Table of Contents

ખાખડાબેલામાં લાંબા સમયથી ચાલતા ખનિજ ખનન અને વહન કોની મીઠી નજર અને કયા મોટા માથાના આશિર્વાદથી ચાલતુ?

અબતક દ્વારા 14 માસ પહેલાં સ્થાનિક પોલીસને જાણ કરવા છતાં ઢીલી નીતિના કારણે અબતકની ટીમ  પર જીવનુ જોખમ થયુ ’તુ

પડધરી તાલુકાના ખાખડાબેલા ગામની આજી નદીમાંથી ગેર કાયદે અને અન અધિકૃત રીતે ચાલતી ખનિજ ચોરી અંગે 14 માસ પહેલાં અબતકની ટીમ દ્વારા સ્ટીંગ ઓપરેશન કરી ખનિજ માફીયાઓને ખુલ્લા પાડયા હતા. તેમ છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરી નિષ્ક્રીય રહ્યું હતું. સ્થળ પર હાજર અબતકની ટીમના જીવનુ જોખમ હોવા અંગેની મામલતદાર અને પોલીસનું રાજકોટ અબતક કાર્યાલય ખાતેથી જાણ કરવામાં આવી હોવા છતાં ખનિજ માફીયા સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. લાંબા સમયથી ચાલતા ખનિજ ચોરીમાં કયાં મોટા માથાની સંડોવણી છે?, કોના છુપા આર્શિવાદથી ખનિજ ચોરી થતી હતી તે અંગે ઉંડી તપાસ થાય તો કેટલીક ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેમ છે.

બે હીટાચી મશીન, 7200 મેટ્રીક ટન રેતી અને ત્રણ મોબાઇલ મળી રૂ.1.09 કરોડના મુદામાલ સાથે ત્રણ ઝડપાયા: મગરમચ્છો જાળની બહાર

એસએમસીએ એસઆરપીની મદદ લઇ દરોડો પાડતા ખનિજ માફીયામાં ફફડાટ: દરોડા બાદ મામલતદાર અને ખાણ ખનિજ વિભાગને જાણ કરી

ખાખડાબેલામાં લાંબા સમયથી ચાલતી રેતી ચોરી અંગે સ્થાનિક તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા ગઇકાલે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થાનિક તંત્રની મીઠી નજર અને મોટા માથાના આર્શિવાદથી ચાલતી રેતી ચોરી કૌભાંડનો અબતક દ્વારા 14 માસ પહેલાં પર્દાફાસ કરવામાં આવ્યા બાદ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડો પાડી અબતકના સ્ટીંગ ઓપરેશનને જબ્બર સમર્થન મળ્યું છે. એસએમસી દ્વારા ખનિજ ચોરી અંગે દરોડો પાડી સ્થળ પરથી જ ત્રણ શખ્સોની ધરપકડ કરી રુા.1.09 કરોડનો મુદામાલ કબ્જે કર્યો છે.

પડધરી તાલુકાના ખાખડાબેલાના શખ્સો દ્વારા આજી-3 નદીમાંથી ગેર કાયદે અને અનઅધિકૃત રીતે રેતીની ચોરી થતી હોવાની સ્ટેટ મોનિટરીંગ સેલના પી.એસ.આઇ. સી.એન.પરમારને મળેલી બાતમીના આધારે એસઆરપી સ્ટાફના બંદોબસ્ત સાથે દરોડો પાડવામાં આવ્યો ત્યારે હીટાચી મશીનની લાઇટના અંજવાળે ખાખડાબેલાના રાજેન્દ્ર રામલાલ જયસ્વાલ, મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા અને શનિરાજસિંહ કિશોરસિંહ જાડેજા નામના શખ્સો નદીમાંથી રેતી કાઢતા જોવા મળતા ત્રણેય શખ્સોની ધરરપકડ કરી હતી ત્યારે એક અજાણ્યો શખ્સ ભાગી ગયો હતો. ત્રણેય શખ્સોની પૂછપરછ કરવામાં આવતા તેઓ ખાખડાબેલાના મહાવીરસિંંહ ઉર્ફે ટીનુભા હમીરજી જાડેજા, યુવરાજસિંહ અનોપસિંહ જાડેજા, રાજદીપસિંહ રણજીતસિંહ જાડેજા, બલભદ્રસિંહ બહાદુરસિંહ જાડેજા અને ભોલા રાજપૂત નામના શખ્સોના દોરી સંચારથી નદીમાંથી રેતીની ચોરી કરી ખાખડાબેલા ગામના મંદિર પાસે લઇ જતા હોવાની કબુલાત આપી હતી.

સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે ખાખડાબેલા ગામે સ્ટોક કરેલી રુા.24.48 લાખની કિંમતની 7200 મેટ્રીક  ટન રેતી, બે હીટાચી મશીન અને ત્રણ મોબાઇલ મળી રુા.1.09 કરોડનો મુદામાલ કબ્જે કર્યો છે.

સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા સ્થાનિક તંત્રને અંધારામાં રાખી દરોડો પાડયા બાદ મામલતદાર કચેરી, ખાણ ખનિજ વિભાગ અને સર્વેયર વિભાગને જાણ કરતા નાયબ મામલતદાર ડી.વી.મોરાડીયા, ખાણ ખનિજ વિભાગના હિતેશભાઇ સોલંકી અને સર્વેયર અશ્ર્વિનભાઇ વારોતરીયા ખાખડાબેલા દોડી ગયા હતા તેઓએ આજી નદીમાંથી રેતી કાઢવા અંગે કોઇને લીઝ આપવામાં આવી ન હોવાનો અભિપ્રાય આપવામાં આવ્યા બાદ  દસેય શખ્સો સામે પડધરી પોલીસમાં ખનિજ ચોરી અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. એસએમસી દ્વારા ઝડપેલા ત્રણ શખ્સોને પોલીસને દીધા હતા. દરોડાની કાર્યવાહી દરમિયાન ભોલા રાજપૂત, મહેન્દ્રસિંહ જાડેજા અને શનિરાજસિંહ જાડેજા મુખ્ય સુત્રધાર હોવાનુ અને તેઓના દોરી સંચારથી ટ્રક અને ડમ્પર દ્વારા રેતીનું ખનન અને વહન કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.

રેતી ખનનના કાળા કારોબારમાં સંડોવાયેલા ખનીજ માફિયાઓ અંગે ‘અબતક’નું સ્થળ ઉપરથી જ જીવંત પ્રસારણ

https://www.facebook.com/abtakmedia/videos/506347054128333/

17 જાન્યુઆરી 2022ના રોજ ’અબતક’ મીડિયાની ટીમે પડધરીના ખાખડાબેલા ગામમાં આજી નદીના કાંઠે વેરાન વિસ્તારમાં પહોંચી જીવના જોખમે સ્ટિંગ ઓપરેશન હાથ ધરી અંદાજિત 17 મિનિટનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગેરકાયદે કરાઈ રહેલી રેતી ખનન અંગે વિસ્તૃત વિગતો, દ્રશ્યો રજૂ કરવામાં આવ્યા હતા. આજી નદીના કાંઠે ખનન માફિયાઓ દ્વારા બેફામ થઇ હિટાચી, જેસીબી મશીન થકી રેતી ખનન કરવામાં આવી રહી હતી જે દ્રશ્યો ‘અબતક’ મીડિયાની ટીમે જીવંત રજૂ કર્યા હતા. આ વિડીયો અંદાજિત સવા લાખ લોકો સુધી પહોંચ્યો હતો.

સ્ટેટ મોનીટરીંગ સેલે કરેલી રેઇડના આરોપીઓ

  1. યુવરાજસિંહ અનોપસિંહ જાડેજા
  2. મહાવીરસિંહ ઉર્ફે ટીનુભા હમીરજી જાડેજા
  3. શનિરાજસિંહ કિશોરસિંહ જાડેજા
  4. મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા
  5. રાજેન્દ્ર રામલાલ જયસ્વાલ
  6. રાજદિપસિંહ રણજીતસિંહ જાડેજા
  7. ધર્મેન્દ્રસિંહ સુખદેવસિંહ જાડેજા
  8. બલભદ્રસિંહ બહાદુરસિંહ જાડેજા
  9. ભોલા રાજપૂત
  10. અજાણ્યા ઈસમો

મીડિયાએ કરેલા ઘટસ્ફોટને ફુટેલા તંત્રે ‘ખાલી કારતુસ’ ગણી !!

‘અબતક’ મીડિયા દ્વારા જીવના જોખમે કરાયેલા સ્ટિંગ ઓપરેશનમાં બેફામ અને બેલગામ ખનન માફિયાઓ દ્વારા કરાતી ખનીજ ચોરીનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો પરંતુ તંત્રએ સમગ્ર મામલે કોઈ જ નક્કર કાર્યવાહી નહીં કરતાં આ અહેવાલ ફક્ત ખાલી કારતુસ હોય તેવી રીતે નજરઅંદાજ કરી દીધું હતું. જેના લીધે તંત્ર ઉપર પણ સવાલ ઉઠ્યા હતા. આ ઘટના બાદ પણ ખનન માફિયાઓને સહેજ પણ ફર્ક ન પડ્યો હોય તેમ આ વિસ્તારમાં ખનીજ ચોરી ધમધમી રહી હતી.

