પેલી ઓરત બેઠી છે, એ જોઇ ? …..નામ એનું સોણી….. અત્યારે તો સફેદ ચામડું ઓઢીને હાડપીંજર બેઠું હોય એમ લાગે, પણ એક જમાનામાં એની જાત પર રુપિયાના ઢગલા થતા, એના દલાલનું આજે વરલીમાં તમે મકાન જુઓ તો મોંમા આંગળા નાખી જાઓ. ત્યારે તો જમાનો હતો સોણીનો…. જ્યારે જુઓ ત્યારે સોણીની આંખોમાં તોફાન, ચાલમાં મસ્તી, પરવાળા જેવા હોઠને માદક અદા…. બજારમાં એનું નામ હતું…..સોણી જેટલી ‚પાળી આખી રાનીની બસ્તીમાં કોઇ જ ન મળે. બીજા કોઠાઓના દલાલો-ઘરાકોને હાથ પકડીને ખેંચતા જોવા મળે, બીજી સૌર્દ્યાઓ ખોટેખોટા લટકા કરતી જોવા મળે, જ્યારે સોણી માટે અગાઉથી રુપિયા જમા કરાવી વેઇટીંગમાં નામ લખાવવું પડે.
પણ સામાન્ય રીતે બને છે એમ કોઇ સૌર્દ્યાના સોનેરી દિવસો લાંબા ટકતા નથી. સમય જતાં આ બધું જ અત્યાર સુધી જે હતું એ સપનું હતું કે સત્ય એવી આશંકા થાય તેટલી હદે બદલાઇ ગયું. સોણીને છોકરો જન્મ્યો. બજારમાં નેપાળી અને થાઇ છોકરીઓ આવી…. સોણીની પરિસ્થિતિ કથળવા લાગી….ઘરાકો તો સાવેય ઘટી ગયા, જૂનો દલાલ બધા પૈસા લઇને ભાગી ગયો, પણ તોય સોણી હજુય સોણી હતી. આટલી આપત્તિ વચ્ચે પણ કેમ કરતાં સોણી ટકી રહી એની કદાચ વિધાતાને પણ નવાઇ લાગે હશે, પણ એના જીવનનું…જીવન રસનું…એકમાત્ર કારણ હતું… એનો છોકરો.
સોણી છોકરા પર ઘણું હેત સામાન્ય માતાઓ રાખે છે તેનાથી અનેકગણું….કેમ એ તો સોણીનેય ખબર નહોતી. સોણીને સમજણ આવી ત્યારેથી તેણે આ જ બસ્તી જોઇ હતી. ખબર નહીં તેને કોણ લાવ્યું હતું, ક્યાંથી લાવ્યું હતું કે ક્યારે લાવ્યું હતું. અહીં પ્રવેશ્યા પછી એના મા-બાપ કોણ હતા એ શોધી કાઢવું અત્યંત અઘરું તો હતું જ ઉપરાંત હવે તો સાવેય નિરર્થક પણ હતું. એના પરિવારમાં જો કોઇ હોય તો માત્ર એનો છોકરો,….છોકરોય રૂપમાં સોણી પર પડ્યો હતો, સુંદર અને ગોળમટોળ….જીવનમાં સોણીએ અત્યાર સુધી માત્ર પૈસાનો જ સંબંધ જોયો હતો અને દરેક સંબંધમાં માત્ર પૈસાનો જ સંબંધ જોયા હતા. તેના સમગ્ર જીવનમાં આ એકમાત્ર સબંધ એવો હતો તે સમજણી થઇ ત્યારથી અત્યાર સુધીમાં જેમાં માત્રને માત્ર પ્રેમને જ સ્થાન હતું. અત્યાર સુધીમાં તેના હદ્યમાં જેટલો પ્રેમને જ સ્થાન હતું. અત્યાર સુધીમાં તેના હદ્યમાં જેટલો પ્રેમ છુપાયેલો, ઘરબાયેલો હતો તે બધો જ તેના અસ્તિત્વના નાનકડાં અંશ માટે ઠાલવી દેતી. પૈસા મેળવવા માટે કારણ પણ હવે બદલાઇ ચુક્યું હતું, હવે એ જે કંઇ જીવતી, જે કાંઇ કરતી તેમાં સમગ્રપણે આ નાનકડાં અંશનું ભવિષ્ય તેના વિચારોના કેન્દ્રસ્થાનમાં રહેતું.
