ફાર્મા સિવાયનાં સેકટરોમાં મંદીની મોકાણ: મીડકેપ અને સ્મોલ કેપમાં વેચવાલીનું જોર વઘ્યું
મહામારીની સ્થિતિમાં શેરબજારમાં વધુ એક કડાકાનો ભોગ રોકાણકારો બની ચુકયા છે. આજે બજારમાં ફરીથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસનાં કારણે વૈશ્ર્વિક સ્તરે અર્થતંત્ર નબળુ પડતા ભારતમાં ઈમ્પોર્ટ એકસપોર્ટ લગભગ બંધ થઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાય છે. બીજી તરફ ફાર્મા સેકટર સિવાયનાં અન્ય સેકટરમાં મંદીની મોકાણ બરકરાર રહી છે. આજે બજારમાં ફરીથી ૯૦૦ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. આ લખાય છે ત્યારે એકસીસ બેંક, બજાજ ફાયનાન્સ, ઈન્ડુસીંગ બેંક, મારૂતી, ટાટા સ્ટીલ અને આઈસીઆઈસીઆઈ બેંક સહિતની સંસ્થાઓનાં શેરમાં ૭.૫૦ ટકા સુધીનું ગાબડુ જોવા મળ્યું છે. ટોચના શેરમાં એશિયન પેઈન્ટ, નેસ્લે, સનફાર્મા અને હિન્દુસ્તાન લીવર સિવાય અન્ય કોઈ શેર ગ્રીનમાં ટ્રેડ થઈ રહ્યા નથી જોકે શિપલા, ડોકટર રેડ્ડી, ઈન્ફ્રાતેલ, યુકો બેન્કનાં શેરમાં મહદઅંશે તેજી જોવા મળી છે. વિપ્રો, જીલ, વેદાંન્તા, યુપીએ, ટાઈટન, ટેક મહિન્દ્રા, ટીસીએસ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, શ્રી સિમેન્ટ, એસબીઆઈ સહિતનાં શેરમાં મસમોટા ગાબડા પડી ગયા હોવાનું જાણવા મળે છે.
અત્રે નોંધનીય છે કે, વૈશ્ર્વિક સ્તરે મંદીના માહોલની અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે. સેન્સેકસ ફરીથી ૩૦,૭૫૦ નજીક પહોંચી ગયો છે. નિફટી-ફિફટીમાં ૨૫૦ પોઈન્ટનુ ગાબડુ જોવા મળ્યું છે. નિફટી-ફિફટી ૯ હજારની સપાટી નજીક છે. મીડ કેપ અને સ્મોલ કેપમાં વેચવાલીનું જોર જોવા મળ્યું છે.