- પ્રદૂષણ મુક્ત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર
- ગ્લોબલ વોર્મિંગ અને કલાઇમેટ ચેન્જ સામેના પડકારોને પહોંચી વળવા તથા ઇકોફ્રેન્ડલી દેશના નિર્માણ માટે આપણે સૌ સહિયારા પ્રયાસો કરીએ : મંત્રી મૂળૂભાઈ બેરા
- રાજયની શાળા-કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે બેટરી ઓપરે ટેડ દ્રીચક્રી વાહન ખરીદવા માટે અત્યાર સુધીમાં 50 હજાર કરતાં વધુ વિદ્યાર્થી ઓને 58 કરોડની સહાય ચૂકવાઈ: આ વર્ષે 7500 વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહન ખરીદવાની સહાય માટે નવ કરોડ જોગવાઇ
- સર્ક્યુલર ઇકોનોમી ને પ્રોત્સાહિત કરવાના વિવિધ પ્રોજેકટ માટે રૂપિયા 165.10 કરોડની જોગવાઈ
- ગુજરાત વિધાનસભા ખાતે કલાયમેટ ચેન્જ વિભાગની માંગણીઓ પસાર
કલાયમેટ ચેન્જ વિભાગના મંત્રી મૂળૂભાઈ બેરાએ જણાવ્યું છે કે, ગ્લોબલ વોર્મિંગ અને કલાઇમેટ ચેન્જ એ વૈશ્વિક સમસ્યા છે ત્યારે આ સમસ્યા સામેના પડકારોને પહોંચી વળવા માટે તથા ઇકો ફ્રેન્ડલી દેશના નિર્માણ માટે આપણે સૌ એ સંકલ્પબદ્ધ બનવું પડશે એ આજના સમયની તાતી જરૂરીયાત છે.
વિધાનસભા ખાતે કલાયમેટ ચેન્જ વિભાગની માંગણીઓ રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી ભર્યા અભિગમથી વર્ષ 2009માં ગુજરાતમાં કલાઇમેટ ચેન્જ માટે એક અલાયદા વિભાગ ની સ્થાપના કરીને માત્ર ભારત દેશમાં જ નહિ પરંતુ સમગ્ર એશિયા ખંડમાં કલાઇમેટ ચેન્જ વિભાગ ગુજરાતમાં શરૂ કરી દેશ અને દુનિયાને નવી દિશા આપી હતી. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ વધારી રહ્યા છે.
તેમણે ઉમેર્યુ કે, ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી પોલિસી-2023 હેઠળ રાજયની કુલ પવન ઉર્જાની સ્થાપિત ક્ષમતા 12,510 મેગાવોટ થઈ છે. પવન ઊર્જા ક્ષેત્રે ગુજરાતે દેશમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. અને આ જ રીતે રાજ્યની કુલ સૌર ઉર્જાની સ્થાપિત ક્ષમતા 17,580 મેગાવોટ થઈ છે, જે દેશભરમાં બીજા સ્થાને છે. રાજયની સમગ્ર પુનઃ પ્રાપ્ય ઉર્જાની કુલ સ્થાપિત ક્ષમતા 32,303 મેગાવોટ સાથે દેશમાં બીજા ક્રમે છે.
આજ રીતે ગુજરાતે વર્ષ 2015 થી બેટરી સંચાલીત વાહનો માટે સબસીડી સહાય યોજના શરૂ કરી હતી. જે યોજના અંતર્ગત રાજયની શાળાઓમાં ધોરણ 11-12 તેમજ કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે બેટરી ઓપરેટેડ દ્રીચક્રી વાહન ખરીદવા માટે રૂા. 12,000 /- પ્રતિ વાહન સબસીડી ચૂકવવામાં આવે છે. અત્યાર સુધીમાં 50 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને અઠ્ઠાવન કરોડ જેટલી સબસીડી સહાય તેમના બેન્ક ખાતામાં સીધી ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2025-26 માં 7500 વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહન ખરીદવાની સહાય માટે નવ કરોડ જોગવાઇ કરાઈ છે.
