રાજકોટમાં પણ વાદળછાયું વાતાવરણ: સુરેન્દ્રનગર પંથકમાં અનેક સ્થળોએ સામાન્ય છાંટા: જીરુ, ઘઉં, વરીયાળી સહિતના પાકને નુકસાનની ભીતિ
શિયાળાની ઋતુ વિદાય લઈ રહી છે અને ધીમા પગલે ઉનાળાનું આગમન થઈ રહ્યું છે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરતળે આજે સવારે રાજકોટ સહિત રાજયભરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અનેક સ્થળોએ વરસાદના સામાન્ય છાંટા પણ પડયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. રાજકોટમાં દિવસભર ધુપ-છાંવ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. સુરેન્દ્રનગર પંથકમાં અનેક ગામોમાં સામાન્ય છાંટા પડયા હતા. કમોસમી વરસાદના કારણે જીરું, ઘઉં, વરીયાળી સહિતના પાકોને નુકસાની થવાની ભીતિ ઉભી થઈ છે.
આજે સવારે અચાનક સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં વાતાવરણમાં પલટો નોંધાયો હતો. મોટાભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. રાજકોટ, અમદાવાદ, મહેસાણા, બરોડા, સુરત સહિતના શહેરોમાં વાદળછાયા વાતાવરણના કારણે ઠંડક પ્રસરી જવા પામી હતી. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર શહેરમાં વઢવાણ રોડ અને અન્ય શહેરી વિસ્તારમાં સામાન્ય વરસાદના છાંટા પડયા હતા. ઝાલાવાડ પંથકમાં અનેક ગામોમાં હળવા વરસાદની ઝાપટા પડયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
આ ઉપરાંત દક્ષિણ અને ઉતર ગુજરાતમાં દિયોદર, સુઈ ગામ, લાખાણી સહિતના વિસ્તારોમાં વરસાદના સામાન્ય છાંટા પડયા હતા. પાડોશી રાજય રાજસ્થાનના માઉન્ટ આબુ પર પણ આજે વરસાદ પડયો હતો. કમોસમી વરસાદના ઘઉં, જીરુ, વરીયાળી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ ઉભી થતા ખેડુતોના જીવ તાળવે ચોટી ગયા છે.