મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો મહત્વનો નિર્ણય: કોરોનાના વળતા પાણી શરૂ થતાં છુટછાટ વધારતી સરકાર
રાજ્યમાં અત્યાર સુધી લગ્ન સમારોહમાં માત્ર ૧૦૦ લોકોને એકઠા થવાની છુટ આપવામાં આવી રહી હતી. પરંતુ કોરોનાના વળતા પાણી શરૂ થતાં હવે સરકાર ધીમે ધીમે છુટછાટ વધારી રહી છે. જેમાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લગ્ન સમારોહમાં ૨૦૦ લોકોને છુટ આપવાનો નિર્ણય જાહેર કર્યો છે.
કોરોનાની મહામારીના પગલે રાજ્યમાં લોકડાઉન અમલી બન્યું હતું. ત્યારબાદ ધીમગતિએ સરકારે છુટછાટો વધારીને અર્થતંત્રને ફરી ધમધમતું કરવા તરફ ડગલા માંડ્યા હતા. હાલ સરકાર દ્વારા એક પછી એક વધારાની છુટછાટ આપવામાં આવી રહી છે. જેમાં આજે સરકારે લગ્ન સમારોહમાં લોકોને એકત્ર કરવાની મોટી છુટ આપી છે અત્યાર સુધી માત્ર ૧૦૦ લોકોને જ લગ્ન સમારોહમાં એકત્ર થવા દેવામાં આવતા હતા પરંતુ હવે લગ્ન સમારોહમાં ૨૦૦ લોકો એકત્ર થઈ શકશે. જો કે તકેદારી રાખવા અંગેના નિયમો પહેલાની જેમ જ યથાવત રાખવામાં આવ્યા છે. તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, આ અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સત્તાવાર જાહેરાત કરી છે. લગ્ન સમારોહમાં ૧૦૦ની બદલે ૨૦૦ લોકોની છુટ આપવાનું જણાવ્યું છે સાથે બંધ હોલમાં ૫૦ ટકાની ક્ષમતામાં લોકોને એકત્ર થવાનું પણ જાહેર કર્યું છે.