તેમણે કહ્યું કે, પર્યાવરણ ના જતન માટે રાજ્ય સરકારે સુધારેલ સ્મશાનભઠ્ઠી બેસાડવાની યોજના અમલી કરી છે જે અંતર્ગત અત્યાર સુધીમાં 9220 કરતાં વધુ સુધારેલ સ્મશાનભઠ્ઠી બેસાડવામાં આવી છે, જ્યારે આગામી વર્ષ 2025-26 દરમિયાન અત્યાર સુધીની મહત્તમ વાર્ષિક 1500 સુધારેલી સ્મશાનભઠ્ઠી બેસાડવા માટે નવ કરોડની જોગવાઈ કરી છે.
એ જ રીતે સરકારી ઇમારતો પર સોલાર સિસ્ટમ લગાવવાની યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 3815 કરતાં વધુ સરકારી ઇમારતો પર 65 મેગાવોટ કરતાં વધુ સોલાર રૂફટોપ સિસ્ટમની સ્થાપના કરવામાં આવી છે. વર્ષ 2025-26 માં સરકારી ઇમારતો પર સોલર રૂફટોપ સ્થાપિત કરી 14 મેગાવોટની ક્ષમતા ઊભી કરવા માટે પંચાવન કરોડની જોગવાઇ કરી છે.
રાજ્યમાં સરકારી ઇમારતો પર કેપેક્ષ (CAPEX) મોડેલ હેઠળ સોલાર રૂપટોફ પ્રોજેક્ટ માટે વર્ષ 2025-26 માં 37 મેગાવોટની ક્ષમતા ઊભી કરવા રૂ. 146 કરોડની જોગવાઇ કરી છે. સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ માટે સબસીડી (સહાય) યોજના અંતર્ગત અત્યાર સુધી કુલ 613 કરતાં વધુ પ્લાન્ટ સ્થાપવા સબસીડી સહાય ચૂકવવામાં આવી છે. વર્ષ 2025-26માં 70 વિવિધ સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે રૂ.12 કરોડની સબસીડી સહાયની જોગવાઈ કરેલ છે.
મંત્રીએ ઉમેર્યું કે, કલાઇમેટ ચેન્જ મુદ્દે સમાજમાં જાગૃતિ આવે અને સમાજને ઉપયોગી થાય તેવાં ઉમદા કાર્યો તથા સંશોધનો કરનારા લોકોને બિરદાવવાના હેતુથી વર્ષ 2023-24 દરમિયાન પ્રથમ વાર 10 લોકોને અલગ અલગ 6 કેટેગરીમાં કલાઇમેટ ચેન્જ એવોર્ડ દ્વારા પુરસ્કૃત કરાયા હતા. વર્ષ 2025-26માં 10 કેટેગરીમાં કલાઇમેટ ચેન્જ એવોર્ડ દ્વારા પુરસ્કૃત કરવા રૂ. પચીસ લાખની જોગવાઇ કરાઈ છે.
તેવી જ રીતે વર્ષ 2025-26ના બજેટમાં નવી બાબતો પ્રોજેક્ટ માટે રૂપિયા 165.10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે જે અંતર્ગત સર્ક્યુલર ઇકોનોમી ને પ્રોત્સાહિત કરવા માટે, ગ્રીન સેક્ટરના કાર્યો માટે, કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણ ના અભ્યાસક્રમો શરૂ કરવા માટે, બાયોમાસની સંભવિત ઉપલબ્ધતાની ચકાસણી માટે, સોલાર વેસ્ટ અને ઈ વેસ્ટ માંથી કીમતી સામગ્રી પ્રાપ્ત કરવાની માર્ગદર્શિકા તૈયાર કરવા માટે જોગવાઈ કરેલ છે. તે ઉપરાંત નવી બાબતોમાં ગ્રીન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને રાજ્યમાં ક્લાઈમેટ ચેન્જ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ક્લાઈમેટ ચેન્જ ફંડની સ્થાપના કરવા રૂપિયા 25 કરોડ, જિલ્લાઓમાં ક્લાઈમેટ ચેન્જની અસર ઘટાડવા માટે પગલા અને મિશન લાઈફ પ્રવૃત્તિના પ્રચાર માટે રૂપિયા 33 કરોડ જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભા ખાતે કલાયમેટ ચેન્જ વિભાગની માંગણીઓ પસાર કરાઈ હતી