- વડાપ્રધાનના સંસદમાં નિવેદન બાદ એલઆઇસીના શેરના ભાવમાં ઉછાળો: સેન્સેક્સમાં 600થી વધુ અને નિફ્ટીમાં 160 પોઇન્ટથી વધુનો કડાકો
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આજે સતત છઠ્ઠી વખત વ્યાજના દરો યથાવત રાખતા શેરબજારમાં મંદીનો માહોલ છવાયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં તોતીંગ કડાકા બોલી ગયા હતા. સેન્સેક્સે ઇન્ટ્રાડેમાં 72 હજારની સપાટી તોડી હતી. દરમિયાન ગઇકાલે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નિવેદન બાદ આજે એલઆઇસીના શેરમાં સારો એવો ઉછાળો નોંધાયો હતો.
આજે આરબીઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ધિરાણ નિતીમાં સતત છઠ્ઠી વખત વ્યાજદરોમાં કોઇપણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો ન હતો. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોય આરબીઆઇ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડો કરવામાં આવશે. તેવી અપેક્ષા શેરબજારને હતી. જો કે, આજે તમામ દર યથાવત રાખવામાં આવતા શેરબજારમાં મંદીની સુનામી જોવા મળી હતી. સેન્સેક્સમાં 900થી વધુ પોઇન્ટની અફરાતફરી રહેવા પામી હતી. આજે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ 72473.42 સુધી પહોંચી ગયા બાદ 72,000ની સપાટી તોડી 71405.38ના નીચલા લેવલે પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીએ આજે 22,000ની સપાટી ઓળંગી ઇન્ટ્રાડેમાં 22011.05ની ઉપલી સપાટી હાંસલ કર્યા બાદ 21,709.55ની નીચલી સપાટી સુધી સરકી ગઇ હતી. બેંક નિફ્ટીમાં પણ કડાકો બોલી ગયો હતો. જ્યારે નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં ઉછાળો રહ્યો હતો.
આજની મંદીમાં કમિન્સ, ટ્રેન્ટ, પાવરગ્રીડ કોર્પોરેશન, ઝી-એન્ટરટેઇન, એસબીઆઇ, પીએનબી સહિતની કંપનીના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે મેટ્રોપોલીસ, મુથુટ ફાયનાન્સ, આઇટીસી, બ્રિટાનીયા, એચડીએફસી બેંક સહિતની કં5નીઓના શેરોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 620 પોઇન્ટના ઘટાડા સાથે 71521 પોઇન્ટ જ્યારે નિફ્ટી 165 પોઇન્ટના ઘટાડા સાથે 21765 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યા છે.અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં સામાન્ય મજબૂતાઇ જોવા મળી રહી છે.