ગુજરાત રાજ્યના ચીફ કમિશનર ઓફ જી.એસ.ટી અને હાલમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડયૂટી ફોર એસ્ટાબ્લીશમેન્ટ ઓફ કોવિડ હોસ્પિટલ્સ ઈન સ્ટેટ  જે.પી ગુપ્તાએ આજરોજ જામનગરની કોવિડ હોસ્પિટલોની મુલાકાત લીધી હતી તેમજ જી.જી.હોસ્પિટલ ખાતે કલેક્ટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, કમિશનર સતીશ પટેલ, રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર ડો. રૂપાલી મહેતા અને હોસ્પિટલના ડીન નંદિની દેસાઇ તેમજ સુપ્રિટેન્ડન્ટ નંદીની બાહરી અને ડોક્ટરો સાથે બેઠક યોજી હતી.

જામનગર ખાતે કોરોના વાઈરસના સંક્રમણના નિદાન અને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ૭૦૦ બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારના નિયમ અનુસાર હાલમાં ૧૦૦ બેડની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે જેને આવશ્યકતા અનુસાર ૭૦૦ બેડ સુધીની વ્યવસ્થામાં પરિવર્તિત કરવા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવેલ છે તેમજ જામનગરના આર્મી કેમ્પ ખાતેની આર્મી હોસ્પિટલને પણ ૧૦૦ બેડની કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. કમિશનરએ બંને હોસ્પિટલની મુલાકાત લીધી હતી તેમજ વોર્ડ, બેડ તેમજ આવશ્યકતાની વસ્તુઓ વિશે ડોક્ટરો સાથે ચર્ચા કરી આવશ્યક સૂચનો કર્યા હતા.હોસ્પિટલની મુલાકાત દરમિયાન ચીફ કમિશનર એ ફ્લુ ઓપીડી, કોવિડ માટે બનાવેલા સ્પેશ્યલ વોર્ડ, હોસ્પિટલ ખાતે સેમ્પલ કલેક્શન માટેનું બોક્સ વગેરેનું નિરીક્ષણ કર્યું હતું.

મુલાકાત દરમિયાન ચીફ કમિશનરએ કહ્યું હતું કે,સમગ્ર દેશમાં કોરોનાના કારણે ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન થઇ છે તે પરિસ્થિતિનો સામનો કરવા માટે સોશિયલ ડિસ્ટન્સીંગ,પર્સનલ હાઇજીન થી માંડીને કોઈપણ વ્યક્તિને આ પ્રકારનો ચેપ લાગે અને તેને યોગ્ય સારવાર મળી રહે તે માટેની સગવડો રાજ્યના દરેક જિલ્લામાં ઉપલબ્ધ રહે તે માટેની સુચનાઓ મુખ્યમંત્રીએ આપી છે. આ સૂચનાઓ અનુસંધાને જિલ્લાના વહીવટીતંત્રે કલેકટરના અધ્યક્ષ સ્થાને હોસ્પિટલની સગવડ ઉભી કરી છે જેનાથી દરેકે દરેક પેશન્ટને બાહ્ય સારવાર એટલે કે ઓ.પી.ડી અને તેને હોસ્પિટલે દાખલ કરવાનો પ્રસંગ થાય ત્યારે આઇ.પી.ડી હોય દરેક સારવાર લોકોને નિશુલ્ક મળી રહે તે માટેના એક્સક્લુઝિવ હોસ્પિટલો રાજ્યમાં સ્થાપવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે ૩૧ જેટલા ખાનગી હોસ્પિટલોની પણ સ્થાપવામાં આવી છે. જેમાં જામનગરમાં મેડિકલ કોલેજની એક મોટી ફેસીલીટી છે જેને જરૂર પડ્યે વધુ બેડ સાથે કોવિડ માટેની વ્યવ્સ્થામાં પરિવર્તિત પણ કરી શકાય તેને  એક્સક્લુઝિવલી આઈડેન્ટિફાય કરીને બધી જ આંતરમાળખાકીય સુવિધાઓ તેમાં પૂર્તિ કરવામાં આવી છે. આ દરેક સુવિધાની મુલાકાત લઇ કમિશનરએ સંતોષ દર્શાવતા કહ્યું હતું કે,જામનગર જિલ્લા અને આજુબાજુના વિસ્તારોમાં કોઈપણ સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા માટે આ હોસ્પિટલ એક મોટો ભાગ ભજવી શકે છે અને સાથે જ લોકો સંપૂર્ણ તકેદારી રાખે જેથી આજ સુધીમાં જામનગર જિલ્લામાં આજુબાજુમાં ક્યાંય પોઝિટિવ પેશન્ટ મળેલ નથી તો આવનારા દિવસોમાં પણ પોઝિટિવ પેશન્ટના મળે તે માટે લોકો સંપૂર્ણ તકેદારી લે.

આ તકે કલેકટર રવિશંકરે કહ્યું હતું કે, લોકો હાલમાં હાથ બનાવટના અને વિવિધ પ્રકારના અનેક માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે લોકો આ માસ્કને કોર્પોરેશનની વાનમાં તેના અલગ પેકેટમાં જ ડિસ્પોઝ કરે, ભવિષ્યમાં પણ કોઈ કોવિડનો એક્ટિવ કેસના થાય તે માટે લોકો માસ્કને વ્યવસ્થિત રીતે ડીસ્પોઝ કરવામાં મદદરૂપ બને.

આ મુલાકાતમાં જી.જી.હોસ્પિટલના ડો. મનીષ મહેતા, ડો. એસ.એસ.ચેટરજી. ડો. દિપક તિવારી, ડો. ભદ્રેશ વ્યાસ, ડો. નલીની આનંદ, લેફ્ટનન્ટ કર્નલ  કે.આર. મજુમદાર, લેફ્ટનન્ટ કર્નલ  એ.કે. શર્મા, નોડલ ઓફિસર કોરોના વાઇરસ કેપ્ટન પ્રતિક કાલરીયા, એડમીનીસ્ટ્રેટીવ ઇન્ચાર્જ લેફ્ટનન્ટ કર્નલ  રાજેશ.આર ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.