૪,૬૪૭ ચો.મી. વિસ્તારમાં અદ્યતન ટેકનોલોજીયુક્ત દ્રશ્ય શ્રાવ્ય પ્રદર્શન

૭૩ ફૂટ ઊંચા આ પ્રદર્શન હોલમાં વિવિધ સંસ્થાઓમાં સંગ્રહાયેલ સામગ્રી પણ અદભૂત રીતે રજૂ કરાઈ

આઝાદી પછી અખંડ ભારતના નિર્માણની સમગ્ર પ્રક્રિયા વિશેની તૈયાર થયેલ ૧૬ ફિલ્મો આ પ્રદર્શનનું આકર્ષણ

સરદાર સાહેબના એકતા અખંડિતતાના મંત્રને સુદ્રઢ બનાવવા તથા સરદાર સાહેબના જીવન કવનને લોકો જાણી અને માણી શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની પીઠીકામાં ૪,૬૪૭ ચો.મી. વિસ્તારમાં અદ્યતન ટેકનોલોજીયુક્ત દ્રશ્ય શ્રાવ્ય પ્રદર્શનનું નિર્માણ કરાયું છે.

દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી આગામી ૩૧મી ઓકટોબર-૨૦૧૮ના રોજ સરદાર જયંતિના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીને રાષ્ટ્રાર્પણ કરશે એ જ વેળાએ વડાપ્રધાન આ પ્રદર્શનને ખુલ્લુ મુકીને પ્રદર્શન નિહાળશે. આ પ્રદર્શનમાં સરદાર સાહેબના જીવનની ઝરમર તથા તેમના કાર્યોની લેવાયેલ શ્રેષ્ઠ નોંધો કે જે વિવિધ સંસ્થાઓ દ્વારા સંગ્રહ કરાઈ છે તેને પણ અહીં અદભૂત રીતે પ્રદર્શિત કરાઈ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પીઠીકામાં ૪,૬૪૭ ચો.મી. ક્ષેત્રફળ વિભાગમાં તૈયાર કરાયેલા આ પ્રદર્શન હોલમાં ૧૮ ફૂટ ઊંચી, સરદાર સાહેબની અદભૂત કાંસ્યની પ્રતિમા પર્યટકોને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઝાંખી કરાવશે, એક વીડિયો વોલ ઊભી કરાઈ છે આ વીડિયોવોલ ઉપર સરદાર સાહેબની વિરાટતમ પ્રતિમાના નિર્માણની સમગ્ર પ્રક્રિયાનું નિદર્શન દર્શાવશે. જેમાંથી સહેલાણીઓને સમગ્ર માહિતી મળી રહેશે. સાથેસાથે એક ઓડિયો-વીડિયો કિયોસ્ક તૈયાર કરાયું છે.

જેમાં આ વિરાટતમ પ્રતિમાના નિર્માણમાં દેશભરના લોકોને જોતરવા માટે વિવિધ રાજયોમાંથી લોખંડ અને માટીનું એકત્રિકરણ કરાયું હતું તેની વિસ્તૃત વિગતો ટેકનોલોજીસભર કિયોસ્કમાં મૂકવામાં આવી છે.

૭૩ ફૂટ ઊંચા આ પ્રદર્શન હોલમાં નેશનલ આર્કાઈવ્સ ઓફ ઈન્ડિયા, નહેરુ મેમોરિયલ, રાષ્ટ્રપતિ ભવન, નેશનલ ગાંધી મ્યુઝિયમ, મીડલ ટેમ્પલ લંડન, ભારતીય વિદ્યાભવન મુંબઈ, મહારાષ્ટ્ર આર્કાઈવ્સ મણિભવન મુંબઈ, સાબરમતિ આશ્રમ અમદાવાદ, સ્વરાજ આશ્રમ બારડોલી અને અમદાવાદ, ગુજરાત વિદ્યાપીઠ, વીર વિઠ્ઠલભાઈ પટેલ અને સરદાર હાઉસ કરમસદ, સરદાર પટેલ યુનિ. વલ્લભ વિદ્યાનગર, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર, હૈદ્રાબાદના સ્ટેટ આર્કાઈવ્સ, સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રસ્ટ જંતરમંતર, પાર્લામેન્ટ મ્યુઝિયમ, પાર્લામેન્ટ લાયબ્રેરી, ઓલ ઈન્ડિયા રેડિયો, નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન, એમ.જે લાયબ્રેરી અમદાવાદ સહિતની સંસ્થાઓમાં સંગ્રહાયેલી અભિલેખીય સામગ્રી પણ અહીં રજૂ કરાઈ છે.