સોણીને આ સિવાય એક બીજો સંબંધ પણ હતો જે તેના દિલ-દિમાગમાંથી કદિય ખસતો નહોતો. આ બીજો સંબંધ-આમ તો પોતીકો ન જ કહેવાય અને માત્ર પૈસાના જ સંબંધો હતા છતાંય – પોતાને સૌથી વધુ ગમતો આશિક……ખાન. ખાનને બે બીબી હતી. દોલત ઝાઝી. એના નામનું મટકું ચાલતું. રાનીની બસ્તીમાં અઠવાડિએ એકાદ આંટો હોય એ ચોક્કસ અને એ આંટો સોણીના કોઠામાં હોય એ પણ એટલું જ ચોક્કસ- આ વાતમાં કદિય ફેર પડ્યો નથી. લા-લીઝરની લીપસ્ટિક લગાવેલી સોણીની એકાદવાર પણ વિચાર આવે કે ખાન હજાર કામ પડતા મુકીને અહીં આવી પહોંચતો. સોણીમાં રૂપ હતું અને એના હોઠમાં જાદુ. કોઇ બહેનપણીએ સોણીને પુછ્યું હોત……‘તારા હોઠમાં એવું તો શું છે….?’ તો હસતાં હસતાં સોણી કહી દેત….‘તુમ ખાનકો હી ક્યું નહી પૂછ લેતી’- આ ‚પાળા હોઠ માત્ર ને માત્ર ખાન માટે ‘લા-લીઝર’ના ગુલાબી રંગે રંગાતા. (આ સાડા સાત ગ્રામની લીપસ્ટિક ખાન રૂપિયા પાંચસો આપી છેક મોલમાં જઇ ખરીદતો !….)
સાવ પડતીના સમયમાં પણ તેની પાસે નિયમિત આવનારો એકલો ખાન જ હતો.
જોત જોતામાં છોકરાનો પહેલો જન્મ દિવસ આવી પહોંચ્યો. છોકરાની પ્રથમ ‘સાલગીરાહ’ની સાંજથી જ સાધારણ ‘બુખાર’ ચડ્યો. આમ તો સામાન્ય બાબત હતી. પણ આખી રાત છોકરા પાસે જવા તેને બિલકુલ સમય જ ના મળ્યો. આમ પણ હવે પૈસા સાવ ખૂટી ગયા હતા. ત્યારે, ઘરાક ગુમાવવું તો હવે બિલકુલ પાલવે તેમ નહોતું. સવારે સોણીએ છોકરાના કપાળે હાથ મુક્યો ત્યારે, તેનું કપાળ તાવથી ધગધગતું હતું… મીઠાના પાણીના પોતાં કપાળ મુક્યા…લીમડાની છાલની ખુરદી બનાવી શરીરે લગાવી પણ-બેઅસર….બપોર સુધીમાં તો બુખાર ઓર વધી ગયો. છોકરાને દવાખાને લઇ તો જવો પણ કઇ રીતે ? ઘરમાં ફૂટી કોડી પણ ન મળે. વહેલી સવારે ઘરાકે આપેલ સો રુપિયા યાદ આવ્યા, લઇને ફટાફટ દોડી, ડોક્ટરે ઇન્જેક્શન માર્યુ, થોડીક દવાઓ લખી આપી, છોકરાને લઇને ઘેર આવી, પણ દવાઓ….?? એના પાછા પૈસા ? ઘર આખું ફેંદી નાખ્યું પણ કંઇ હોય તો નીકળે ને….?? છોકરાને છાતીએ વળગાડીને રડ્યા કર્યુ. તાવ ઘડીકમાં ઉતરતો તો ઘડીકમાં પાછો એવોને એવો….. અચાનક સોણીની નજર છોકરાના સોનાના તાવીજ પર ગઇ. છોકરો જન્મ્યો ત્યારે બહુ અરમાનો સાથે બાધ્યું હતું. તેણે જોર કરી તાવીજનો દોરો તોડી નાખ્યો ને છોકરાને મુકીને દોડી નીકળી. તાવીજને વટાવીને પાંચસોની કડકડતી નોટ મળી…..તેમાંથી ગમે તેમ કરીને દવાઓ લાવવાની હતી….
