વિકાસ વિરોધીઓ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા જન કલ્યાણકારી પ્રોજેકટને આવકારવાને બદલે બદનામ કરવાનો પ્રયાસ ગુજરાત હિતમાં ની: ભરત પંડયા
ભાજપા પ્રદેશ કાર્યાલય “કમલમ કોબા, ગાંધીનગર ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં લોકશાહી બચાવોના નામે સુરેશ મહેતા અને તેમના સહયોગીઓના નિવેદનો, વૃત્તિઓ, પ્રવૃત્તિઓને સખ્ત શબ્દોમાં વખોડીને તિવ્ર પ્રતિક્રિયા આપતા ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે, મહેતા ગુજરાત વિરોધી અને ગુજરાતના નેતૃત્વ વિરોધી ઇર્ષ્યાથી પિડાઇ રહ્યા છે અને એટલે માત્ર ગુજરાત અને તેના નેતૃત્વને બદનામ કરવા આવા નિરર્થક પ્રયાસો કરતા રહે છે પરંતુ તેઓને ગુજરાતની જનતા સુપેરે ઓળખે છે. ઇર્ષ્યા, હતાશા અને માત્ર નકારાત્મકતાથી ગુજરાતનું તેઓ ક્યારેય ભલુ કરી શકે તેવી માનસિક સ્થિતિમાં નથી.
પંડ્યાએ જણાવ્યુ હતુ કે, નર્મદા વિરોધીનું આ નવું સ્વરૂપ છે. સરદાર સાહેબની પ્રતિમાનો વિરોધ એ સરદાર પટેલની પ્રતિભાનો વિરોધ છે.ગુજરાત અને ગુજરાત નેતૃત્વ વિરોધી વિકૃત માનસિકતાવાળાં કેટલાંક લોકો દેશની અખંડીતતામાં અમૂલ્ય યોગદાન આપનાર એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલનું વારંવાર અપમાન કરે છે. ગુજરાતને માત્ર બદનામ કરવાના એજન્ડા લઈને ચાલનારા લોકો, ગુજરાતના નેતૃત્વની સતત ઇર્ષ્યા કરી પાણીમાંથી પોરા કાઢી ગુજરાતને યેનકેન પ્રકારે બદનામ કરવાના પ્રયાસ કરે છે તે ખૂબજ નિંદનીય બાબત છે ત્યારે મારે તેઓને કહેવુ છે કે, પાણીમાંથી પોરા કાઢવાનું બંધ કરો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત અને દેશનું ગૌરવ છે, સરદાર પટેલનું સન્માન છે. દરરોજ આશરે સાડા આઠ હજાર જેટલા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે છે. મુલાકાતીઓની સંખ્યા વધવાથી સ્વાભાવિક રીતે વધુ રોજગારીના નિર્માણ થાય છે. ગુજરાતમાં ટુરિઝમ ક્ષેત્રે પ્રમોટ કરવાનો અને રોજગારી સર્જક પ્રોજેક્ટ છે. ગુજરાત અને વિકાસવિરોધીઓ દ્વારા આવા જનકલ્યાણકારી અને ગૌરવવંતા પ્રોજેક્ટને આવકારવાને બદલે તેને બદનામ કરવાનો પ્રયાસ કરવો તે ગુજરાતના હિતમાં નથી.
નર્મદાવિરોધી હકિકતમાં ખેડૂતવિરોધી છે, તેઓ જનતાના વિરોધી છે, માતા-બહેનોના વિરોધી છે, પાણી માટે તરસતા લોકો માટેની માનવતાના વિરોધી છે અને જે લોકો સરદારના ગૌરવના વિરોધી છે, તેઓ રોજગારી અને આદિવાસીઓના જનકલ્યાણના વિરોધી છે,. હું તેઓને અપીલ કરું છું કે, જનતાને ગેરમાર્ગે દોરવાનું તથા ઉશ્કેરવાનું બંધ કરો. આ લોકશાહી બચાવો અભિયાન નથી પરંતુ ગુજરાતને બદનામ કરવાની વૃતિ અને પ્રવૃત્તિ છે, જેને ગુજરાત ભાજપા સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે તેમ પંડ્યાએ અંતમાં જણાવ્યું હતું.