રાજ્યની દૂધસાગર ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોના લાભાર્થે સામાન્ય સભામાં ભાવફેર આપવાનો ઠરાવ કરાયો છે. આજે મળેલી ડેરીની સામાન્ય સભામાં ઠરાને મંજૂરી આપી નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પગલે ડેરી સાથે સંકળાયેલા દૂધ ઉત્પાદકોને રૂપિયા 160 કરોડનો ભાવ ફેર મળશે.
દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન મોઘજી ચૌધરીએ જણાવ્યું કે ગત વર્ષે અમે રૂપિયા 120 કરોડનો ભાવ વધારો આપવામાં આવ્યો હતો. અમે આજે મળેલી સાધારણ સભામાં ઠરાવ કર્યો છે કે આ વર્ષે 25-30 ટકાનો વધારો કર્યો છે જેના લીધે ખેડૂતોને રૂપિયા 160 કરોડનો ભાવ વધારો અપાશે.
મોઘજી ચૌધરીએ વધુમાં જણાવ્યું કે દૂધસાગર ડેરીની તંદુરસ્તી સારી છે. અમારા વિરોધીએ અમને બદનામ કરવાનો અનેક પ્રયાસો કરવામાં આવે તો પણ દેશ-વિદેશમાં ડેરીની પ્રોડક્ટ જઈ રહી છે અને ડેરીની તંદુરસ્તી મજબૂત છે.
ડેરી દ્વારા ચોક્કસ ભાવે દૂધ ખરીદવામાં આવતું હોય છે જેમાં વર્ષના અંતે સામાન્ય ખરીદી ભાવ નક્કી કરાય છે અને તેને લાગુ કરી અને એ ભાવ મુજબ ખેડૂતોને વધારો આપવામાં આવે છે. મોઘજી ચૌધરીના જણાવ્યા મુજબ આ ભાવ વધારો લાગુ પડતા આ વર્ષે દૂધ ખરીદીના મિનિમમ ભાવ 700 રૂપિયા રહે તેવી વકી છે.