આ વર્ષે સેન્સેક્સ ૫૦ હજારની સપાટી ઓળંગે તેવી પ્રબળ સંભાવના : અમેરિકી બજારે લાઈફ ટાઈમ હાઈ સપાટી હાંસલ કરતા અને પ્રિ-બજેટ રેલીના કારણે બજારમાં તેજીનો માહોલ રિલાયન્સ, કોટક, મહિન્દ્રા અને ઈન્ફોસીસના નવ માસિક પરિણામ પૂર્વે જ બજારમાં શરૂ થયો તેજીનો દૌર
ભારતીય શેરબજારે આજે ઉઘડતી બજારે જ ઈતિહાસ રચી દીધો છે. સેન્સેકસે પ્રથમવાર ૪૨,૦૦૦ની સપાટી ઓળંગી છે તો નિફટીએ પણ આજે લાઈફ ટાઈમ હાઈ હાંસલ કર્યો હતો. અમેરિકી બજાર ડાઉ-જોન્સે આજે સર્વોચ્ચ સપાટી હાંસલ કરતા અને કેન્દ્રિય બજેટ પૂર્વે જ પ્રિ-બજેટ રેલીનાં કારણે બજારમાં તેજીનો માહોલ બરાબર જામ્યો છે. રિલાયન્સ, કોટક બેંક, એચડીએફસી બેંક અને ઈન્ફોસીસનાં ૯ માસિક પરિણામ જાહેર થાય તે પૂર્વે જ બજારમાં તેજી શરૂ થતા રોકાણકારોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે.
છેલ્લા ઘણા દિવસોથી સેન્સેકસ ૪૨,૦૦૦ની સપાટીને હાંસલ કરવા માટે સતત મથતો હતો. આ વર્ષે સેન્સેકસ ૫૦,૦૦૦ની સપાટી ઓળંગે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. આ દિશામાં જાણે બજાર આગળ વધી રહ્યું હોય તેમ ઉઘડતી બજારે જ સેન્સેકસ, નિફટીમાં પણ તેજીનો પવન ફુંકાયો હતો. સેન્સેકસે પ્રથમવાર ૪૨,૦૦૦ની સપાટી ઓળંગતા રોકાણકારોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી હતી. સેન્સેકસે આજે ઈન્ટ્રા-ડેમાં ૪૨૦૫૯.૪૫ની હાઈ સપાટી બનાવી હતી જે લાઈફ ટાઈમ હાઈ છે જયારે નિફટીએ પણ આજે ૧૨,૩૮૯ પોઈન્ટનો નવો હાઈ બનાવ્યો હતો. અમેરિકી શેરબજાર ડાઉ-જોન્સમાં પણ તેજીનો તોખાર જોવા મળી રહ્યો છે.
ગઈકાલે ડાઉ-જોન્સે લાઈફ ટાઈમ હાઈ સપાટી હાંસલ કરી હતી જેની અસર મુંબઈ શેરબજાર પર પણ પડી હોય તેવું જાણકારો માની રહ્યા છે. દરમિયાન કેન્દ્રિય બજેટ જાહેર થવાના આડે હવે ગણતરીનાં જ દિવસો બાકી રહ્યા છે. બજેટમાં દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલા લેવામાં આવે તેવી સંભાવનાની આશા સાથે શેરબજારમાં પ્રિ-બજેટ રેલી શરૂ થવા પામી છે. આગામી દિવસોમાં રિલાયન્સ, કોટક બેંક, એચડીએફસી બેંક અને ઈન્ફોસીસ જેવી ચાર મોટી કંપનીઓનાં નવ માસિક પરિણામ જાહેર થવાના છે જે સારા રહે તેવી સંભાવના દેખાતા બજારમાં તેજી જોવા મળી રહી છે. આજે તેજીમાં આઈસર મોટર્સ, યશ બેંક, નેશલે અને પાવર ગ્રીડ કોર્પોરેશનનાં શેરનાં ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો તો તેજીમાં પણ વેદાન્તા, ટાટા સ્ટીલ, જે.એસ.ડબલ્યુ સ્ટીલ અને એનસીપીસીના શેરનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકી ડોલર સામે રૂ પિયામાં ૧ પૈસા જેવો સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે તો ક્રુડ બેરલ પણ નજીવા ઉછાળા સાથે કામકાજ કરી રહ્યા છે. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ ૪૮ પોઈન્ટનાં ઉછાળા સાથે ૪૧૯૨૧ અને નિફટી ૬ પોઈન્ટનાં ઉછાળા સાથે ૧૨૩૪૯ પોઈન્ટ પર કામકાજ કરી રહ્યા છે.