રાજ્યમાં ઓણ સાલ વરસાદ સોળ આની નહીં પરંતુ વર્ષ 12 આની રહેશે તેવો વર્તારો આગાહીકારોએ પોતાના પૂર્વાનુમાનો પ્રમાણે કર્યો છે. આગાહીકારોની દ્રષ્ટિએ કરાયેલી આગાહી મુજબ આ વર્ષે 12 આની વરસાદ થશે એટલે કે ગયા વર્ષે જે 14 આની વરસાદ થયો હતો તેના પ્રમાણે આ વર્ષે વરસાદ ઓછો અને વર્ષ મધ્યમ ગણાશે. જો કે આગાહીકારોના જણાવ્યાનુસાર આ વખતે વરસાદની સીઝનમાં 40 થી 42 દિવસ વરસાદ પડે તેવી સંભાવના વર્તાઈ રહી છે. જેમાં જૂનમાં 8 થી 10 દિવસ, જુલાઈમાં 15 દિવસ, ઓગષ્ટમાં 12 અને સપ્ટેમ્બર મહિનામાં 10 દિવસ જેટલો વરસાદ પડે તેવો વર્તારો અપાયો છે.
આ સીવાય આગાહીકારોએ જૂનના ચોથા મહિનામાં વાવણીલાયક વરસાદ થશે તેવું અનુમાન લગાવ્યું છે. જ્યારે 15 ઓગષ્ટ બાદ વરસાદ ખેંચાય તેવી શકયતા અને નવેમ્બરના બીજા અઠવાડિયામાં વાવાઝોડા સાથે માવઠુ થાય તેવી આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ ખાતે આગાહીકારો દ્વારા વરસાદના પૂર્વાનુમાનમાં આ વર્ષે 10 થી 12 આની વરસાદ થાય તેવી શકયતાઓ વર્તાઈ છે. આ ઉપરાંત 40 થી 42 દિવસ વરસાદ પડે તેવી સંભાવનાઓ જૂનના ચોથા અઠવાડિયામાં વાવણીલાયક વરસાદની સાથે નવેમ્બરના બીજા અઠવાડિયામાં માવઠુ થાય તેવી સંભાવના આગાહીકારો દ્વારા દર્શાવવામાં આવી છે.
ગત વર્ષે મેંદરડાના સમઢીયાળા ગામના પરષોતમભાઈ વાઘાણીની 93 ટકા, પુનાના ધનસુખભાઈ શાહની 90 ટકા, ડો. સી.ટી. રાજાણીની 92 ટકા આગાહી ખરી સાબીત થઈ હતી
ખગોળ વિજ્ઞાન, જ્યોતિષશાસ્ત્ર, હવામાનના પરિબળો, ભડલી વાક્યો, પશુ-પક્ષીની ચેષ્ઠા, વનસ્પતિમાં થતાં ફેરફારો વગેરેના આધારે આગાહીકારો વરસાદનો વર્તારો કરતા હોય છે
દર વર્ષે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા વરસાદનો વર્તારો કરવામાં આવે છે જેમાં ખગોળ, જ્યોતિષશાસ્ત્ર, કષ બંધારણ, હવામાનના પરિબળો, વનસ્પતિમાં થતાં ફેરફારો, પશુ-પક્ષીની ચેષ્ઠા તેમજ ભડલી વાક્યો વગેરેના આધારે આગાહીકારો આગાહી કરતા હોય છે જેમાં મોટાભાગે 63 થી 99 ટકા આગાહી સાચી પડતી હોય છે. ગત વર્ષની વાત કરીએ તો મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામના પરષોતમભાઈ વાઘાણીની 93 ટકા આગાહી સાચી પડી હતી ત્યારે પુનાના ધનસુખભાઈ શાહની 90 ટકા આગાહી સાચી પડી હતી. જ્યારે સી.ટી.રાજાણીની 92 ટકા આગાહીઓ સાચી પડી હતી. જ્યારે ગોપાલભાઈની 89 ટકા આગાહી સાચી પડી હતી.
