શાળા નં.૯૪ના તમામ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાશે
‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તી સુધી મંડયા રહો’ દેશના યુવાનોમાં નવી શકિતનો સંચાર કરતો મંત્ર આપનાર સ્વામી વિવેકાનંદજીની ૧૫૪મી જન્મજયંતિ અંતર્ગત તેમના વિચારો વિશાળ ફલક પર વિસ્તરે એ હેતુના પ્રચાર-પ્રસાર અર્થે તા.૧૨ને શુક્રવારના રોજ સવારે ૧૦ વાગ્યે કોટેચા ચોક ખાતે આવેલી સ્વામીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણનો કાર્યક્રમ બૃહદ રાજકોટ પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા રાખવામાં આવ્યો છે. જેમાં સ્વામિ વિવેકાનંદજીના વિચારોને વરેલા તમામ ભાઈ-બહેનો યુવાનોને આમંત્રણ પાઠવવામાં આવે છે.
આ કાર્યક્રમ બાદ બપોરે ૧૨ વાગ્યે ગુંજન પાર્ક મેઈન રોડ ઉપર આવેલી રાજારામ મોહનરાય પ્રાથમિક શાળા નં.૯૪ ખાતે ધો.૧ થી ૮ના તમામ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ રાખેલ છે. ઉપરાંત સ્વામી વિવેકાનંદ વકતૃત્વ સ્પર્ધામાં વિજેતા થનારા આ શાળાના બાળકોને વિશેષ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. આ પ્રસંગે શહેરના પ્રબુઘ્ધ નાગરિકો અને મહેમાનો ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા બૃહદ રાજકોટ પ્રતિષ્ઠાન સંસ્થાના મનસુખભાઈ કાલરીયા, રાજુભાઈ જુંજા, હિરેનભાઈ પટેલ, અભિષેકભાઈ તાળા, મયંકભાઈ હાથી, અંકુરભાઈ ધામેલીયા, અજયભાઈ પ્રજાપતિ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.