- સેન્સેક્સે ફરી 76 હજારની સપાટી ઓળંગી: નિફ્ટી પણ 23 હજારની સપાટી કૂદાવવામાં સફળ
લોકસભાની ચૂંટણીના મત ગણતરીના દિવસે ભારતીય શેરબજારમાં ઐતિહાસિક કડાકો બોલી ગયો હતો. જો કે, કેન્દ્રમાં ફરી નરેન્દ્રભાઇ મોદીના વડપણવાળી એનડીએ સરકાર બનવાનું નિશ્ર્ચિત થતાની સાથે જ છેલ્લા ત્રણ દિવસમાં બજારમાં જબ્બરદસ્ત રિક્વરી જોવા મળી છે. આજે બજારમાં આરબીઆઇએ તેજીને બળ પ્રદાન કર્યું હતું. સતત આઠમી વખત રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરોમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવામાં ન આવતા બજાર પૂરપાટ દોડ્યું હતું. સેન્સેક્સે 76 હજાર અને નિફ્ટીએ 23 હજારની સપાટી ઓળંગી હતી.
ગત મંગળવારે શેરબજારમાં 6,200થી વધુ પોઇન્ટનો તોતીંગ કડાકો બોલી ગયો હતો. જો કે, ત્યારબાદ એનડીએ ગઠબંધનને બહુમત મળવાના કારણે 2,000 પોઇન્ટની રિક્વરી જોવા મળી હતી. છેલ્લા ત્રણ દિવસથી બજાર એકધારૂં તેજીના ટ્રેક પર દોડી રહ્યું છે. આરબીઆઇ દ્વારા આજે રેપોરેટ યથાવત રાખવામાં આવતા બજારમાં તેજીને બળ પ્રાપ્ત થયું હતું. આજે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સે 76,000ની સપાટી ઓળંગી હતી અને 76,700.82ની ઇન્ટ્રાડે હાઇ સપાટી હાંસલ કરી હતી. એક તબક્કે એવું લાગી રહ્યું હતું કે આજે સેન્સેક્સ 76,738.89નો હાઇ ક્રોસ કરી નવો ઓલ ટાઇમ હાઇ બનાવશે. તૂટીને સેન્સેક્સ 74,941.88 સુધી સરકી ગયો હતો. 1800 પોઇન્ટની અફરાતફરી જોવા મળી હતી. નિફ્ટી પણ આજે આગ ઝરતી તેજીમાં ટ્રેડ કરતી હતી. આજે નિફ્ટીએ ઇન્ટ્રાડેમાં ફરી એકવાર 23000ની સપાટી ઓળંગી હતી અને દિવસ દરમિયાન 23,281.85નો હાઇ બનાવ્યો હતો. સરકીને 22,789.05ના લેવલે આવી ગઇ હતી. બેંક નિફ્ટીમાં 480થી વધુ અને નિફ્ટી મિડકેપ–100માં 700થી વધુ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. આજે તેજીમાં વોડાફોન–આઇડીયા, રામકો સિમેન્ટ, એમએન્ડએમ, બિરલા સોફ્ટ ટેક, રિલાયન્સ, ઇન્ફોસીસ, એચડીએફસી બેંક સહિતની કંપનીઓના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ, મેટ્રો પોલીસ, ગ્લેન માર્ક, તેજ ઇન્ડસ્ટ્રીઝ સહિતની કંપનીઓના શેરોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 1428 પોઇન્ટના ઉછાળા સાથે 76,502 અને નિફ્ટી 417 પોઇન્ટના ઉછાળા સાથે 23,233 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. બૂલીયન બજારમાં મંદી જોવા મળી રહી છે. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો દેખાયો છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં સામાન્ય મજબૂતી દેખાઇ રહી છે.