વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે,
આર્થિક અને રાજદ્વારિક રીતે ભારતના પ્રભુત્વ ને હવે વિશ્વના કહેવાતા સમર્થ દેશોએ પણ સ્વીકૃતિ આપી દીધી છે ત્યારે ચંદ્રમા પર સફળ પણે ચંદ્રયાન ત્રણના સોફ્ટ લેન્ડિંગ થી ભારત નું અવકાશી ક્ષેત્રે પણ દબદબાભેર પ્રભુત્વ ના પગરણ મંડાઈ ચૂક્યા છે અને ચંદ્રયાન ત્રણના સફળ સોફ્ટ લેડિંગ થી શરૂ થયેલી અવકાશી સફરમાં હવે ભારત અવકાશમાં અન્ય ગ્રહો પર સ માનવ યાન મોકલવાથી લઈ મંગળથી લઈ સૂર્ય સુધીના ગ્રહો સુધી પોતાની જ્ઞાન પ્રબોધિની નું વિસ્તરણ કરવા સજ બન્યું છે.
આજે વિદેશી યાત્રા થી સ્વદેશ આવેલા વડાપ્રધાન એ ઈસરો ની મુલાકાત લઇ ઇસરોના ચંદ્રયાન મિશનના તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન આપી, ચંદ્રયાન બે ના પ્રયત્નોથી લઈ ચંદ્રયાન ત્રણ ની સફળતા સુધીની તવારિક બદલ ઈસરોની કામગીરીને “વિશ્વ શ્રેષ્ઠ” ગણાવીને ચંદ્રયાન બે ના “મુન ટચ” પોઇન્ટ સ્થળને ’તિરંગા’ અને ચંદ્રયાન ત્રણના લેન્ડિંગ પોઇન્ટ ને ’શિવ શક્તિ’ નામાભિધાન કરીને ભારતીય સંસ્કૃતિ ,શ્રાવણ મહિનો અને ભગવાન શિવની ભારત વર્ષ પર રહેલી કૃપાદ્રષ્ટિને વૈશ્વિક અવકાશ જગત માં ’અમર’ બનાવીને ચંદ્રયાન બે અને ત્રણના લેન્ડિંગ પોઇન્ટ ને ગૌરવ સભર નામ આપવાની સાથે ચંદ્રયાન ત્રણના સફળ મિશનને કાયમી યાદગાર બનાવવા માટે 23 મી ઓગસ્ટ ને નેશનલ સ્પેસ ડે જાહેર કરીને વડાપ્રધાન મોદીએ ભારત માટે અવકાશમાં વિપુલ અવકાશ અને સંશોધન માટે જે મંગલ કામના કરી છે તે નિશ્ચિત પણે ધાર્યાથી વધુ અને જલ્દીથી પૂરી થશે.
21મી સદીમાં ભારત “વિશ્વગુરુ”ની ભૂમિકા માં હશે તેવી નિષ્ણાતોની ભવિષ્યવાણી હવે દરેક ક્ષેત્રમાં એક પછી એક સાચી પડી રહી છે, અવકાશ ક્ષેત્રે એક જમાનામાં રશિયા અને અમેરિકા જેવા સામર્થ્ય દેશોનું પ્રભુત્વ હતું, ભારતે અવિરત વિજ્ઞાન ટેકનોલોજી ના સમન્વય અને સંશોધનથી ઇસરો એ એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે કે અત્યારે અવકાશમાં ઉપગ્રહ છોડવા માટે આખી દુનિયા ના લગભગ તમામ દેશો અને ખાનગી કંપનીઓ ઈસરોના લોન્ચ પેડનું ઉપયોગ કરતા થયા છે.
ચંદ્રયાન માં વાપરવામાં આવેલા તમામ સ્પેરપાર્ટ સંપૂર્ણપણે સ્વદેશી ધોરણે તૈયાર કરવામાં આવ્યા છે. ચંદ્રયાન 3 ની સફળતા ભારતની અનંત અવકાશ યાત્રાના પગરણ નું પહેલું ડગલું બની રહેશે અને ભારત અવકાશ ક્ષેત્રે મોટી હરણફાળ ભરવા મક્કમ દિશામાં આગળ વધી ચૂક્યું છે તેમાં બે મત નથી. ચંદ્રયાન ની આ સફળ ગાથા વૈશ્વિક અવકાશ સંશોધન ટેકનોલોજી અને સમગ્ર રાષ્ટ્રના સંકલ્પ બળ નું પ્રતીક બની રહેશે .