ત્યાં જ રસ્તામાં જ ખાન મળ્યો…. આંકડા લખાવી હમાણાં જ પાછો ફરી હમણાં જ પાછો ફરી રહ્યો હતો. તે ઉભી રહી ગઇ…. ‘લડકે કો ભારી બુખાર હૈ, પૂરે દિન સે બિલકુલ ભૂખા હૈ વો…..તડપતા હૈ બેચારા….’ તે એકી શ્ર્વાસે બોલતી જ ગઇ, નેત્રો સજળ બનવા લાગ્યા, તેના ગુલાબી હોઠ કંપતા વધુ ગુલાબી બન્યા. ખાનની સામે પ્રશ્નાર્થ નજરે જોઇ રહી. એ અપેક્ષા સાથે તે ખાન પણ છોકરાની બાબતમાં કંઇ પૂછે અને મદદ કરે…પણ ખાનને અને છોકરાને શું ?….એને તો આ આખી વાત સાથે કશીજ લેવા-દેવા નહોતી. તે તો સોણીના ગુલાબી હોઠ સામે મારકણી નજરે જોઇ રહ્યો. એટલું જ બોલ્યો…‘તેરે હોઠ બહોત હસીન લગતે હૈ…..મૈ આ રહા હું આધે ઘંટે મે…. તૈયાર રહના….ને બીજી બાજુ સોણીને પણ ખાન શું બોલતો હતો એના તરફ ધ્યાન બિલકુલ નહોતું,
એનું મન તો બિમાર છોકરામાં હતું…..‘યે દવાઇ લે આયેગા જલ્દી….’ કહી સોણીએ તાવીજના વેચાણથી આવેલી પાંચસોની પેલી નોટ અને ડોક્ટરની ચીઠ્ઠી તેના હાથમાં આપી. ‘ઠીક હૈ….મૈ લા દુંગા…’ કહી ખાને નોટ ગજવામાં સેરવી. જતાં જતાં એકલો એકલો બબડતો ગયો…. ‘સાલી…લડકે કી બિમારી કે પીછે પડી હૈ…. મેરી બિમારી તો દેખ….’ ખાન થોડું આગળ ચાલ્યો હશે ત્યાં તો થોડીવારમાં જ ખાનને ભીડુ મળ્યો ‘અબે….સુન રેલા હૈ ? સાવન કો ખબર પહોંચાના કી દો ઘંટે મેં રેડ પડનેવાલી હૈ…..કીસીકો ઓરિજિનલ સીમ સે મોબાઇલ સે બાત મત કરના’ ભીંડુ એ પોલીસવાળો હતો. બધુ પડતું મુકી ખાન. પોતાના ગેરકાયદેસર ધંધાનો સામાન સગેવગે કરવા પહોંચી ગયો.
ખાન જ્યારે ચાર-પાંચ કલાક પછી મોડે મોડે સોણીના કોઠા પર પહોંચ્યો ત્યારે સોણીની રૂપિયામાંથી દવાના બદલે સોણી માટે ‘લા લીઝરનું લીપસ્ટિક લેતો આવેલો. અટટહાસ્ય કરતો કરતો એ બોલ્યો ‘યે….લે…..દવાઇ….મેરી…!!
