કેવડીયાના નવા પ્રવાસન પ્રોજેકટસના આકર્ષણ વધતાં પ્રવાસીઓની દૈનિક સરેરાશમાં ૭૪%નો વધારો
સરદાર પટેલની પ્રતિમાનુ તા. ૩૧ ઓકટોબર ૨૦૧૮ ના રોજ રાષ્ટ્રાપર્ણ થયા બાદ તાજેતરમાંચિલ્ડ્રન્સ ન્યુટ્રિશન પાર્ક,કેકટસ ગાર્ડન,વિશ્વ વન,બટરફ્લાય ગાર્ડન,એકતા મોલ,એક્તા ઓડીટોરીયમ,બોટીંગ ફેસીલીટી,ડાયનાસોર પાર્ક (ડાયનો ટ્રેઇલ),શ્રેષ્ઠ ભારત ભવન,ઝરવાણી ઇકો ટુરીઝમ,ખલવાણી ઇકો ટુરીઝમ, ગ્લો ગાર્ડન,બજેટ ટુરિસ્ટ એકોમોડેશન,ફુડ કોર્ટ,વાઇ-ફાઇસુવિધા,અમુલ પાર્લર,લાઇટીંગ / ઇલ્યુમિનેશન,એકતા દ્વારજેવા નવા આકર્ષણોનો ઉમેરો કરવામાં આવેલ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ અનેરા પ્રવાસન આકર્ષણો ઉમેરાતા પ્રવાસીઓની સંખ્યામાં પ્રથમ વર્ષ દરમ્યાન એટલે કે ૧ નવેમ્બર ૨૦૧૮ થી ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ સુધીની દૈનિક સરેરાશ કરતાં નવેમ્બર ૨૦૧૯માં ૭૪% વધારો નોંધાયેલ છે અને આ સમયગાળા દરમ્યાન દૈનિક સરેરાશ વધીને ૧૫,૦૩૬ થવા પામી છે જે શનિ-રવિની રજાઓમાં પ્રતિ દિન ૨૨,૪૩૦ નોંધાયેલ છે. અમેરિકાના ન્યુયોર્ક ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યા દૈનિક સરેરાશ ૧૦,૦૦૦ છે!
આમ સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલમાં સરેરાશ દૈનિક પ્રવાસીઓની સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી થી પણ આગળ નીકળી ગયેલ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ૧૩૩ વર્ષ જૂનું વિશ્વ પ્રસિધ્ધ સ્મારક છે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ હજુ ૧૩ મહિના પૂર્ણ કરેલ છે.
૩૦ નવેમ્બર ૨૦૧૯ સુધી કુલ ૩૦,૯૦,૭૨૩ પ્રવાસીઓએ કેવડિયાની મુલાકાત લીધી છે જેના પરિણામે રુપિયા ૮૫.૫૭ કરોડની આવક થવા પામી છે.