કયા વિદ્વાનની ઊંડી અસર થયેલી?’. તેમણે કહ્યું ,’કાર્ડિનલ ન્યૂમેનની’. તેનાં તેમણે ઘણાં વખાણ કર્યાં હતાં.
મેટ્રિકમાં ઉત્તિર્ણ થઇને ઈ.૧૮૮૮ના જાન્યુઆરીમાં મોહનદાસ ગાંધી તથા પ્રાણશંકરભાઈ કોલેજના અભ્યાસ માટે ભાવનગર જવા,રાજકોટથી જેતપુર સુધી ગાડામાં અને ત્યાંથી ભાવનગર ટ્રેન દ્વારા ગયા હતા. ત્યાં તરત માં સ્થપાયેલી શામળદાસ કોલેજ, હાથીખાના કમ્પાઉન્ડમાં લાઇબ્રેરી માટેના ખાલી મકાન બેસતી હતી. હોસ્ટેલ તેની નીચે જ હતી. તે સમયે શામળદાસ કોલેજમાં પ્રિન્સીપાલ આર. એચ. ગનીઅન હતા. પ્રોફેસરોમાં મણિલાલ નભુભાઈ દ્વિવેદી સંસ્કૃત, ફરદુનજી દસ્તુર મેથેમેટિક્સ, બરજોરજી ઍન્ટી ઇતિહાસ તથા જમશેદજી ઉનવાળા વિજ્ઞાનના વિષયો લેતા હતા. કોલેજના ઉપલા વર્ગોમાં ત્યારે લલ્લુભાઈ શામળદાસ મહેતા, કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી અને બળવંતરાય કલ્યાણરાય ઠાકોર અભ્યાસ કરતા હતાી.
ઈ.૧૮૯૬ના અરસામાં (રાજકોટની રાજકુમાર કોલેજના ધોરણે) ગોંડલના ઠાકોર સાહેબ ભગવતસિંહજીએ ગોંડલમાં ગ્રાસિયાઓના કુમારોને શિક્ષણ આપવાના ઇરાદાથી ગ્રાસિયા કોલેજ શરૂ કરી. પ્રાણશંકરભાઈ ગોંડલના વતની હોવાથી તેઓ તેમાં જોડાય તેવું નિમંત્રણ આપ્યું. રાજકોટના સહાધ્યાયીઓ અને પાછળથી જાણીતા થયેલા વકીલ મિત્રોની માફક વકિલાત કરવાના વિચારોને તિલાંજલી આપી તેઓ કર્મભૂમિ ગોંડલ આવી ગયા.
ઈ. ૧૮૯૭ ની ૧,એપ્રિલથી કોલેજના ચીફ આસિસ્ટન્ટ તરીકે નિમાયા. થોડાં વર્ષો બાદ ત્યાં તેઓ પ્રિન્સિપાલ બન્યા. ગોંડલના મહારાજ ભગવતસિંહજી કાઠિયાવાડના વિદ્વાન રાજકર્તા તરીકે ઓળખાતા અને વિક્ટોરિયન રાજ્યકાળના પ્રતિનિધિ ગણાતા ઈટન અને હેરોની પબ્લિક સ્કૂલોના ધોરણે તેઓએ ગોંડલની ગ્રાસિયા કોલેજની સ્થાપના કરી હતી.
રાજ્યના ઉચ્ચ અધિકારીઓની ભરતી પણ ગ્રાસિયા કોલેજના શિક્ષકોમાંથી કરવાનો આગ્રહ રાખતા. એટલે ૧૯૦૬માં પ્રાણશંકરભાઈની નિમણુંક રાજ્યના શિક્ષણના વડા તરીકે કરવામાં આવી અને ૧૯૧૦માં તેમને હઝુર સેક્રેટરી તરીકે નીમવામાં આવ્યા. બાદમાં ૧૯૨૨માં દીવાન રણછોડદાસ પટવારી છૂટા થતાં તેમની જગ્યાએ દીવાન તરીકે નિમણૂંક આપવામાં આવી. જે પદે તેઓ ૨૬ વર્ષ સુધી રહ્યા. સ્વતંત્ર ભારતમાં સૌરાષ્ટ્રનું નવું રાજ્ય થતાં ૧૯૪૮ના માર્ચ મહિનામાં ૮૧ વર્ષની વયે તેઓ નિવૃત્ત થયા. ભાવનગરની કોલેજથી ગાંધીજી અને પ્રાણશંકરભાઈના રસ્તાઓ અલગ પડ્યાં. તે પછી તેઓએ દેશની પ્રગતિ અને વિકાસમાં અલગ અલગ સ્તરે મહત્વની ભૂમિકાઓ અદા કરી, પણ આત્મિક સંબંધો જાળવી રાખ્યાં. આ રીતે તત્કાલીન ગોંડલ રાજ્યના પ્રાણશંકરભાઈ અને વિશ્વ સ્તરે જાણીતા થયેલા મહાત્મા ગાંધીજી વચ્ચેની મૈત્રીનું આ એક યાદગાર પ્રકરણ છે.