રાજ્ય સરકારનું મેગા જોબફેર નર્યું જુઠ્ઠાણું: કોંગ્રેસ
રાજ્યની ભાજપ સરકાર ૧૨ મહિનામાં ૧૨ ઉત્સવો ઉજવે છે અને ઉજવણીમાં રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર વ્યસ્ત રહેતું હોવાથી પ્રજાલક્ષી વિકાસ કામ ઠપ થઈ ગયા હોવાનો આક્ષેપ વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે, ભાજપ સરકાર છેલ્લા ૧૦ વર્ષથી ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના લોકોની સુખાકારી માટે બજેટમાં ફાળવણી કરે છે પરંતુ વર્ષના અંતે ૫૦ ટકા જ ખર્ચ થાય છે. વિપક્ષી નેતાએ પ્રવચનના અંતે ભાજપના નંબર વનના દાવાની નકલ કરી વર્તમાન સામાજિક પરિસ્થિતિનું વર્ણન કરતી સમસ્યાઓ અંગેના સૂત્રોચ્ચાર કરાવતા સરકાર સ્તબ્ધ બની ગઈ હતી. બાપુ સૂત્રો બોલાવતા ગયા અને કોંગી ધારાસભ્યોએ કોરસમાં આ સૂત્રો પોકાર્યા હતા.
બજેટ પરની ચર્ચામાં વિપક્ષી નેતાએ વર્ષના પ્રારંભે પુરાંત અને અંતમાં ખાધ વાળા બજેટ અંગે સરકારને દિશાહિન ગણાવતા કહ્યું કે, આ બાબતની અર્થશાસ્ત્રીઓને જ ખબર પડે, પરંતુ ભાજપ સરકારને તેની ખબર નથી.
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મેગા જોબ ફેર અંતર્ગત ૧.૯ લાખ બેરોજગારોને રોજગારી આપવામાં આવી હોવાના દાવાને કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે પડકારી સંયુક્ત ધારાસભ્યોની સમિતિ રચીને તપાસ કરાવવાની માગ કરી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનામાં ગેટ મૂકવામાં પોણા ત્રણ વર્ષના અક્ષમ્ય વિલંબ કરવા માટે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવતા તેમણે વર્તમાન સરકારને ગ્રામવિકાસ, ખેડૂત અને અનુસૂચિત જાતિ-જનજાતિ વિરોધી ગણાવી આ ક્ષેત્રોની જોગવાઈમાં રૂ. ૯૦૦ કરોડથી રૂ. ૪ હજાર કરોડનો કાપ મૂક્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષાની વાતો કરતી સરકારે આ વર્ષના બજેટમાં સરહદી વિસ્તારના વિકાસ માટે રૂ. ૨૨૩ કરોડમાંથી ઘટાડીને માત્ર રૂ. ૫૦ કરોડ જ ફાળવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
બજેટની સામાન્ય ચર્ચામાં કોંગ્રેસના સિનિયર ધારાસભ્યએ સરકારની આકરી ઝાટકણી કાઢતાં રાજકોટ, કચ્છ, મોરબી અને અન્ય જિલ્લાના દસ્તાવેજી પુરાવા રજૂ કરતા જણાવ્યું કે, વરસોથી ફેકટરીઓમાં નોકરી કરતા લોકોને બસ ભરીને આ કાર્યક્રમમાં લાવી કોરા ફોર્મ પર નોકરી મળ્યાની સહીઓ કરાવાઈ છે તો અનેક કિસ્સામાં કોન્ટ્રાક્ટરોને ત્યાં છૂટક મજૂરી કરતા લોકોને અંગુઠા મરાવીને નવી નોકરી આપવામાં આવી હોવાના ફોર્મ ભરાવાયા છે. રાજકોટમાં અનેક લોકોની નોકરીની તારીખ જૂની હોવાના સેંકડો ફોર્મની જાતે તપાસ કરી હોવાનું જણાવી તેમણે આ ફોર્મ ગૃહમાં રજૂ કર્યા હતા. ફોર્મમાં રોજગાર વિનિમય કચેરીના કોલમ ખાલી રાખવા સામે તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે, રાજ્યના બેકાર યુવાનોમાં ભારોભાર આક્રોશ પ્રવર્તી રહ્યો છે ત્યારે સરકાર નોકરી આપવાને બદલે મેગા ફેરનું નાટક કરી રહી છે.
બજેટમાં નાણાંકીય ફાળવણીની મોટી જાહેરાતોનો ફૂગ્ગો ફોડતા કોંગ્રેસના સિનિયર ધારાસભ્યએ સરકારના જ આર્થિક-સામાજિક સમીક્ષાને ટાંકીને જણાવ્યું કે, સરકાર બજેટમાં જાહેરાતો કરે છે, પરંતુ નાણાંની ફાળવણી કરતી નથી. સરકાર દર વર્ષે પુરાંતવાળા બજેટની જાહેરાત કરીને અખબારોમાં હેડલાઈન બનાવે છે, પરંતુ દર વર્ષના અંતે મોટી ખાધ રહે છે. સરકારે ૨૦૧૩-૧૪માં ગ્રામ વિકાસમાં રૂ. ૯૨૪ કરોડ અને ૨૦૧૪-૧૫માં રૂ. ૧,૨૦૦ કરોડ જ્યારે ૨૦૧૩-૧૪માં સામાજિક સેવા-જઈ, જઝ, ઘઇઈ તથા ગરીબો માટેના રૂ. ૪ હજાર કરોડનો ખર્ચ કર્યો નથી. નર્મદાના દરવાજાનું કામ કરવાની મંજૂરી જૂન-૨૦૧૪માં મળ્યા બાદ પોણા ત્રણ વર્ષનો વિલંબ સરકારની ગુનાઈત બેદરકારી દર્શાવે છે. દરવાજા બંધ કરવાની મંજૂરી કેન્દ્રની ભાજપ સરકાર તાત્કાલિક આપે તેવી માગ કરતા તેમણે ૨૦૧૮માં કોંગ્રેસ સત્તામાં આવે તો આર્થિક રીતે પછાત વર્ગને ૨૦ ટકા અનામત આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.