કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ રહે છે, જેઓ સ્થાનિકો દ્વારા ચલાવવામાં આવેલી ટોળાની હિંસાથી અજાણ હતા, હાલ તેઓ ઘરે પાછા આવવા માંગે છે.પ્રાપ્ય માહિતી મુજબ મોટા ભાગના ભારતીયો કીર્ગીસ્તનની રાજધાની બીશકેકમા રહે છે. ભારતીયો ઉપરાંત પાકિસ્તાની, બાંગલાદેશીઓ પણ અહી રહે છે. હાલ આ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બીશ્કેકમાં રહેતી સુરતની યુવતી રિયા લાઠીયા સાથે ફોન પર વાતચીત થતાં બીશ્કેકની સમગ્ર સ્થિતિ અંગે ખ્યાલ મેળવવામા આવ્યો હતો.
રિયા લાઠીયા કસ્મા યુનિવર્સીટીમા એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. તેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ બિશ્કેકમાં સ્થિતિ સામાન્ય થતી જોવા મળી રહી છે. છતાં તેઓને ઘરની બહાર નીકળવાની મનાઈ કરવામાં આવી છે. તેઓને જમવાની તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓ યુનિવર્સીટીના અધ્યાપકો દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત એમ્બેસીએ વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા મેઈલ જોયા છે અને તેઓ વિદ્યાર્થીની સુરક્ષા માટે 24×7 હાજર રહે છે. તેમજ તેમના ફ્લેટ નીચે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
બીશ્કેકની પરિસ્થિતિ અંગે રિયાએ જણાવ્યું હતું કે બે દેશ વચ્ચેના જગડાના કારણે અન્ય દેશના લોકો પીસાય રહ્યા છે. જો કે હાલ પરિસ્થિતિ સામાન્ય થતી જોવા મળી રહી છે. પ્રફુલભાઈ પાનસેરિયા સાથે વાત કરતા તેમના કહેવા મુજબ રિયાએ પોતાનો તેમજ શક્ય હોય તેટલા ગુજરાતીઓના પાસપોર્ટ મોકલી દીધા છે.
તેલંગણા સરકારે તેમના વિદ્યાર્થીઓ માટે ફ્લાઈટ મોકલાવી હતી તે મુજબ ગુજરાતીઓ પણ સરકારને અપીલ કરી રહ્યા છે કે બને તેટલી ઝડપથી સરકાર તેમને આ સ્થળેથી સલામત રીતે ઘરે પોહચાડવા વ્યવસ્થા કરે. ઉપરાંત તેઓએ સરકારનો આભાર માન્યો છે અને સરકાર પર પૂરો વિશ્વાસ દર્શાવ્યો છે. તેમજ પરિવાર જનોને પણ ચિંતા ન કરવા જણાવ્યું છે અને જલ્દી થી તમામ વિદ્યાર્થી ઘરે આવી જાશે તેવી આશા આપી છે.
પરિવાર સાથે વાત થતાં રીયાએ રાતે 3 વાગે બોમ્બ એટેક થવાની વાત કરી હતી સાથે જ ઘરના તાળા તોડી નાખ્યા હતા તેમજ બારી પર ગોળીબાર કાર્યનું જણાવ્યું હતું. આ અંગે રિયાનો પરિવાર ખુબ જ ચિંતિત છે.
રિયાના દાદાનું નિવેદન :
આ સમગ્ર ઘટના જાણ્યા બાદ રિયાના દાદા સતત ને સતત સરકારને વિનંતી કરી રહ્યા છે કે કોઈ પણ રીતે તેમની પૌત્રીને ઘરે પરત લઇ આવવા સરકાર મદદે આવે.
રિયાની માતાની વ્યથા:
રિયા સાથે ફોન પર વાત થયા બાદ તેની માતાએ પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું હતું કે સરકાર તેની પુત્રીની મદદે આવે તેમજ એરપોર્ટ સુધી સુરક્ષિત રીતે પોહચવા વ્યવસ્થા કરી આપે અને તેમના વિશ્વાસને સફળ બનવી તેમની પુત્રીને પરત ઘરે લઇ આવે. આવી આજીજી સાથે રિયાના માતા તેમજ દાદી ભાવુક થઇ ગયા હતા.