ડિજિટલ ઇન્ડિયામાં લીલાલહેર કરાવી દેતી રિલાયન્સની સાધારણ સભા
સેન્સક્સમાં 500 પોઇન્ટ અને નિફટીમાં 170 પોઇન્ટનો ઉછાળો: રોકાણકારો ખુશખુશાલ
ડિજિટલ ઇન્ડિયામાં લીલાલહેર કરાવી દેતી રિલાયન્સની સાધારણસભા વચ્ચે ગઈકાલે મંદિવાળાઓનો મારો ચાલતા શેરબજાર ધડામ થઈ ગયું હતું. જો કે મંદિવાળાઓનો મારો પચાવી હવે શેરબજારે તેજી પકડી છે. જેના કારણે આજનો મંગળવાર રોકાણકારો માટે શુભ સાબિત થયો છે.
ભારતીય શેર બજારમાં ગઈકાલની નબળી સ્થિતિથી બિલકુલ વિપરિત મજબૂતાઈ જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 411.68 પોઈન્ટના વધારા સાથે 58384.30 ના સ્તરે ખુલ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 134.90 પોઈન્ટની તેજી સાથે 17447.80 ના સ્તરે ખુલ્યો. બજારમાં પોઝિટિવ વાતાવરણ જોતા રોકાણકારો પણ ખુશખુશાલ છે.
વૈશ્વિક સંકેતોને કારણે સપ્તાહના પ્રારંભે ગઈકાલે શેરોમાં જોરદાર વેચવાલી થઈ હતી, જેથી રોકાણકારોના અબજો રૂપિયા સ્વાહા થયા હતા. પણ હવે બજારે મંદિવાળાઓનો મારો પચાવીને મજબૂતાઈ પકડી છે. આ લખાઈ છે ત્યારે 10:30 કલાકે સેન્સેક્સમાં 500 પોઇન્ટ અને નિફટીમાં 170 પોઇન્ટ જેટલો ઉછાળો જોવા મળી રહ્યો છે.
અંબાણીએ એજીએમમાં સરકારના કામની પ્રશંસા કરી હતી
એજીએમ દરમિયાન અંબાણીએ કેન્દ્ર સરકારના કામની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે સરકારે કોરોના સામે લડવા માટે પ્રશંસનીય કામ કર્યું છે. દેશના આર્થિક પડકારોનો સામનો કરવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે, આ જ કારણ છે કે વૈશ્વિક મંદીની આશંકા વચ્ચે પણ ભારત મજબૂતીથી ઊભું છે.
ડિસેમ્બર 2023 સુધીમાં દેશભરમાં 5G શરૂ થશે
મુકેશ અંબાણીએ કહ્યું, ’કંપની દર મહિને દેશમાં 5જી સેવાઓનો વિસ્તાર કરશે. આમ કરીને, કંપની ડિસેમ્બર 2023 સુધીમાં દેશના દરેક નગર, દરેક તાલુકામાં જીઓ 5જી સેવાઓ પ્રદાન કરવાનું શરૂ કરશે. દેશમાં ક્લાઉડ કમ્પ્યુટિંગના નવા યુગની શરૂઆત કરશે. મુકેશ અંબાણીએ કહ્યું કે અમારા 2000 થી વધુ યુવા એન્જિનિયરોએ ત્રણ વર્ષની મહેનતથી તેને તૈયાર કર્યું છે. આ સાથે દિવાળીના અવસર પર મેટ્રો સિટીમાં 5જી સેવાઓ શરૂ કરવાની પણ મોટી જાહેરાત કરવામાં આવી હતી.
રિલાયન્સની મેટા, ગૂગલ, માઇક્રોસોફ્ટ સહિતની કંપનીઓ સાથે ભાગીદારી
કાર્યક્રમ દરમિયાન મુકેશ અંબાણીએ એમ પણ કહ્યું કે અમે વડાપ્રધાનના ડિજિટલ ઈન્ડિયાના સપનાને સાકાર કરવામાં કોઈ કસર છોડીશું નહીં. મુકેશ અંબાણીએ કહ્યું, ’વિશ્વની અગ્રણી ટેક્નોલોજી કંપનીઓએ ’મેડ ઈન ઈન્ડિયા’ હેઠળ 5જીની ટેક્નોલોજી વિકસાવવા માટે સહયોગ કર્યો છે. મેટા (ફેસબુક), ગૂગલ, માઇક્રોસોફ્ટ, એરિક્સન, નોકિયા, સેમસંગ અને સિસ્કો જેવી કંપનીઓ સાથે ભાગીદારી કરવામાં અમને ગર્વ છે. અંબાણીએ આ સમયગાળા દરમિયાન ક્યુઅલકોમ સાથે ભાગીદારીની જાહેરાત પણ કરી હતી.
રિલાયન્સ ગૂગલ સાથે મળીને સસ્તા સ્માર્ટફોન લોન્ચ કરશે
રિલાયન્સ જિયોના ચીફ આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, ભારતીય બજારમાં સૌથી વધુ સસ્તું 5જી ફોન લાવવા માટે કંપની ગૂગલ સાથે મળીને કામ કરી રહી છે. તેમણે કહ્યું કે ભારતમાં 5જી ની રજૂઆત સાથે, દેશમાં 80 કરોડ ઇન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા એક વર્ષમાં 150 કરોડ સુધી પહોંચી જશે.
રિલાયન્સ રિટેઇલ આ વર્ષે એફએમસીજી સેક્ટરમાં પ્રવેશ કરશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિલાયન્સ રિટેલ આ વર્ષે એફએમસીજી બિઝનેસમાં પ્રવેશ કરશે. તેમ જણાવતા ઈશા અંબાણીએ કહ્યું કે ટેક્નોલોજી કંપની મેટા અને જિયો પ્લેટફોર્મ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર જીઓ માર્ટ લોન્ચ કરવા માટે હાથ મિલાવ્યા છે. આ ભાગીદારીથી રિલાયન્સ રિટેલના ગ્રાહકો વોટ્સએપ પર કરિયાણાનો ઓર્ડર આપી શકશે.