સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, કચ્છ, જુનાગઢ, ભાવનગર, ગાંધીનગર, બરોડા, ગોધરામાં કાયમી કુલપતિની નિમણુંકનો તખ્તો ગોઠવાશે
જાન્યુઆરીમાં એક અને ફેબ્રુઆરીમાં ૨ યુનિવર્સિટીના કુલપતિની ટર્મ થાય છે પુરી: ૩ યુનિવર્સિટીમાં ઇન્ચાર્જથી ગાડુ ગબડાવાય છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યભરની ૮ યુનિવર્સિટી આગામી ફેબ્રુઆરી માસ દરમિયાન કુલપતિ વિહોણી થઈ જશે . ત્યારે હવે રાજ્ય સરકારે કાયમી કુલપતિની નિમણુંકનો તખ્તો ઘડી કાઢ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ૧૦ માસથી કાર્યકારી કુલપતિ વહીવટ સાંભળી રહ્યા છે ત્યારે ખાડે ગયેલો વહીવટ સુધારવા તાકીદે કાયમી કુલપતિની નિમણુંક કરવામાં આવે તેવું શિક્ષણ વિદોની સાથે વિદ્યાર્થીઓ પણ ઈચ્છી રહ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત ૨૮ ફેબ્રુઆરીના કાયમી કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણની ૩ વર્ષની ટર્મ પુર્ણ થતા તેમના સ્થાને કાર્યકરી કુલપતિ ડો.કમલ ડોડીયાને નિયુક્ત કરાયા હતા જોકે તેમનો વહીવટ નબળો નિવળતા ૩ માસ બાદ તેમને હટાવી હોમ સાયનસ વિભાગના વડા ડો.નિલાંબરી દવેને વહીવટ સોપાયો હતો.જોકે તેમના વહીવટી દરમિયાન વહીવટી સાથે કિન્નખોરી, સમિતિઓની નિમણુંકમાં પતિને શિરપાવ અને સિન્ડિકેટ સભ્ય આર્ટસ ફેકલ્ટીના ડીન એવા ડો.પ્રવિનસિંહ ચૌહાણને એક પણ કમીટીમાં સ્થાન ન આપી વિવાદ સર્જ્યો હતો. ત્યારબાદ પીડિતાની જાતિય સતામણી કરતા પ્રો.ડો.નિલેશ પંચાલ સામેની ફરિયાદને સાત સાત દિવસ સુધી દબાવી રાખવી અને છેલ્લે સિન્ડિકેટના ઠરાવની વિરુદ્ધ બાયો સાયન્સ ભવનના નિવૃત્ત પ્રો.એસ.વી.ચંદાને પરત લેવા સહિતના વિવાદોથી ઘેરાયેલા કાર્યકારી કુલપતિને હટાવી નવા કાયમી કુલપતિની નિમણુંક તૈયારીમાં છે.
આ સાથે અન્ય યુનિવર્સિટીની વાત કરીએ તો, ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડો.ગીરીશ વાઘાણી અને ડો.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ ડો.અમી ઉપાધ્યાય ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો.જે.પી.મૈયાણી અને ગોધરાની ગુરુગોવિંદ યુનિવર્સિટીના કુલપતિ ડો.મહેન્દ્ર પાડલિયાની ટર્મ આગામી ૨ ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થાય છે ત્યારે કરછની ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીના કાયમી કુલપતિ સી.બી.જાડેજાની ટર્મ ૩ જાન્યુઆરીએ પુરી થાય છે . દરમિયાન ગાંધીનગરની બાળ વિશ્વ વિધાલયના કુલપતિ કે.એસ.લિખિઆની ટર્મ જાન્યુઆરી ૨૦૧૯માં અને વડોદરાની એમ.એસ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પરિમલ વ્યસની ટર્મ આગામી ૧૧ ફેબ્રુઆરીના પૂર્ણ થાય છે ત્યારે આ તમામ યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની સત્વરે નિમણુંક કરવામાં આવે તો વિશ્વવિદ્યાલયોની ગાડી ફરી પાટા પર આવે.
તાજેતરમાં જસદણ વિધાનસભાની ચૂંટણીને કારણે કાયમી કુલપતિની નિમણુંક ઘોંચમાં પડી હતી. આચારસંહિતાને લીધે મોટાભાગના નિર્ણય અટકી પડ્યા હતા ત્યારે હવે આચારસંહિતા પૂર્ણ થતાં જ જાન્યુઆરી માસમાં સરકાર નવા કાયમી કુલપતિની નિમણુંક કરે તેવું લાગી રહ્યું છે.