સાથે સાથે વીડિયોમાં સરદાર સાહેબના વાસ્તિવક ફૂટેજ પણ રજૂ કરાયા છે. તેમજ ટ્રસ્ટ દ્વારા અખંડ ભારતના નિર્માણમાં વિવિધ રાજયોના વિલીનીકરણની ઘટનાઓને લોકો જાણી શકે તે માટે રાજયના પ્રખ્યાત નિર્દેશકો દ્વારા ૧૬ ફિલ્મો પણ તૈયાર કરાઈ છે. જે પણ અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. ઉપરાંત સરદાર સાહેબને લગતા પ્રસિદ્ધ પુસ્તકો પણ અહીં લાયબ્રેરીમાં મૂકાયા છે.

આ ઉપરાંત સરદાર સાહેબના અંગ્રેજ સરકાર સામેનો સંઘર્ષ, દેશના વિભાજન અંગે, દેશી રજવાડા એકત્રિકરણ, શૂણ-પાણેશ્વર સેન્ચ્યુરી, આદિજાતિ લોકોની જીવન શૈલી અને સંસ્કૃતિ, સરદાર સરોવર ડેમ સહિતના વિવિધ વિષયોના ફોટાઓ તથા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા રજૂ કરાયા છે જે માણવાનો અનમોલ અવસર છે.

વાયુસેના દ્વારા આકાશમાં ત્રિરંગાની નયનરમ્ય પ્રતિકૃતિની રચના અને પુષ્પવૃષ્ટિ કરાશેCapture 3સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકને તા. ૩૧મી ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જયંતિ પ્રસંગે વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી રાષ્ટ્રને અર્પણ કરશે ત્યારે ભારતીય વાયુ સેના ફ્લાય પાસ કાર્યકમ દ્વારા આ વૈશ્વિક ઘટનાને યાદગાર બનાવશે.

આ ફ્લાય પાસ કાર્યકમ અંતર્ગત વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી આ સ્મારકના સ્થળ ઉપર પહોંચીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ માટે બટન દબાવશે તે જ ક્ષણે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણની ટીમ સાધુ બેટના આકાશમાં ગગનભેદી નાદ સાથે ઉપસ્થિત થશે અને ભારતીય તિરંગાની પ્રતિકૃતિથી સમગ્ર આકાશને કેસરી, સફેદ અને લીલા રંગથી ભરી દેશે.

નર્મદા મૈયાના કુદરતી સાનિધ્યમાં ૨૫૦ ટેન્ટનું વિશાળ નગરનું નિર્માણ કરાયુPKIF3524 1સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં નિર્માણાધિન ટેન્ટ સીટી દેશભરના સહેલાણીઓ માટે અનેરો લ્હાવો પૂરો પાડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આ સ્મારકનું ૩૧મી ઓક્ટોબરે લોકાર્પણ થશે. આ સ્થળને વૈશ્વિક સ્તરે પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત કરવા માટે અનેક નવતર આયામો ઊભા કરાયા છે. આ સ્થળની મુલાકાત લેનારા પ્રવાસીઓને કુદરતનું સાનિધ્ય મળી રહે અને પ્રવાસીઓને અહીં રોકાવાનું મન થાય તેવું વાતાવરણ સર્જાયું છે.

પૂર્ણ સલિલા નર્મદા નદીના કુદરતી  સૌન્દર્યની વચ્ચે ટેન્ટ સીટીનું નિર્માણ કરાયું છે. તળાવ નં -૩ અને  તળાવ  નં -૪ના કિનારે પચાસ હજાર ચો.મી. અને વીસ હજાર ચો. મી. એમ બે સ્થાન ઉપર આ ટેન્ટ સીટી આકાર લેશે. આ ટેન્ટ સીટીમાં જરૂરી માળખાકીય સુવિધાઓ, રોડ, વીજળી, પીવાનું પાણી જેવી શ્રેષ્ઠ સગવડો ઉપરાંત સમથળ જમીન ઉપર વિવિધ ભૂમિદ્રશ્યો ઉભા કરવામાં આવ્યા છે. તળાવ નં. ૪ નજીકના પ્રથમ ટેન્ટ સીટીમાં પચાસ ટેન્ટ અને તળાવ નં. ૩ના કિનારે આવેલા બીજા ટેન્ટ સીટીમાં ૨૦૦ ટેન્ટ બાંધવામાં આવ્યા છે. પ્રવાસીઓને ટેન્ટ સીટી ખાતે વડોદરાથી જવા આવવાની વ્યવસ્થા તથા સ્થાનિક ફરવાલાયક સ્થળોની મુલાકાત જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.