નશામાં ધૂત અને ફાટીને ધુમાડે ગયેલા ખનન માફિયાઓએ ‘અબતક’ની ટીમ પર કર્યો હતો હુમલો

‘અબતક’ મીડિયાની ટીમ જીવના જોખમે રેતી ખનનના કાળા કારોબારનો પર્દાફાશ કરવા ખાખડાબેલા ગામ ખાતે પહોંચી હતી. ત્યારે ખનન માફિયાઓ દ્વારા બળજબરીપૂર્વક કેમેરો પડાવી તોડી નાખવાનો પ્રયાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નશામાં ધુત શખ્સો દ્વારા અબતક મીડિયાની ટીમ પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. ભારે કટોકટીની પરિસ્થિતિમાં પણ અબતક મીડિયાની ટીમે બહાદુરીપૂર્વક ખનન માફિયાઓનો સામનો કરવામાં આવ્યો હતો. દરમિયાન ’અબતક’ કાર્યાલય દ્વારા સતત પોલીસ અને મામલતદાર તંત્ર સાથે સંકલન કરી અબતક મીડિયાની ટીમ સાથે અઘટિત ઘટના બનતા રોકી લેવામાં આવી હતી. જો કે, તંત્રની ગોકળગતિએ થઇ રહેલી કાર્યવાહીએ અબતક મીડિયાની ટીમ પર જીવનું જોખમ ઉભું કરી દીધું હતું.

ખનન માફિયાઓના ત્રાસથી પ્રજા પણ ત્રાહિમામ

ખનન માફિયાઓ દ્વારા બેફામ કરાઈ રહેલી ખનીજ ચોરીને કારણે પર્યાવરણને તો ભારે નુકસાની સર્જાઈ જ રહી છે પણ ખનન માફિયાઓના લીધે આસપાસની પ્રજા પણ ત્રાહિમામ પોકારી ઉઠી હતી. ભારે વાહનોને લીધે રોડ રસ્તાની બિસ્માર સ્થિતિ મામલે ખનન માફિયાઓનું ધ્યાન દોરતા લોકોને બેફામ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી ખનન માફિયાઓ દ્વારા ઉચ્ચારવામાં આવે છે. જે વ્યથા પણ અમુક સ્થાનિકો દ્વારા ’અબતક’ સમક્ષ વર્ણવવામાં આવી હતી.

‘અબતક’ના  અહેવાલ પર રાજયભરમાંથી  પ્રશંસાનો ધોધ અને તંત્રમાં બેઠેલા પર ફિટકાર વરસ્યો !!!

‘અબતક’ મીડિયા દ્વારા ખાખડાબેલા ગામમાં ધમધમતા રેતી ખનનના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. રેતી ખનનના દ્રશ્યો જયારે ’અબતક’ દ્વારા જીવંત પ્રસારિત કરવામાં આવ્યા ત્યારે સૌરાષ્ટ્ર આખામાંથી અંદાજિત 1.23 લાખ લોકો સુધી આ અહેવાલ પહોંચ્યો હતો અને દર્શકોએ કમેન્ટ અને ટેલિફોનિક માધ્યમ મારફત ’અબતક’ના અહેવાલની પ્રસંશા કરી હતી પરંતુ આ મામલે જાણે તંત્રના પેટનું પાણી પણ ન હલ્યું હોય તેવી રીતે સમગ્ર ઘટનાને નજરઅંદાજ કરી દેવામાં આવી હતી. બેફામ ચાલી રહેલા રેતી ખનનના ગોરખધંધાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા બાદ પણ તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી.

ચોપડા ફિંદી ખનન માફિયાઓની કરમ કુંડળી શોધી વર્ષોની ચોરીનું વ્યાજ વસુલી લેવાશે?

પડધરીમાં વર્ષોથી રેતી ખનનનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે પરંતુ હાલ સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલે પાડેલા દરોડા બાદ હવે ખનન માફિયાઓની કરમ કુંડળી કાઢી વર્ષોથી ચાલતી ખનીજચોરીનો દંડ વ્યાજ સાથે વસુલી લેવાશે કે કેમ? તેવો પણ સવાલ ઉઠ્યો છે.કે પછી એસએમસીની કાર્યવાહી માત્રથી સંતોષ માની લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.