રાત ઓછીને વેશ જાજા જેવી પરિસ્થિતિ સર્જાતા તંત્રમાં દોડાદોડી
રાજકોટ સહિત ગુજરાતભરમાં જમીન કામગીરી બાબતે તંત્ર દ્વારા આળસ કરવામાં આવી રહી છે. જેના પરીણામે થતી ઘણા તાલુકાઓમાં કામગીરી પૂર્ણ થઈ નથી. આ કામગીરીમા ઢીલીનીતિના કારણે લોકોને હેરાનગતિ ભોગવી પડે છે. તેમજ આ બાબતે લોકો દ્વારા રજુઆતો પણ કરવામાં આવી રહી છે. ઘણા સ્થળોએ યોગ્ય રીતે સર્વે થયો ન હોવાથી લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે ત્યારે હવે ગુજરાત સરકાર જમીન કામગીરી બાબતે ગંભીર બન્યું છે. રાજયના મહેસુલ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રેવન્યુ ડીપાર્ટમેન્ટને જમીન રીસર્વેની કામગીરી તાકીદે પૂર્ણ કરવા અને તેમાં રહેલા છબરડાઓને સુધારવા માટે બે મહિનાનું અલ્ટીમેટમ આપી દીધુ છે.
ગુજરાતના અધિક કલેકટરોની બેઠકમાં ચુડાસમાએ જમીન કામગીરીની સમીક્ષા કરી હતી. આ સમીક્ષામાં કામગીરી જોઈએ તેટલી અસરકારક રીતે થઈ ન હોવાનું બહાર આવતા બે મહિનાની અંદર રીસર્વે પુરો કરવાનો નિર્દેશ આપ્યો છે. વધુમાં આ કામગીરીમાં એક પણ ભુલ ન રહે અને અરજદારોને પુરેપુરો સંતોષ મળે તેવું પરીણામ આપવા માટે સખ્ત શબ્દોમાં જણાવવામાં આવ્યું છે.
જમીન કામગીરી દરમિયાન છબરડાઓ રહી ગયા હોવાની રજુઆતો ઉઠતા મહેસુલ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ બાબતે ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તેમજ બને તેટલી ઝડપથી રજુઆતોનું નિરાકરણ કરવા માટે સુચનો આપવામાં આવ્યા છે. આ બેઠક દરમિયાન જમીનની ફાળવણી જુની નવી શરતોમાં ફેર-બદલી વગેરેના કામોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાંથી છેલ્લા ત્રણ મહિનાથી જમીન સંદર્ભના પેન્ડીંગ રહેલા કેસોનો નિકાલ કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. આ બેઠકમાં મહેસુલ વિભાગના મુખ્ય સચિવ પંકજ કુમાર, સચિવ હરીત શુકલા તેમજ વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા અને કામગીરીની સમીક્ષામાં ભાગ લીધો હતો. રાજય સરકારના આ અલ્ટીમેટમથી જમીન રીસર્વેની કામગીરીમાં અંધાધૂંધી શ‚ થઈ છે અને તંત્ર ઉંધા માથે પડયું છે. બે મહિનાની અંદર કામગીરી પુરી કરવી તંત્ર માટે આકરી બની રહેશે. કારણકે અત્યાર સુધી જમીન-રીસર્વે બાબતે ખુબ જ ઢીલી નીતિથી કામગીરી કરવામાં આવી છે.