વૈશ્વિક સમસ્યાઓ વચ્ચે પણ અર્થતંત્ર જેટગતિએ આગળ વધી રહ્યું છે, હજુ બજેટનું બુસ્ટર લાગ્યા બાદ શેરબજારમાં પણ તેજીના પુરની આશા
અબતક, નવી દિલ્હી : ક્ષણિક ઉતાર ચડાવ વચ્ચે શેરબજાર ટનાટન જ રહેશે. કારણકે વૈશ્વિક સમસ્યાઓ વચ્ચે પણ અર્થતંત્ર જેટગતિએ આગળ વધી રહ્યું છે, હજુ બજેટનું બુસ્ટર લાગ્યા બાદ શેરબજારમાં પણ તેજીના પુરની આશા સેવાઈ રહી છે. જેથી રોકાણકારો માટે હવે કોઈ ચિંતાનો વિષય નથી
શેરબજારમાં છેલ્લા બે દિવસથી તેજી જોવા મળી રહી છે. તે પૂર્વે મંદીના કારણે રોકાણકારો ગભરાઈ ગયા હતા. પણ હવે તેજીનો દોર શરૂ થયો છે અને તે લાંબો સમય સુધી ચાલુ રહે તેવી શકયતા સેવાઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે. દેશ માટે સારા સમાચાર એ છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં વિકાસ દર 7 ટકાથી ઉપર રહેવાની ધારણા છે. એટલું જ નહીં, આ વૃદ્ધિ દર 2023-24માં પણ ચાલુ રહેશે. મંદીનો ડર છેલ્લા કેટલાક સમયથી છે, પરંતુ અત્યાર સુધી ન તો યુએસ કે યુરોપિયન યુનિયનને તેની અસર થઈ છે. ભારત માટે સૌથી ખરાબ સમય સમાપ્ત થઈ ગયો છે. અરવિંદ પનાગરિયાએ જણાવ્યું હતું કે વૈશ્વિક આંચકા વચ્ચે ભારતીય અર્થતંત્ર ઉચ્ચ અને સ્થિતિસ્થાપક ક્ષમતા દર્શાવે છે.
વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2022-23 માટે ભારતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અનુમાન 6.5 ટકાથી વધારીને 6.9 ટકા કર્યું છે. વિશ્વ બેંકે કહ્યું કે ભારત વૈશ્વિક સમસ્યાનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર છે. વિશ્વ બેંકે જણાવ્યું હતું કે બગડતી વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે નાણાકીય વર્ષ 22-23માં જીડીપી વૃદ્ધિ 6.9 ટકા રહેવાની ધારણા છે. પરંતુ તેમ છતાં ભારત સૌથી ઝડપથી વિકસતી મોટીઅર્થવ્યવસ્થાઓમાંની એક હોવાનો અંદાજ છે. વર્લ્ડ બેંકે ઈન્ડિયા ગ્રોથ આઉટલુક રિપોર્ટમાં કહ્યું છે કે ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં મંદી ભારતને એક આકર્ષક વૈકલ્પિક રોકાણ સ્થળ બનાવી શકે છે.
ભારતીય શેરબજારમાં આજે મંગળવારે સતત બીજા દિવસે તેજી છે અને રોકાણકારોના હકારાત્મક સેન્ટિમેન્ટને કારણે આજે ખરીદી થઈ રહી છે. આજે વૈશ્વિક બજારમાંથી પણ સકારાત્મક સંકેતો મળી રહ્યા છે, જેની અસર સ્થાનિક રોકાણકારો પર થોડા અંશે જોવા મળશે. છેલ્લા સત્રમાં પણ સેન્સેક્સમાં જોરદાર ઉછાળો આવ્યો હતો અને ફરી 60 હજારને પાર કરી ગયો હતો. નિફ્ટી પણ 18 હજારની ઉપર બંધ રહ્યો હતો.અગાઉના સત્રમાં સેન્સેક્સ 721 પોઈન્ટના વધારા સાથે 60,566 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 208 પોઈન્ટના વધારા સાથે 18,015 પર બંધ થયો હતો.