ખેતપેદાશોની નિકાસને વેગ આપવા એક્સપોર્ટ પોલિસી અને ખેત ઉત્પાદનોની માંગ વધારવા એગ્રો જીઆઈડીસી પોલિસી અંગે વિધાનસભા સત્રમાં જાહેરાત થાય તેવી પ્રબળ સંભાવના
રાજ્ય સરકાર ખેડૂતો માટે ટૂંક સમયમાં બે મહત્વની પોલિસી જાહેર કરે તેવી સંભાવના છે. સરકાર દ્વારા ખેતપેદાશોની નિકાસને વેગ આપવા એક્સપોર્ટ પોલિસી અને ખેત ઉત્પાદનોની માંગ વધારવા એગ્રો જીઆઈડીસી પોલિસી અંગે વિધાનસભા સત્રમાં જાહેરાત કરવામાં આવનાર હોવાના અહેવાલો મળી રહ્યા છે.
રાજ્યમાં ખેડૂતોને લાભ થાય અને ખેત પેદાશોને વેચાણમાં મદદ મળે તે માટે રાજ્ય સરકારે આ પોલીસી લાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ પોલીસી અંગે રાઘવજી પટેલે કહ્યું કે આવનારા દિવસોમાં રાજ્યના ખેડૂતોની આવકો વધારવા અને તેને સમૃદ્ધ બનાવવા ખેતીવાડી ખાતાએ એગ્રો એક્સપોર્ટ પોલીસી અને એગ્રો જીઆઇડીસી પર સરકાર વિચારણા કરી રહી છે.
એગ્રો એક્સપોર્ટ પોલિસી વિશે મંત્રીએ કહ્યું કે એક્સપોર્ટ બેઝ પ્રોડક્શનને એક્સપોર્ટ કરવામાં સુવિધા રહે અને સરળતા રહે તે માટે આ પોલિસી બનાવવામાં આવી રહી છે.
આ પોલિસીમાં ડિમાન્ડમાં રહેલી ખેત પેદાશો, અને નિકાસ થઇ શકે એવી પેદાશોનું લીસ્ટ બનાવી એણે કઈ રીતે વધુ નિકાસ કરી શકાય. આ પ્રક્રિયામાં ખેડૂતને વધુ લાભ થાય તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવનાર છે.
એગ્રો જીઆઈડીસી પોલિસી અંગે મંત્રીએ કહ્યું કે ખેડૂતોના ઉત્પાદનને આ પોલિસી થકી અલગ અલગ પ્રોડક્ટ બનાવવાની વાત છે. જેમાં ખેડૂતોના ઉત્પાદનની માગ વધશે અને જેને લઈને ઉદ્યોગ પણ વધશે એ અંગે આ પોલિસી છે.જેને ટૂંક સમયમાં જાહેર કરવામાં આવનાર છે.
આમ રાજ્ય સરકાર ખેતપેદાશો સાથે સંકળાયેલા ઉદ્યોગો અને એક્સપોર્ટને પ્રોત્સાહન આપી ખેત પેદાશોની માંગ અને ભાવ વધે તે દિશામાં પ્રયત્નો કરી રહ્યું છે. જેના ભાગરૂપે સરકારે બે પોલિસી બનાવી છે. આ પોલિસીની જાહેરાત ટૂંક સમયમાં જ થવાની છે.