સેન્સેકસમાં 500થી વધુ અને નિફટીમાં 140 પોઈન્ટની અફરા-તફરી: સેન્સેક્સે 56118.57 અને નિફટીએ 16701.85ની લાઈફ ટાઈમ હાઈ સપાટી હાસલ કર્યા બાદ બજારમાં વેંચવાલીનો દૌર શરૂ થતાં મંદીનો પવન ફૂંકાયો
ભારતીય શેરબજારના મુખ્ય આગેવાન ઈન્ડેક્ષ સેન્સેકસે માત્ર ચાર જ ટ્રેડીંગ સેશનમાં આજે ઉઘડતી બજારે 55 હજારથી લઈ 56 હજાર સુધીની સફર પાર કર્યા બાદ નવો 56118.17નો લાઈફ ટાઈમ હાઈ બનાવ્યો હતો જ્યારે નિફટી પણ આજે નવી 16701.85ની સર્વોચ્ચ સપાટી હાસલ કરવામાં સફળ રહી હતી. બન્ને આગેવાન ઈન્ડેક્ષે સર્વોચ્ચ સપાટી હાસલ કર્યા બાદ બજારમાં વેચવાલીનું દબાણ વધતા મંદીનો કડાકો બોલી ગયો હતો. સેન્સેકસમાં 500થી વધુ જ્યારે નિફટીમાં 140થી વધુનો કડાકો બોલી ગયો હતો.
સેન્સેકસે ગત શુક્રવારે 55 હજારની સપાટી ઓળંગી હતી. ચાર જ ટ્રેડીંગ સેશનમાં સેન્સેકસે 1000 પોઈન્ટના ઉછાળા સાથે 55 હજારથી 56 હજાર સુધીની સફર સફળતાપૂર્વક કાપી હતી. આજે ઉઘડતી બજારે સેન્સેકસમાં જબરો ઉછાળો આવતા 56 હજારની પાર સેન્સેકસ પહોંચી ગયો હતો. જ્યારે નિફટીમાં પણ આગ ઝરતી તેજી જોવા મળી હતી. તમામ તરફથી સાનુકુળ વાતાવરણના કારણે બજારમાં તેજીના ઘોડાપુર જોવા મળ્યા હતા. જો કે, ઉંચા મથાળે વેંચવાલીનું દબાણ વધવાના કારણે બપોરે બજાર ભાંગીને ભુક્કો થઈ ગયું હતું. એક તબક્કે 56118.57ની સર્વોચ્ચ સપાટી હાસલ કરનાર સેન્સેકસ 500થી વધુ પોઈન્ટના કડાકા સાથે 55617.17એ આવી ગયો હતો. જ્યારે નિફટીએ આજે 16701.85ની લાઈફ ટાઈમ હાઈ સપાટી હાસલ કર્યા બાદ 140 પોઈન્ટનો કડાકો બોલતા નિફટી પણ ઈન્ટ્રાડેમાં 16561.85એ પહોંચી જવા પામી હતી. બજારમાં 500થી વધુ પોઈન્ટની અફરા-તફરીના કારણે રોકાણકારોમાં ભારે હતાશા વ્યાપી જવા પામી છે.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 146 પોઈન્ટના કડાકા સાથે 55646 અને નિફટી 44 પોઈન્ટના ઘટાડા સાથે 16570 પર કામકાજ કરી રહી છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 6 પૈસાની મજબૂતાઈ સાથે 74.28 પર ટ્રેડ કરી રહ્યો છે. બુલીયન બજારમાં સામાન્ય તેજી વર્તાઈ હતી.