ચાર ચાર કલાકથી દવા માટે ઇન્તજાર કરી કરી જેના આસું સુકાઇ ગયા હતા એ સોણી સાવ ડઘાઇ ગઇ….ગુસ્સાથીઅને ગ્લાનિથી તેનો ચહેરો લાલચોળ થઇ ગયો. લીપસ્ટિકનો ખાન પર છૂટ્ટો ઘા કર્યો, આજે પહેલી વાર ખાનમાં તેને નર-રાક્ષસ દેખાયો…..છોકરાના ઘોડિયા તરફ દોડી, કપાળે હાથ મુક્યો…અસહ્ય તાવમાં તરફડતો છોકરો હવે કાયમ માટે હવે ઠંડો પડી ગયો હતો…..
બરાડતી બરાડતી સોણી ખાનની પાછળ પડી ને જે કાંઇ હાથમાં આવ્યું તે લઇ છૂટ્ટુ ફેંકવા લાગી. ખાન ભાગી છૂટ્ટયો….
‘ત્યારથી…સોણી પાગલ બની ગઇ છે સાહેબ….પાગલ એટલે પૂરેપૂરી પાગલ…તમને થતું હશે કે, આ મામદને સોણીની આટલી બધી રજેરજની ખબર ક્યાંથી હોય ? બરોબરને…પણ સાચું કહું તો….હું જ ખાન. આમ તો મારુ આખું નામ મામદખાન પણ સોણી મને પ્યારથી ખાન કહેતી. પાંચ વર્ષ પહેલાં હું દર અઠવાડિયે સોણીના કોઠા પર આવતો, હવે જાતે જ દરરોજ આવું છુ. જમવાનું લઇને….ટિફિનનો ડબ્બો ખાનગીમાં સોણીના ઓટલા પર મુકી ચાલ્યો જાઉ છું. સોણી પાગલ છે. કોઇ દિવસ ખાય, કોઇ દિવસ જોવેય નહીં તો, કોઇ દિવસ ફેંકી પણ દે…પણ હું….ઠંડી હોય કે વરસાદ…અરે તોફાન કે કરફ્યુમમાંય સોણીનો ડબ્બો અહીં મુકવાનું છેલ્લા પાંચ વર્ષમાં એક પણ વખત ચુક્યો નથી. એક પણ વખત નહીં. એક બાઇ રાખી છે. દિવસમાં એકવાર આવીને સોણીની અને આ કમરાની સાફ-સફાઇ કરીને જાય છે. સોણી આમ તો ગાંડી છે પણ કામવાળી બાઇને કે આસપાસમાં કોઇને કદી કશી કનડગત કરી હોય એવું સાંભળ્યું નથી. બાકી સ્વભાવની શાંત….પાંચ પાંચ વર્ષોમાં તેના મોંમાંથી એક પણ શબ્દ આ જ સુધી કોઇએ સાંભળ્યો નથી.
ખાલી એક જ તકલીફ…..જો તે ભુલથીય મને જોઇ જાય તો હાથમાં જે કાંઇ આવે તે લઇને મારવા દોડે છે. એટલે મારે એનાથી સંતાતા જવું પડે છે. સોણી પાગલ થઇ ગઇ છે પૂરેપૂરી…. આખો વખત સામેની પાળી નજીકના ખુણામાં બેસી રહે છે. આમ જ ને આમ જ પેલા ખાલી ઘોડિયા સામું તાકી તાકીને જોયા કરે છે.’
સોણી હજીય એમને એમ જ બેઠી હતી…..કદાચ એને ખાન લપાતો-છૂપાતો આવીને નવો ટીફીનનો ડબ્બો ફટાફટ મુકી, ગઇકાલનો ડબ્બો ક્યારે લઇ ગયો એની ખબર જ નહોતી પડી.