રાજ્યમાં લઘુત્તમ તાપમાન ગાંધીનગર અને મહુવામાં 14 ડિગ્રી જયારે મોટા ભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 16થી 20 ડિગ્રી નોંધાયુ
નવેમ્બર મહિનો હવે પૂરો થવાની આરે છે પરંતુ હજુ સુધી રાજ્યમાં જોઈએ તેવી ઠંડી પડી રહી નથી. એક તરફ ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે ત્યારે ડિસેમ્બર મહિનાની શરુઆતથી કડકડતી ઠંડી પડશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના વચ્ચે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વર્ષે ચોમાસું નવરાત્રી સુધી રહ્યું હતું જેના કારણે ઠંડીનું જોર રહેશે તેવી પણ સંભાવના અગાઉ વ્યક્ત કરવામાં આવી હતી.
તારીખ 4 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે. ડિસેમ્બરની 4થી 7 તારીખ દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે જેના લીધે તારીખ 22 ડિસેમ્બર પછી ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. દેશમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે જેના કારણે ઠંડી વધવાની શક્યતા વધુ છે. તેમણે ભારે હિમવર્ષાના કારણે ઠંડી વધુ રહેવાની પણ આગાહી કરી છે.
હાલ રાજ્યમાં લગભગ તમામ જગ્યાએ મહત્તમ તાપમાનનો પારો 30ની ઉપર છે જ્યારે લઘુત્તમ તાપમાન ગાંધીનગર અને મહુવામાં 14 ડિગ્રી રહ્યું હતું. આ સિવાય રાજ્યના મોટાભાગમાં લઘુત્તમ તાપમાન 16થી 20 ડિગ્રીની અંદર રહ્યું છે.
હાલ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે પરંતુ બપોરના સમયે ગરમી રહે છે, જોકે, ધીમે-ધીમે ઘરોમાં પંખા અને એસીનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે. રાજકોટ શહેરની વાત કરીએ તો લઘુતમ તાપમાન 17 ડિગ્રીએ રહેવા પામ્યું છે.