નિફટીમાં પણ ૨૨૫ પોઈન્ટનો તોતીંગ કડાકો: સેન્સેકસે ૩૭,૦૦૦ પોઈન્ટની સપાટી તોડતા રોકાણકારોનાં અબજો રૂપિયાનું ધોવાણ: ડોલર સામે રૂપિયો ૨૫ પૈસા તુટયો
ભારતીય શેરબજારમાં આજે મંદીની મોકાણ સર્જાય છે. સવારથી સેન્સેકસ અને નિફટી રેડ ઝોનમાં કામ કરી રહ્યાં છે. સેન્સેકસે ૩૭૦૦૦ પોઈન્ટની સપાટી તોડતા રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ ૭૫૮ અને નિફટી ૨૨૫ પોઈન્ટનાં તોતીંગ કડાકા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. ડોલર સામે રૂપિયામાં પણ ૨૫ પૈસા જેવી તોતીંગ નબળાઈ જોવા મળી રહી છે. એક જ દિવસમાં મોટો કડાકો બોલતાં રોકાણકારોનાં અબજો રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે.
કેન્દ્રમાં બીજી વખત પૂર્ણ બહુમતી સાથે મોદી સરકાર સતારૂઢ થયા બાદ શેરબજારની જાણે માઠી બેઠી હોય તેમ બજારમાં તેજીનો માહોલ ધોવાઈ ગયો છે. સેન્સેકસ અને નિફટી સતત નીચા મથાળે રહ્યા છે. આજે સવારે ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટી તોતીંગ કડાકા સાથે ખુલ્યા હતા. રોકાણકારોએ વેચવાલીનો દૌર ચાલુ રાખતા મંદી વધુ વિકરાળ બની હતી. સેન્સેકસે ૩૭૦૦૦ પોઈન્ટની મનોવૈજ્ઞાનિક સપાટી તોડતા રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. નિફટીએ પણ આજે ૧૧૦૦૦ પોઈન્ટની સપાટી તોડી તમામ સેકટરનાં ઈન્ડેકસો રેડ ઝોનમાં જોવા મળી રહ્યા છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ ૨૫ પૈસાનાં ઘટાડા સાથે ૬૯.૦૪ પર ટ્રેડ કરી રહ્યો છે. આજે સ્મોલકેપ, મીડકેપ, બેંક નિફટીમાં પણ તોતીંગ કડાકા જોવા મળ્યા હતા. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ ૭૫૮ પોઈન્ટનાં કડાકા સાથે ૩૬,૭૨૩ અને નિફટી ૨૨૫ પોઈન્ટનાં કડાકા સાથે ૧૦,૮૯૨ પર કામકાજ કરી રહ્યાં છે.