આ વર્ષે વરસાદ 10 થી 12 આની વરસે તેવી શકયતા દર્શાવાઈ છે. તેમજ નવેમ્બરના બીજા અઠવાડિયામાં માવઠાની શકયતા છે. વર્ષા વિજ્ઞાન મંડળના મંત્રી ડો.જી.આર.ગોહિલના જણાવ્યા મુજબ આગાહીકારોને તેમના નિયમીત અવલોકન લઈ યુનિવર્સિટીમાં મોકલી આપવા જણાવાયું હતું. આગાહીકારો પોતાના અવલોકન અને પૂર્વાનુમાન અંગે એકબીજા સાથે ચર્ચા-વિચારણા દ્વારા ભવિષ્યમાં પોતાના પૂર્વાનુમાનમાં વધુ સચોટ રીતે આગાહી કરવાની ક્ષમતા કેળવાય તે હેતુથી આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદ અંગે કુલપતિ ડો.વી.પી.ચોવટીયાએ જણાવ્યું હતું કે, વરસાદના પૂર્વાનુમાનનું ઘણું મહત્વ રહેલું છે. પૂર્વાનુમાનને લીધે ખેડૂત પાક પસંદગી તથા પિયત વ્યવસ્થાનું આયોજન કરી શકે છે. આગાહીકારો ભડલી વાક્યો અને પોતાના કોઠાસુઝ મુજબ વરસાદની આગાહી કરતા હોય છે. તેમજ પૂર્વાનુમાનને વધુ સારૂ અને ઉપયોગી થાય તે માટે અવલોકનો અને તેના આધારે પૂર્વાનુમાનોનો અભ્યાસ કરતું રહેવું જોઈએ. આ પ્રસંગે જેરામભાઈ ટીંબડીયા, ડો.પી.આર.કાનાણી તેમજ ડો.જે.ડી.ગુડાલીયાએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું અને વર્ષા વિજ્ઞાન મંડળના પ્રમુખ ડો. એચ.એમ. ગાજીપરાએ ઉપસ્થિત રહેલ સર્વે મહાનુભાવો, અધિકારો અને આગાહીકારોનું સ્વાગત કર્યું હતું.
આગોતરી વાવણીવાળાએ કઠોળની જગ્યાએ તેલીબીયાનું વાવેતર કરવું જરૂરી
દર વર્ષે વરસાદના પૂર્વાનુમાનને લીધે ખેડૂતો પાક પસંદગી અને પિયત વ્યવસ્થાનું આયોજન કરી શકે છે. આગાહીકારો ભડલી વાક્યો અને પોતાની કોઠાસુઝને લક્ષ્યમાં રાખી વરસાદની આગાહી કરતા હોય છે ત્યારે ચાલુ વર્ષે વાવાઝોડાને કારણે જે રીતે સીસ્ટમમાં ફેરફાર થયા છે. ત્યારે છેલ્લા ત્રણ-ચાર દિવસમાં રાજ્યના ઘણા-ખરા વિસ્તારમાં 3 થી 5 ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે ત્યારે કેટલાંક ખેડૂતોએ આગોતરી વાવણી પણ કરી દીધી છે. જો કે, આગાહીકારોના વર્તારો મુજબ નવેમ્બરના બીજા અઠવાડિયામાં માવઠાની શકયતા રહેલી છે. જેને લઈ જે ખેડૂતોએ તેલીબીયા સીવાયની વાવણી કરી હશે તેને નુકશાન જવાની ભીતિ છે.
કેમ કે પાછોતરા વરસાદને કારણે ખેતરોમાં નુકશાની થાય તેવી ભીતિ સર્જાઈ છે અને જે ખેડૂતોએ આગોતરી વાવણી કરવી હોય તે કઠોળ નહીં પરંતુ તેલીબીયાની વાવણી કરશે તો ચોક્કસથી ફાયદો થશે તેવો વર્તારો કરવામાં આવ્યો છે.